Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જંગલેશ્વરમાં તન્વીર ઉર્ફ તનીયો અને સમીર ઉર્ફ સેજલાના જૂથ વચ્ચે અથડામણઃ હત્યાની કોશિષના ૨૦ શખ્સો વિરૂધ્ધ બે ગુના

તન્વીર ઉર્ફ તનીયાના ૧૧ વર્ષના દિકરા ફરહાન અને સમીર ઉર્ફ સંજલોના ૧૦ વર્ષના દિકરા તન્વીર વચ્ચે હસનશાપીરનાી દરગાહ પાસે ઉર્ષમાં ડીજે પર ડાન્સ કરતી વખતે થયેલી ચડભડ બાદ મોટેરા બાખડી પડ્યા : બંને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકયા છેઃ ભકિતનગર પોલીસને ધાડા ઉતારવા પડ્યાઃ બે શખ્સને પુછતાછ માટે ઉઠાવી લેવાયાઃ ઘાયલ થયેલા સારવાર હેઠળ : તન્વીરના ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી : સમીર ઉર્ફ સંજલાને માથામાં ધારીયાનો ઘા થતાં ફ્રેકચરઃ પડી ગયાનું ડોકટરને ખોટુ કહ્યા બાદ સાચી વિગતો જણાવી

ધમાલમાં ઘાયલ પૈકીનો તન્વીર ઉર્ફ તનીયો મેમણ (ઉ.૩૭), તેનો પુત્ર ફૈઝાન (ઉ.૧૮) તથા ભાઇ તોૈફિક મેમણ સારવાર હેઠળ છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: જંગલેશ્વરમાં સાંજે મેમણ અને સંધી શખ્સોના જૂથ વચ્ચે છોકરાવ વચ્ચે ઉર્ષમાં ડી.જે.માં ડિસ્કો કરવા બાબતે માથાકુટ થયા બાદ આ બંને ટાબરીયાના પિતા અને તેના જૂથો વચ્ચે સશસ્ત્ર ધમાલ સર્જાતા નાશભાગ મચી ગઇ હતી. બનાવને પગલે બંને જૂથના શખ્સો તલવાર, ધારીયા, ધોકા, ગુપ્તી જેવા હથીયારો સાથે નીકળી પડતાં પોલીસના ધાડેધાડા ઉતારવા પડ્યા હતાં. ભકિતનગર પોલીસે મેમણ યુવાન અને સંધી યુવાનની ફરિયાદ પરથી સામ-સામે હત્યાની કોશિષ, રાયોટીંગના ૨૦ શખ્સો વિરૂધ્ધ બે ગુના દાખલ કર્યા છે.

પોલીસે જંગલેશ્વર-૧૭માં રહેતાં તન્વીર ઉર્ફ તનીયો રફિકભાઇ શીશાંગીયા (મેમણ) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી સમીર ઉર્ફ સેજલો જાવેદભાઇ જૂણેજા, અંજુમ ઇસ્માઇલ ખીયાણી, સંજલાનો બનેવી દુલીયો, રફિક કાળુભાઇ જૂણેજા, સંજલાના બે ભાણેજ સમીર, સોહેલ, કાળુભાઇનો ગોટીયો તથા ચાર-પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૪૫૦, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

તન્વીરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી પત્નિ જાહીદા અને બે દિકરા ફૈઝાન (ઉ.૧૮) તથા ફરહાન (ઉ.૧૧) અને બે દિકરી સાથે રહુ છું. સાંજે સાતેક વાગ્યે જંગલેશ્વરમાં હસનશાપીરની દરગાહે ઉર્ષ હોઇ ત્યાં ડી.જે. વાગતું હોવાથી મારા દિકરા ફરહાનને ડાન્સ કરવા બાબતે અમારા લત્તાના સમીર ઉર્ફ સંજલાના પુત્ર તન્વીર (ઉ.૧૦) સાથે બોલાચાલી થઇ હતી. સાંજે સાડા સાતેક વાગ્યે બાલાચાલી થઇ હતી. એ પછી સાડા સાતેક વાગ્યે મને નસીબ પાન પાસે સમીર ઉર્ફ સંજલો મળ્યો હતો અને અમારી વચ્ચે વાતચીત બાદ સમાધાન થઇ ગયું હતું.

