Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રમેશ પારેખ : જન્મદિવસ ૨૭ નવેમ્બર

દોરા સાથે જાતને બાંધી ઉડાડનાર કવિને હેપ્પી બર્થ ડે

'હા અમારા પછી તો અમે નહીં હોઇએ,ફોક થઇ જશે પાડેલું નામ ફોઇએ'

શેર તો સરસ છે. પણ જે કવિનો છે એમની ક્ષમા માંગવી પડે કે આ શેરમાં એ સાચા પડ્યા નથી. કારણ કે એ નથી પણ નામ ફોક નથી થયું. એમનું નામ તો લોક-લોકમાં ગાજી રહ્યું છે. ગૂંજી રહ્યું છે. રમેશ પારેખનો ૨૭મી નવેમ્બરે ૮૦મો જન્મદિવસ છે. જો એ ગુજરાતમાં ના જન્મ્યા હોત તો એમની પૂર્ણ કદની પ્રતિમા કયાંક હોત અને સરકાર એક આખું સેન્ટર ચલાવતી હોત. પણ એ ચર્ચા કરીને આજે કઈ દુખી થવાય નહિ. ગુજરાતના મેજર પોએટ એવું જેમના વિષે લખતા મને કયારેય અતિરેક લાગ્યો નથી એ રમેશભાઈનો બર્થ ડે ગુજરાતી ભાષા માટે એક ઓચ્છવ છે.

જેમ કર્ણને કવચ-કુંડળ બાય નેચર મળ્યા હતા એમ ગુજરાતી પ્રજામાં આજના દિવસે એક એવા વ્યકિતનો જન્મ થયો હતો જે પોતાના શરીરની સાથે લય,મીટર, છંદ, પ્રતીક ,કલ્પન, અભિવ્યકિત, ચેતના, સંવેદના જેવા કેટ કેટલા આભુષણ લઈને આ પૃથ્વી પર આવ્યા. આમ તો એને લાગ્યું હતું કે , આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું પણ એ તો કવિની અનુભૂતિ અને અભિવ્યકિત. બાકી ગુજરાતી ભાષા અને ભાવકો માટે તો રમેશ પારેખ એટલે સાહિત્ય ક્ષેત્રની સ્વપ્નેય ન વિચારી હોય એવી વાસ્તવિકતા.

રમેશ પારેખ : આ સબ્જેકટ એવો છે કે કે પીએચડી કરનારા પણ થાકે અને પરિશીલન કરનારા પણ પ્યાસા જ રહે. પણ રમેશ પારેખ વિષે લખવું હોય તો ફકત આ ૬ અક્ષરો કાગળ પર પાડી દઈએ તો તોય ગુજરી કવિતાની બાયોગ્રાફી અમુક ટકા તો લખાઈ જાય. આજે એમ થાય કે, શાહી માંથી આમ કા ઢોળાય છે તારા સ્મરણ, એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર મહાન વિવેચક,કવિતાના જ્ઞાતા પણ એમના વિષે લખી શકે અને મારા જેવા ભાવક પણ કૈક કાગળ પર એમને મળવાની રમત રમી શકે.

રમેશ પારેખના સર્જનની વિવિધતા, વિપુલતા-વર્સેટાયલીટી વિષે વર્ષો થી લખાય છે, ચર્ચા થાય છે. બાળ ગીત, ગીતોના ઢાળ કે, કટાવ જેવા છંદ નો બખૂબી ઉપયોગ અને ધારદાર અછાંદસ. વેદના અને વ્યંગ, પ્રીત અને પરમાત્મા, બાપુ અને બાળક મને તો એટલું સમજાય કે ર્ંરમેશભાઈની કવિતા ની રેંજ પાટી-પેન થી લઈને તામ્રપત્ર કે કોઈ તકતી સુધીની છે.

જંગલ સમી પીડા લઈને જીવેલા આ કવિએ સાદ પાડ્યો તો ય કોને? જે નથી એને પૂછ્યું છો ને?? ચંદુ સાથે છાના માના કાતરિયામાં બેઠેલો એક બાળક વળી એકડો સાવ સળેકડો ભણવા પણ બેઠો ભોપાને એને ટોપો પહેરેલો જોયો. છોકરીના હાથ થી રૂમાલ પડતો જોઇને એ જુવાને આંખ ફાડી.....તો બુઢ્ઢાઓ આંખ મીચી ગયા. કોઈએ ચૂંટી ખણી તો જાગ્યા અને એની આંખમાં કોઈ વહેલી સવાર સમું પડ્યું. એમને તો એવી વાત પણ યાદ કે આવેલું શમણું અવસર થઇ જાય!!!! મીરાં સાથે એમને પ્રીત એમ નહીં, એ તો મીરાં થઈને જીવ્યા. અરે, સપનામાં,આંગણામાં, ઓરડામાં અને રૂદિયામાં હરિના આગમનને આ કવિએ અનુભવ્યું.

