Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જ્ઞાતિ કેવી હોય ? જ્ઞાતિ કેવડી હોય ?

પારસીઓના સામાજીક - રાષ્ટ્રીય યોગદાનની એક આછેરી ઝલક

થોડા દિવસો પહેલાં પારસીઓએ સંજાણ દિવસ ઉજવ્યો. એક એવી જ્ઞાતિ જે ઘણી જગ્યાએ છે છતાં ખબર નથી પડતી. પારસી એ સુગંધની જેમ ફેલાયેલી જ્ઞાતિ છે. એક આછી ઝલક પારસીઓના સામાજિક, રાષ્ટ્રીય યોગદાનની.

જાતી રે મેલીને અજાતિમાં ભળવું.... એવું પાનબાઈનું ભજન તીર્થોમાં ને સંતવાણીમાં ગુંજે છે પણ એનો અમલ દૂર દૂર સુધી કયાંય જોવા નથી મળતો. આમ આપણે ગ્લોબલાઈઝેશનની વાત કરીએ, સોશ્યિલ મીડિયા અને ઇન્ટરનેટ થકી વિશ્વ સાથે આંગળીના ટેરવે જોડાયેલા રહીએ અને કહીએ કે જગત તો હવે એક નાનું ગામ થઈ ગયું છે. ભારતમાં આજે લાખો પટેલો, લાખો મુસ્લિમો, લાખો બ્રાહ્મણો, લાખો દલિતો છે..... પણ કેટલા ભારતીયો છે? આજે આ ચર્ચા કરવાનો આમ કોઈ અર્થ નથી. જ્ઞાતિવાદ હવે નિર્મૂળ થાય એવી શકયતા ઓછી છે. ટેકનોલોજીના આ યુગમાં આપણે જગતભરના લોકો સાથે જોડાયેલા છીએ પણ આખરે તો આપણે જ્ઞાતિ, સમાજના કૂવામાં જ કુદા કૂદ કરીએ છીએ. ગુજરાતની કમનસીબી એ છે કે અહી યુવા નેતૃત્વ રાજકીય સપાટી પર આવ્યું તો પણ જ્ઞાતિને લીધે આવ્યું. ગરીબી, શિક્ષણ, આરોગ્ય જેવા ઇસ્યુઝ લીધા હોત તો લોકો પણ રાજી થાત.

તમારા મનમાં તરત યહૂદી કોમ આવશે અને આલ્બર્ટ આઇન સ્ટાઇનનું નામ આવશે. માર્ક ઝુકરબર્ગનું પણ આવશે. પણ આપણે નજરે જોયેલી વાત કરીએ તો? જ્ઞાતિ કેવડી હોય? કેવી હોય? પારસી. આ સમાજનું પ્રમાણ વિશ્વની વસ્તીમાં ૦.૦૧૬ ટકા છે. આખા જગતમાં ૯૦૦૦૦ (એક વિધાનસભા મતવિસ્તાર કરતાં પણ ઓછા) પારસી માંડ હશે, પણ આ જ્ઞાતિનું સમાજને યોગદાન કેવુ અને શું? જવાબ બહુ મોટો છે. એમનો ઇતિહાસ, ભારતમાં આગમન, વિશ્વમાં ભ્રમણ એ બધુ જાણવા માટે પિલૂ નાણાવટીનું પુસ્તક 'પારસી પ્રજા' વાંચવું પડે. પણ એક ઝલક જોઈએ આ લઘુમતી-લઘુલઘુમતી કોમની. પોતાના ધર્મનું રક્ષણ કરવા અને શાંતિ માટે જ તેઓ તુર્કસ્થાનના ઊંચા પ્રદેશ માથી પશ્ચિમ એશિયા,ઈરાન અને પછી ધીમે ધીમે ભારત આવ્યા. એના રાજાઓ, ધર્મપુરૂષ અષો જથૃસ્તનો ઇતિહાસ પણ ઉલ્લેખનીય છે. પણ એ પ્રજાએ સૂત્રોચ્ચાર તો દૂર, મોટા અવાજે મંત્રોચ્ચાર પણ કર્યા વગર દેશ દુનિયાને કેવી ભેટ ભૌતિક અને વૈયકિતક સ્વરૂપે આપી.

