Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગોકુલધામમાં રહેતાં મેડિકલ સ્ટોર સંચાલકની આંખમાં મરચાની ભુંકી છાંટી છરી બતાવી સાથેના થેલાની ઝોંટ

રાજકોટ તા. ૨૭: ગોકુલધામમાં રહેતાં અને દોશી હોસ્પિટલ પાસે મેડિકલ સ્ટોર ચલાવતાં વેપારી બ્રાહ્મણ આધેડ એકટીવા હંકારી ઘરે જતા હતાં ત્યારે દૂકાનથી થોડે આગળ પંચશીલ હોલ પાસે બાઇક પર આવેલા બે શખ્સો તેની આંખમાં મરચાની ભુકી છાંટી છરી બતાવી રૂ. ૪૭ હજારની રોકડ સાથેનો થેલો લૂંટી ગયા હતાં. ઘરમેળે તપાસ કર્યા બાદ હવે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માલવીયાનગર પોલીસે આ બનાવ સંદર્ભે ગોકુલધામ સોસાયટી-૧ બ્લોક નં. ૩૭ 'જયદેવ કૃપા' ખાતે રહેતાં અને ગુરૂપ્રસાદ મેડિકલ નામે દોશી હોસ્પિટલ ચોકમાં દૂકાન રાખી વેપાર કરતાં કમલકુમાર અનંતરાય પંડ્યા (ઉ.૪૭)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૭૯ (એ) (૪) તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ બાઇક આંતરી છરી બતાવી મારવાનો ભય ઉભો કરી આંખમાં મરચુ છાંટી તેની પાસેનો રૂ. ૪૭ હજારની રોકડનો થેલો ખેંચી લૂંટી જવા અંગે ગુનો નોંધ્યો છે.

કમલકુમાર પંડ્યાએ જણાવ્યું છે કે હું ૬/૧૧ના રાતે મારી દૂકાન વધાવી એકટીવા નં. જીજે૦૩ડીએ-૯૨૭૩ લઇને ઘરે જતો હતો. તે વખતે લગભગ સાડાનવ-પોણા દસ થયા હતાં. હું પંચશીલ હોલ ગેઇટ પાસે પહોંચ્યો ત્યારે ચાલુ ગાડીએ મારા મોઢા પર મરચાના ભુકા જેવું કંઇક છાંટવામાં આવતાં હું એકટીવા સાથે નમી ગયો હતો અને ઉભો રહી ગયો હતો. મારી આંખમાં બળતરા થવા માંડી હતી. તે વખતે બે શખ્સ બાઇક પર આવ્યા હતાં. પાછળ બેઠેલા શખ્સે મને છરી બતાવી હતી. આ કારણે હું ગભરાઇ ગયો હતો. દરમિયાન એક શખ્સ મારા એકટીવામાં રાખેલો થેલો ખેંચી ભાગી ગયો હતો.

મને આંખમાં ખુબ બળતરા થતી હોઇ હું થેલો ખેંચનારના બાઇકના નંબર જોઇ શકયો નહોતો. એ થેલામાં રૂ. ૪૭ હજારની રોકડ, પંજાબ નેશનલ બેંકની ચેકબૂક, પાસબૂક, મારી દૂકાનની ચાવીઓ તથા બીજા ડોકયુમેન્ટ હતાં. મેં જે તે વખતે મિત્ર સુરેન્દ્રસિંહ વાળા કે જેઓ નજીકમાં રહેતાં હોઇ તેને વાત કરતાં તે આવી ગયા હતાં. બીજા લોકો પણ ભેગા થઇ ગયા હતાં. કોઇએ પાણી આપતાં મેં આંખમાં છાંટ્યું હતું.  એ પછી મને દોશી હોસ્પિટલમાં મિત્ર સુરેન્દ્રસિંહે સારવાર અપાવી હતી. ત્યાં મારા પત્નિ, પિતા સહિતને બનાવની જાણ કરી હતી. અમે અત્યાર સુધી અમારી રીતે તપાસ કરી હતી. હવે માલવીયાનગર પોલીસમાં જાણ કરી છે.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. એ. ખાચરે ફૂટેજ ચેક કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)