Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હેલ્મેટ પાછળ 'મારો મત તો કોંગ્રેસ'ને જ લખી પહેરવા ફરમાનઃ વ્હોટસએપ મેસેજ ફરતો થયો

હેલ્મેટથી કંટાળેલા લોકોનો ગાંધીગીરી સ્ટાઇલથી વિરોધનો નિર્ણય :કાં તો હેલ્મેટ જશે, નહિ તો સરકાર જશે

આટલું લાખવાથી કાં તો હેલ્મેટ જશે કાં તો આ સરકાર જશે. :દરેક મિત્રોએ હેલમેટમાં આવુ લખવુ હેલ્મેટનો વિરોધ બંધ કરો અને આવુ લખેલું હેલ્મેટ પહેરવાનું બધા ચાલુ કરી દયો હેલ્મેટ આપોઆપ હટી જશે.

રાજકોટ, તા., ર૭: કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ મોટર વ્હીકલ એકટમાં સુધારા સાથેનું બીલ લોકસભામાં પસાર કરી નવા કાયદાના સ્વરુપમાં અમલી બનાવી ફરજીયાત હેલ્મેટ સહીત દરેક ગુન્હાના ભંગ બદલ આકરા દંડની જોગવાઇ કરી છે તેની સામે ગુજરાત સહીત દેશભરમાં પ્રચંડ વિરોધ જોવા મળે છે.

દેશના અનેક રાજયોમાં હેલ્મેટને લઇને આકરાદંડના સમાચાર અથવા લોકોએ દંડ ભરવાનો વિરોધ કરી રસ્તા પર ઉતરી આવ્યા અથવા તો પોલીસ સાથે હેલ્મેટને લઇને અવાર નવાર માથાકુટ સાથે મારામારીના બનાવો પણ બની રહયા છે.

શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટનો જોરદાર વિરોધ થઇ રહયો છે. લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. દરરોજ શહેરમાં હેલ્મેટ પહેરીને ફરવાથી કેવી કેવી મુશ્કેલીઓ ખાસ કરીને મહિલાઓ અથવા સીનીયર સીટીજનોને થઇ રહી છે. તેના સમાચારો વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થઇ રહયા છે. છતા કેન્દ્ર કે રાજય સરકારો પ્રજાની લાગણી સમજતા નથી અને આ નિર્ણયમાં બાંધછોડ કરે તેવા અણસાર દેખાતા નથી અને દરરોજ લાખો રૂપીયાનો દંડ સામાન્ય વર્ગના લોકો પાસેથી વસુલીને રીતસર લુંટ ચલાવી રહી છે.

સરકારના આવા જકી વલણથી થાકીને હારેલા કેટલાક લોકો હવે સરકાર સામે અહિંસક આંદોલન ગાંધીગીરી સ્ટાઇલથી કરવાનો નિર્ણય લીધાનું જાણવા મળેલ છે.

કેટલાક લોકોએ હેલ્મેટ પાછળ 'મારો મત તો કોંગ્રેસ'ને જ તેવું લખીને જ હેલ્મેટ પહેરવા અપીલ કરી આ મેસેજ વ્હોટસએપ  ગૃપમાં કરતો કર્યો છે.  આ મેસેજનો આમ તો અર્થ તો એવો થાય કે સરકારના જીદી વલણથી હવે વાહન ચાલકો થાકયા છે અને આગામી ચુંટણીમાં સરકાર વિરૂધ્ધ મતદાન કરી સરકારને બોધપાઠ ભણાવવાના મુડમાં હોવાનું સ્પષ્ટ જણાય છે.

આમ અહિંસક આંદોલન દ્વારા લોકજાગૃતી આવશે તો ભવિષ્યમાં સરકારને ફરી ચુટાવું પણ મુશ્કેલ બને તો નવાઇ નહિ તેમ રાજકોટના નગરજનો પોતાની હૈયાવરાળ ઠાલવી જણાવી રહયા છે.

(3:45 pm IST)