ત્યારબાદ રાત્રીના હું, મારો ભાઇ તોૈફિક, દિકરો ફૈઝાન ઘર પાસે શેરીમાં બેઠા હતાં ત્યારે સમીર ઉર્ફ સંજલો સહિતની ટોળકી તલવાર, ધારીયા, ગુપ્તી જેવા હથીયારો સાથે ધસી આવતાં અને અમારા પર હુમલો કરતાં મને, મારા દિકરા ફૈઝાન અને ભાઇને ઇજા થઇ હતી. આ ઉપરાંત આ શખ્સોએ અમારા ઘરમાં તોડફોડ પણ કરી હતી. અમને ઇજા થઇ હોઇ પહેલા લોટસ હોસ્પિટલમાં અને ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

વળતી ફરિયાદ સામા પક્ષે જંગલેશ્વર-૬ હુશેની ચોકમાં રહેતાં સમીર ઉર્ફ સંજલો જાવીદભાઇ જૂણેજા (સંધી) (ઉ.૩૨) નામના યુવાને પણ ફરિયાદ કરતાં પોલીસે તેની ફરિયાદ પરથી તન્વીર મેમણ, તેના ભાઇ તોૈફિક, તન્વીરના પુત્ર ફૈઝાન, બનેવી રાજ કેસેટવાળો, તન્વીરની પત્નિ, મોહસીન ઉર્ફ મોગલી ઇસ્માઇલભાઇ જૂણેજા, ગફાર મેમેણ, તન્વીરના માસીનો દિકરો શબલો તથા સોહિલ શેખ સામે આઇપીસી ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪ તથા રાયોટીંગનો કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

સમીર ઉર્ફ સંજલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું બાપુનગરમાં મજૂરી કરૂ છું. મારે સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પત્નિનું નામ સલમા છે. સાંજે મારા ભાણેજ સોહિલે મને ફોન કરી જાણ કરી હતી કે તમારા દિકરા તન્વીર (ઉ.૧૦)ને ઉર્ષમાં ડી.જે. પર ડાન્સ કરતી વખતે તન્વીર મેમણના દિકરા ફૈઝાને વાંસામાં પાઇપ મારી લીધો છે. આથી હું લત્તામાં આવ્યો હતો અને જંગલેશ્વર-૧૭માં તન્વીર મેમણ મળતાં તેની સાથે વાત કરતાં તેણે ગાળો દીધી હતી. ઝઘડો વધે નહિ તેથી હું ઘરે જતો રહ્યો હતો. એ પછી મેં મારા સગા-સંબંધીઓને બોલાવી વાત કરી હતી.

ત્યારબાદ અમે બધા તલવાર, પાઇ, ભાલુ, ઇંટો, સોડા બાટલી લઇને તન્વીર મેમણના ઘર પાસે ગયા હતાં. ત્યારે તન્વીર મેમણ પણ બીજા લોકો સાથે હોઇ અમને જોઇ ગાળાગાળી કરવા માંડતા અને અમારા પર સોડા બોટલોના ઘા કરવા માંડતાં સામ-સામે મારામારી થઇ હતી. જેમાં મને ફૈઝાને માથામાં ધારીયુ મારી દીધું હતું. જેથી હું પડી ગયો હતો. તેમજ શબ્બીરે મને પાઇપથી માર માર્યોહતો. મને ખુબ લોહી નીકળતાં પ્રગતિ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાં મેં ડોકટરને પડી જવાથી ઇજા થયાનું ખોટુ જણાવ્યું હતું. માથામાં ફ્રેકચર હોવાનો રિપોર્ટ આવતાં મેં પોલીસ સમક્ષ હુમલાની સાચી વાત કહી હતી.

પી.આઇ. વી.કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા તેમજ ડી. સ્ટાફની ટીમોએ બનાવ સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો. વધારાની પોલીસ પણ બોલાવાઇ હતી. બંને પક્ષની ફરિયાદ પરથી બે ગુના દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને ફરિયાદી અગાઉ અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

(1:11 pm IST)