હિંદમાં એ લોકો વસ્યા પછી બ્રિટિશ, ફ્રેન્ચ, ડચ પ્રજાના વેપારના વિસ્તાર માટે સલાહકાર અને આડતીયા તરીકે પારસીઓ રહ્યા. ૧૬૪૨માં નવસારીમાં પારસી પંચાયત હતી. સમાજના ધાર્મિક-સામાજિક પ્રશ્નોનું નિરાકરણ એમની જવાબદારી હતી. લોકશાહી સિદ્ઘાંતો પર પંચાયતો કામ કરતી. કોમને લગતી બાબતો, લગ્ન છુટ્ટાછેડા જેવા નિર્ણયોમાં પણ પંચાયતોનો રોલ રહેતો. ૧૮૪૮માં દાદાભાઈ નવરોજીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની 'લિટરરી એન્ડ સાયન્ટીફીક સોસાયટી'ની રચના થઇ. શાળાઓ ઉભી કરી શિક્ષકો સ્વેચ્છાએ અડધા પગારે કામ કરે એ રીતે કામ થયું. એક જ માસમાં સંસ્થાને ૪ વર્ગ માટે ૪૨ પારસી અને ૨૪ હિન્દુ વિદ્યાર્થીઓ મળ્યા. એલફીન્સ્ટન કોલેજમાં સ્ત્રી શિક્ષણ નહોતું અપાતું તો એ કામ ૯ શાળાઓએ ઉપાડી લીધું. ૧૮૫૫માં ૪૭૫ પારસી,૧૭૮ મરાઠી, ૮૨ ગુજરાતી કન્યા ત્યાં શિક્ષણ લેતી હતી.

ભારતની સ્વતંત્રતા ચળવળમાં દાદાભાઈ નવરોજી, ફિરોજશા મહેતા અને દિનશા વાચ્છા એ ત્રણ નામ મુખ્ય હતા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં કામા કંપનીમાં ભાગીદાર તરીકે પણ કામ કર્યું અને પોતાનો સ્વતંત્ર રૂનો ધંધો પણ શરૂ કર્યો. કામા કુટુંબે ઈંગ્લેન્ડની પ્રથમ હિન્દુ કંપની સ્થાપી હતી. સ્ત્રી કેળવણી, સ્ત્રીને સમાન દરજ્જો, બાળલગ્ન બંધ કરાવવા, વિદ્યાર્થીઓ જ્ઞાન-વિજ્ઞાનની ચર્ચા કરે એ માટેના મંડળો એમણે સ્થાપ્યા. હિંદુસ્તાનને ચૂસી લેવાની અંગ્રેજોની નીતિ એમણે ખુલ્લી પાડી. બ્રિટિશ રાજમાં ગરીબી, હિંદીઓની ભરતી, અંગ્રેજોના લશ્કર માટે થતો અતિશય ખર્ચ જેવા મુદ્દે એ લડ્યા. ફિરોજશા મહેતા પણ ટાઉન કાઉન્સીલ અને મ્યુનિસિપાલિટીના સભ્ય હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર પ્રથમ પારસી મહિલા ભિખઈજી કામા હતા. એમણે ૧૯૦૫માં જીનીવાથી ક્રાંતિકારી છાપું વંદેમાતરમ છાપવાનું શરૂ કર્યું. અંગ્રેજોની નીતિને એ વખોડતા. હિન્દુસ્તાનની સ્વતંત્રતાના પ્રચાર માટે એમણે વિદેશ પ્રવાસ પણ કર્યો. ૧૮મી ઓગસ્ટ ૧૯૦૭ના દિવસે એમણે જર્મન ભાષામાં જુસ્સાદાર પ્રવચન કર્યું પછી ધ્વજ ફરકાવ્યા એ ધ્વજ આજે થોડા સુધારા સાથેનો આપણો રાષ્ટ્ર ધ્વજ છે.

ભીખઈજી ત્યારબાદ બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાયના સંપર્કમાં આવ્યા. બ્રિટિશ સરકારે એમના ભાષણોને લીધે એમણે દેશનિકાલ કરવા ફ્રેન્ચ સરકારને લખ્યું, પણ ફ્રાન્સની સરકાર માની નહીં તેથી અંગ્રેજોએ ભારતમાં રહેલી ભીખઈજીની મિલકતો જપ્ત કરી. એમણે જીનીવાથી 'તલવાર' નામનું બીજું ક્રાંતિકારી અખબાર પ્રગટ કર્યું. ૧૬ ઓગસ્ટ,૧૯૩૬માં ભીખઈજીનું અવસાન ભારતમાં જ થયું.

