Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પબ્લીકમાં પ્રચંડ રોષ

હમ જીસ રસ્તે પે ચલે ઉસ રસ્તે પે થી 'જીપ' ખડી...હેલ્મેટ વગર વધુ સેંકડો વાહન ચાલકો દંડાયાઃ વધુ ૫૮૩૮ વાહન ચાલકોને ઇ-ચલણ

રાજકોટઃ શહેરમાં વાહન ચાલકો માટેના નવા નિયમો અંતર્ગત રોજબરોજ લાખો રૂપિયાનો દંડ નિયમોના ભંગ સબબ વાહનચાલકો પાસેથી વસુલવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસ તેમજ શહેરના અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો રોજેરોજ અલગ-અલગ પોઇન્ટ પર ટુવ્હીલર ચાલકોને અટકાવી ખાસ કરીને 'હેલ્મેટ'ના દંડ વધુને વધુ વસુલે છે. શહેરી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો હાંકી કાઢવાની ટુવ્હીલરચાલકોની લાગણી અને માંગણી છે. પરંતુ તેની આ લાગણીને 'ઉપર' સુધી પહોંચાડી શકે તેવું કોઇ નથી!...આ કારણે મજબૂર ટુવ્હીલરચાલક પરાણે, મન મારીને હેલ્મેટ પહેરી રહ્યો છે. હેલ્મેટ ન પહેરવાથી રૂ. ૫૦૦નો ચાંદલો પોલીસ પાસે ફરજીયાત લખાવવો પડે છે. આમ છતાં જેને દંડનો ડર છે છતાં હૈયે પોલીસના ચેકીંગમાંથી પોતે છટકી જ જશે એવો વિશ્વાસ છે તેવા વાહન ચાલકો હેલ્મેટ વગર નીકળી પડે છે. પરંતુ તેને કદાચ ખબર નથી હોતી કે એ જે રસ્તેથી જશે એ રસ્તે પોલીસની જીપ મળશે જ. ટારગેટ મુજબ ટુવ્હીલર ચાલકો પાસેથી રોજબરોજ લાખોનો દંડ નિયમોના ભંગ બદલ વસુલવામાં આવી રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ૩૪૩ વાહન ચાલકો પાસેથી રૂ. ૧,૬૬,૬૦૦નો સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૫૮૩૮ ટુવ્હીલર ચાલકોને હેલ્મેટ વગર નીકળતાં, ત્રણ સવારી કે રોંગ સાઇડમાં નીકળતાં નિયમના ભંગ બદલ ઇ-ચલણ મોકલવામાં આવ્યા હતાં. ગઇકાલે એક જ દિવસમાં મોકલાયેલા આ ઇ-ચલણના દંડની રકમ રૂ. ૩૫,૭૧,૧૦૦ થાય છે. આ વર્ષમાં કુલ ૨,૯૧,૮૩૬ કેસ કરી કુલ રૂ. ૭,૨૮,૧૫,૫૪૯ (સાત કરોડ અઠ્ઠાવીસ લાખ પંદર હજાર પાંચકો ઓગણપચાસ)નો દંડ પોલીસે વસુલ કર્યો છે. તસ્વીરમાં રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશન નજીકના રોડ પર મહિલા પોલીસની ટીમે દંડની કાર્યવાહી કરી હતી તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)