Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોટામવાના ચર્ચાસ્પદ મયુર શીંગાળા હત્યા કેસના પાંચ આરોપીઓની વચગાળાની જમીન અરજી નામંજુર

આરોપીઓ દ્વારા પુત્રી બહેનની સગાઇ સંદર્ભે જામીન આપવા અરજી કરી હતી

રાજકોટ તા ૨૭  :  રાજકોટના ચર્ચાસ્પદ મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા અગીયાર-બાર વર્ષથી જેલ હવાલે રહેલ ગાંડુ ભુરા, વજીબેન ગાંડુ, ઉત્તમ ગાંડુ, હંસાબેન ગાંડુ, લતાબેન ગાંડુ, એ બહાર રહેલ તેઓની દિકરી/બહેનની સગાઇ માટે કરેલ વચગાળાની જામીન અરજી રાજકોટના સેશન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએ તો મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીંગાળાનું ખુન તા. ૧૮/૧૧/૦૯ ના રોજ તેના જ ગામના આરોપીઓ(૧) ગાંડુ ભુરાભાઇ (ર) મહેશ ગાંડુભાઇ,(૩) ઉત્તમ ગાંડુભાઇ,(૪) વજીબેન વા/ઓ ગાંડુભાઇ, (પ) હંસા ઉર્ફે હેમા ડો/ઓ ગાંડુભાઇ, (૬) લતા ઉર્ફે ટીની ડો/ઓ ગાંડુભાઇ,(૭) વીનુ ઉર્ફે દેવજી પુંજાભાઇ, (૮) જયેશ વીનુભાઇનાઓએ પુર્વયોજીત કાવત્રુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનું ખુન કરી ગુજરનારના શરીર પરના દાગીના તથા મોબાઇલ સહીતની લુંટ કરી નજરે જોનાર સાહેદોને મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી તીક્ષ્ણ પ્રતી બંધીત હથીયાર ધારણ કરી પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો ભંગ કરીગુનો આચર્યા સબંધેની મોટામવા રહીશ ગુજરનારના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ગાંડુ ભુરા, વજીબન ગાંડુ, ઉત્તમ ગાંડુ, હંસાબેન ગાંડુ, લતાબેન ગાંડુ દ્વારા તેઓની દિકરી/બહેનની સગાઇ વીધી માટે માતા-પિતા દરજ્જે, ભાઇ-બહેન દરજ્જે પ્રસંગમાં હાજર રહેવા વચગાળાની જામીન અરજી પર મુકત કરવા અરજ ગુજારી હતી.

અરજદારો તરફે તેઓની દીકરી/બહેનની સગાઇ સબંધે કરેલ રજુઆતો સબંધેનો કોઇ પુરાવો રેકર્ડ પર મુકેલ નથી, તદઉપરાંત આરોપી નં.૧ તથા ૨ સિનીયર સીટીઝન હોય અને જુદી જુદી બીમારીઓથી પીડાતા હોવા સબંધે પણ કોઇ મેડીકલ પુરાવો રેકર્ડ પર નથી, તદ્ઉપરાંત અરજીમાં એન્ગેજમેન્ટ સબંધે ડીટેઇલમાં કોઇ જ હકીકતો જણાવેલ નથી, આવા પ્રકારની અનેક વચગાળાની જામીન અરજીઓ તથા રેગ્યુલર જામીન અરજીઓ અગાઉ આ અદાલતે રદ કરેલ છે, અરજીમાં જણાવેલ કારણ યોગ્ય અને પ્રોપર નથી કેસ આખરી ચુકાદા પર હોય આ સમયે અરજદારોને જામીન પર મુકત કરવાથી નાસી-ભાગી જવાની શકયતા રહેલ હોય, જે તમામ સંજોગો લક્ષે લઇ પાંચેય પરીવારના સભ્યો અરજદારોની વચગાળાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, તથા સ્પેશ્યલ પી.પી. નીરંજન એસ. દફતરી તથા ભાવીન દફતરી, પથીક દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(3:45 pm IST)