રાજકારણ અને જાહેર જીવનમાં પણ પારસીઓનું પ્રદાન ઘણું મોટું. રૂસ્તમજી જીવણજી ઘોરખોદુ ગરીબ પરિવારમાં જન્મ્યા, સતર વર્ષની વયે કોઈ મૂડી વગર ડર્બન ગયા. ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા. એક વાર વીફરેલા ટોળાના ખોફથી એમણે ગાંધીને બચાવ્યા પણ ખરા. ૧૯૨૧માં એમણે આફ્રિકામાં એમ.કે. ગાંધી નામનું પુસ્તકાલય શરૂ કર્યું. આવા તો અનેક નામો છે. ખુરશેદ નરીમાન, બરજોર ભરૂચા અને ઘણા લોકો. આમ આપણે તો સાવ ટૂંકી નોંધ લીધી. શિક્ષણ, સંસ્કાર, સાહિત્ય જેવી બાબતોને આ કોમે અગ્રતા આપી એટ્લે એ શાલિન અને સૌમ્ય રહી. બીજું એ કે આ બધુ એમણે પોતે સજર્યુ. ઊભું કર્યું. કોઈ પર આધારિત રહીને, કોઈ પાસે કઈ માગીને નહીં. સત્તા સામે બાયો ચડાવવી એક વાત છે અને ખભે ખભા મિલાવીને સમાજનું ઉત્થાન કરવું એ બીજી બાબત છે. પારસીઓએ કયારેય એમ નથી કહ્યું કે અમારા આ નેતા હતા ને પેલા અગ્રણીએ આમ કર્યું, તેમ કર્યું. આ કોમ ખરા અર્થમાં કર્મયોગી હતી.

વેપાર ઉદ્યોગમાં પારસીઓ? વહાણો અને ગોદી બાંધવાની શરૂઆત સૌપ્રથમ પારસીઓએ કરી. આઇએસટી ઈન્ડિયા કંપનીએ ઇ.સ.૧૭૦૦માં તાપી નદી પર ગોદી બાંધી એની સંભાળ લેવાનું કામ લવજી વાડિયાને સોપાયું હતું. જમશેદજી બમનજી વાડિયાએ બ્રિટિશ રોયલ નેવી માટે મોટી મનાવરો બાંધી હતી. એમના પુત્ર નવરોજી વાડિયાએ 'નવરિનો'ના યુદ્ઘમાં ઉતરેલું 'ફ્લેગશિપ' અને ૮૪ તોપ ગોઠવાય એવું ૨,૨૩૯ ટનનું 'એશિયા જહાજ' બનાવ્યું હતું. દોઢસો વર્ષ સુધી આ પરિવાર જહાજ બનાવવાના ઉદ્યોગમાં રહ્યો.

સ્ટીમ એન્જિન બનાવવાની પહેલ અરદેશર વાડિયાએ કરી હતી. હિરજી જીવનજી સૌ પ્રથમ ચીન જનારા પારસી હતા. એમણે ત્યાં વેપાર પણ કર્યો. ૧૮૫૧માં કાવસજી દાવરે સૂતર કાતવાનું કારખાનું નાખ્યું. જમશેદજી જીજીબાઈ, દિનશા પીટીટ, કાવસજી જહાંગિર જેવા સાહસિકોએ મિલ ઉદ્યોગના પાયા નાખ્યા. જમશેદજી ટાટા, એમના પુત્રો દોરાબ અને રત્ન અને પછી એમનો આખો વંશ, એમની ગાથા જાણીતી છે. રાષ્ટ્રવાદી ઉદ્યોગકાર તરીકે એ પરિવાર જગમાં જાણીતો છે. અને વિમાન ઉડ્ડયનોના વિક્રમ પણ એમના નામે છે. જમશેદજી 'આર્થિક રાષ્ટ્રવાદ'ના પ્રણેતા હતા. સિવિલ એવિએશનના પ્રણેતા ટાટા ગ્રુપે ૧૯૩૨માં ટાટા એરલાઇન્સ શરૂ કરી હતી. ૪૮માં એર ઈન્ડિયા ઇન્ટરનેશનલ શરૂ થયું અને ૧૯૫૩માં એનું રાષ્ટ્રીયકરણ થયું જે 'ઇંન્ડિયન એરલાઇન્સ' અને 'એર ઈન્ડિયા'ના નામે ઓળખાયા. 'ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોસિયલ સાયન્સ', 'ટાટા કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ'..... આ ટાટા પરિવાર એક જ હોત તો ય કેટલું મળ્યું હોત દેશને? આવું નામ ગોદરેજનું પણ ખરૃં.

બેન્ક ઉદ્યોગમાં પહેલ પારસીઓએ કરી હતી. વિકાજી અને પેસ્તિકા મહરજી બે ભાઈઓએ 'બેન્કિંગ'ની શરૂઆત કરી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભુતપૂર્વ ડેપ્યુટી ગવર્નર પરવેજ ડામરી વર્લ્ડ બેન્કના પણ મંત્રી રહી ચૂકયા છે. ઘડિયાળ અને કોફીના વ્યવસાયમાં પણ પારસીઓ પાયોનીયર રહ્યા હતા. વિવિધ વ્યવસાયો, સરકારના રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કમિશનો, અનેક કમિટીઓ, વકીલાત, વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના મોટા પદ જેવી બાબતો લખીએ તો આ શ્રેણી લંબાઈ જાય. પારસી સ્ત્રીઓનુ પ્રદાન પણ સામાજિક કાર્યોમાં ઘણું હતું. લેડી હિરબાઈ કાવસજી જહાંગિર 'પારસી પંચાયત' સહિત અનેક સંસ્થા સાથે સંકળાયેલા હતા. પંચાયતના એ પ્રથમ સ્ત્રી સભ્ય હતા. એમના પુત્ર જહાંગીરનું યુવાન વયે અવસાન થયું, એમની સ્મૃતિમાં હિરબાઈએ જહાંગિર આર્ટ ગેલેરી બંધાવી હતી.

ભારતના લશ્કરના પૂર્વ વડા,  ફિલ્ડમાર્શલ સેમ માણેક શા. એમને મળવાનો સુંદર અવસર મને પણ મળ્યો હતો. ૧૯૭૧ના યુદ્ઘમાં એમની ભૂમિકા કેવી હતી એની વાત જો આપણે ભારતીય હોઈએ તો આપણને કરવાની જરૂર ન રહે. બીજા વિશ્વ યુદ્ઘમાં પણ એ ફ્રન્ટ પર હતા. બ્રિટિશ રાજમાં પણ એમણે લશ્કરમાં કામ કર્યું અને ૭૩માં ફિલ્ડમાર્શલનું પદ મળ્યું અને પદ્મવિભૂષણ એવોર્ડ પણ પામ્યા.

સ્પોર્ટ્સમાં પારસીઓના નામ મોટા. સૌથી પ્રથમ ક્રિકેટ કલબ એમણે ૧૮૭૪માં સ્થાપી હતી. અન્ય કોમના લોકો પણ એમાં જઇ શકતા. પોલી ઉમરીગર, નરી કોન્ટ્રેકટર, રૂસી મોદી, ફારૂખ એન્જીનિયર, રૂસી સુરતી ક્રિકેટ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય પારસી નામો છે. હોકીમાં પણ એટલું મોટું યોગદાન રહ્યું છે.

૧૯૩૦ થી ૧૯૫૦ સુધી પારસીઓ બોકિસંગમાં પણ આગળ હતા. ટેનિસમાં જીમી મહેતા અને ટેબલ ટેનિસમાં કાપડિયા ભાઈઓ જાણીતા છે. ફરામજી આરિયાએ કુસ્તી માટે તાલીમખાનું બનાવ્યું હતું.

વિજ્ઞાન ક્ષેત્રે હોમી જહાંગિર ભાભા અને નાસેરવાન વાડિયાએ નોંધપાત્ર કામ કર્યું. હોમી ભાભાએ દેશમાં અણુશકિત કેન્દ્રો સ્થાપ્યા, આ ક્ષેત્રના સંશોધનને વેગ આપ્યો. ૩૧ વર્ષની વયે હોમી ભાભા લંડનની 'રોયલ સોસાયટી'ના ફેલો તરીકે પસંદગી પામ્યા. ૧૯૪૨માં એમના મહાનિબંધને કેમ્બ્રિજ યુનિવર્સિટીનું પારિતોષિક મળ્યું. ડો.જાલ વકીલ, નોશિર આંટીયા,સોરબજી શ્રોફ વગેરે તબીબોએ ઘણું કામ અને સેવા કાર્યો કર્યા.

કળા સાહિત્યમાં પેસ્તનજી બબનજી પારસીઓના સૌપ્રથમ ચિત્રકાર હતા. મંચેરસા પિઠાવાળા, શ્યાવાક્ષ ચાવડા ચિત્રકારો હતા. અને હોમી ભાભા વિજ્ઞાની હોવા ઉપરાંત ચિત્રકાર પણ હતા. સંગીતના ક્ષેત્રે કયખુશરો સોરાબજીનું નામ છે અને જગપ્રસિદ્ધ ઝૂબિન મહેતાનું ઓરકેસ્ટ્રા તો આપણે ભરપૂર માણ્યું છે.એમના પિતા પલ્લી મહેતા પણ વાયોલિનવાદક હતા. પરદેશમાં ઝૂબીનના કામની જોરદાર પ્રશંસા થઈ છે. એમને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજયા હતા. રંગભૂમિમાં પારસી કલાકારોની બોલબાલા રહી. ૧૮૫૦માં પારસી ડ્રામેટિક સોસાયટી હતી. જહાંગિર મર્ઝબાન તો પારસીના માર્ક ટ્વેન ગણાતા. ફિલ્મ ઉદ્યોગમાં સોહરાબ મોદી એમના ફિલ્મ નિર્માણ અને સંવાદોની કળા બંને માટે જાણીતા હતા.

'વાડિયા મુવીટોન' જાણીતી ફિલ્મ કંપની હતી. આજના બોલિવુડમાં બોમન ઈરાની ઘણું જાણીતું નામ છે. ફ્રેની એમ.વરીયાવા પણ ફિલ્મ ક્ષેત્રે યોગદાન આપનારા પૈકીનાં એક છે. જુલા અને અછૂત કન્યા જેવી ફિલ્મોમાં ખુરશીદ મીનોચહેર હોમજી એટ્લે કે સરસ્વતીદેવીનું સંગીત હતું.

ગુજરાતી પત્રકારત્વમાંર્ં પારસીનું યોગદાન કેમ ભૂલાય? ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર 'મુબઇ સમાચાર' ૧ જુલાઇ,૧૮૨૨ના રોજ શરૂ થયું હતું. એના તંત્રી હતા ફર્દુનજી મઝર્બાન. એ પછી આઠ વર્ષે અન્ય એક પારસી નૌરોજી દોરાબજીએ મુંબઈ નામનું વર્તમાન પત્ર બહાર પાડ્યું. જાણીતા અખબાર બ્લીટ્ઝના સ્થાપક પણ રૂસી કરંજિયા હતા. અને 'કરંટ' પણ પારસી બાવાનું છાપું હતું. 'ધ સ્ટેટ્સમેન'ના પત્રકાર –મેનેજિંગ ડિરેકટર સી.આર.ઈરાની કટોકટી વખતે નિર્ભીકતાથી લખનાર લોકોમાં મોખરે હતા. ટૂંકી વારતાના લેખક તરીકે દિના મહેતા જાણીતું નામ છે. એમની ૩ વાર્તા લંડનના સામયિક માટે પસંદ થઈ હતી.

આમ દરેક ક્ષેત્રમાંપારસીઓએ મહત્વનુ કામ કર્યું. અપેક્ષા તદ્દન ઓછી, પ્રદાન વિરાટ. ન તો વસ્તીમાં વધારે કે ન એમની ન્યૂસન્સ વેલ્યૂ. હા, કદાચ પેલું નાનું કુટુંબ-સુખી કુટુંબ વાળી થીયરી પણ અહી હોય. વસ્તી ઓછી હોય એટ્લે જ એ લોકો ભણી –ગણી શકયા હોય એમ બને. પણ એ લોકોએ સમાજ, સાહિત્ય, સ્વતંત્રતા, વિજ્ઞાન, વેપાર સહિતના ક્ષેત્રોમાં ધરખમ કામ કર્યું. કયારેય આ જ્ઞાતિ કોઈ મેદાન કે રસ્તા પર મોટા અવાજે કોઈ માગણી કરતાં નીકળી હોય એવું યાદ નથી. જ્ઞાતિ ફકત વ્યાપ, વિસ્તાર, સંખ્યાથી રાચતો સમૂહ નથી એ ઊંડાણ,વૈચારિક સ્તર વડે રચાય છે. પણ આપણી સ્થિતિથી તો આ વાત ઘણી દૂર છે.

આપણે તો નવરાત્રિ પણ અલગ જ્ઞાતિની અને સ્નેહમિલનો પણ વિવિધ જ્ઞાતિના. ઠીક છે આ તો લાઇલાજ છે અને ભારત સિવાય પણ આ વિચારસરણી થોડી થોડી તો છે. આપણે આપણી જ્ઞાતિમાંથી એની પરંપરામાંથી બહાર ન આવીએ પણ જ્ઞાતિવાદમાંથી તો બહાર આવીએ! પારસીઓ તો દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. આપણે એટલિસ્ટ સમાજ કે રાષ્ટ્ર રૂપી દૂધમાં જ્ઞાતિ-જાતિનું લીંબુ તો ના નાખીએ!!!!

લેખન : જવલંત છાયા

(મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭ - ચિત્રલેખા)

(સોશ્યલ મિડિયામાંથી સાભાર)

(1:10 pm IST)