એમને હરી કાગળ લખે તો જ બને.....અને તો ય હરિ સાથે કયારેક ના બને-તો ગુમાન કેવું? કે હરી સંગ નહિ બોલીએ. આલા ખાચરની તલવારને કાટ લાગ્યો, પણ આ કપોળ કવિની કલમ તો સતત સોનેરી થતી રહી.... અને એટલે તો એવું બન્યું કે ભલે એમણે ત્રણ અક્ષરોમાં વિશ્વને માપી લીધું, ને નામ વેદના. પણ એ કવિના હાથ ચીરાયા તો નીકળી ગંગા..... અને એ પ્રવાહ ગીત, ગઝલ અને અછાંદસનો પ્રયાગ રચે છે, કયાંક એ પ્રયોગનાં ધોધ રૂપે નીછે પછડાય છે તો કયાંક પરંપરા ના શાંત, નિશ્ચલ પ્રવાહે વહે છે.

મને કવિતામાં સમજ પડતી નથી. સૂર્ય ઉગે આથમે,પરિભ્રમણ કરે, પ્રકાશવર્ષ, સૂર્યમાળા, આકાશગંગા,આ કઈ વાતો માં મને ટપ્પો પડતો નથી પણ હું સંધ્યા,ઉષા અને રાત્રી ત્રણેય જોઈ,માણી શકું છે. એવું જ મારા માટે કવિતાનું છે. કાવ્યોનું છે. એટલે ર.પા.ના કાવ્યોની શાસ્ત્રોકત કે સાહિત્યિક ચર્ચાની જુર્રત તો કેમની થાય મારાથી? ગુજરાતી કવિતાની વિપુલતાની વર્ષા એમની કવિતામાં થઇ છે તો સંવેદનોની સુક્ષ્મતા પણ એમના સર્જન માંથી જવે છે.

ગુજરાતી કવિતાના પર્વત કે શિખર પરથી સતત થતી સરવાણી, તોતિંગ પડ કે કરાડ ભેદીને આવતી ભીની વાણી એટલે રમેશ પારેખની કવિતા. માનવજીવનના આંતર-બાહ્ય જીવન-જગતના ભાવને એમણે ગીતોના ઢાળ દ્વારા ઢાળ આપ્યો અને ગઝલના છંદ દ્વારા ઉછાળ આપ્યો. ગુજરાતી કવિતાનો ભવ્ય પ્રાસાદ તો નરસિંહ મેહતાના સમય થી કે કદાચ એ પૂર્વે-કલિકાલ ના સમય થી હતો. અને એમાં પ્રેમાનંદ કે દયારામ કે નરસિંહરાવ ને કાન્ત, દલપતરામ કે ન્હાનાલાલે એક પછી એક મજલા મજબુત રીતે ચણ્યા હતા.

બાલાશંકર કે કલાપી એ ગઝલોનાં સ્તંભ કે ગુમ્બજો ય મુકયા અને આ આખું સર્જન આગળ ચાલ્યું. રમેશ પારેખ એ કવિ હતા જેમણે ગુજરાતી કવિતાની આ બહુરંગી ઈમારતમાં બારીક નકશીકામ કર્યું.

શબ્દકોશમાં પડેલા શબ્દોને રમેશ પારેખે કવિતાના ગર્ભમાં સેવીને કાગળની કુખે જન્મ આપ્યો.

સમાજ,ઈશ્વર,ધર્મ આધ્યાત્મ,પ્રેમ, વિરહ,બાળપણ,વેદના અને સમ્વેદના કોઈ કરતા કોઈ ભાવ, લાઈફનું કોઈ સેકટર કે સેગ્મેન્ટ આ કવિએ અસ્પૃશ્ય નથી રાખ્યું. વરસાદના ગીત કે યુવાન છોકરી-છોકરાના ભાવ(અને ઘાવ પણ) એમણે શબ્દબદ્ઘ કર્યા. રમેશભાઈએ નિર્જીવ શબ્દને કવિતાની સંજીવની આપીને અમરત્વ આપ્યું, અને માનવ મનમાં સદીઓથી, યુગોથી અથડાતી-ભવાટવી નહિ પણ મનવાટવીના લખ ચોર્યાસી ફેરા ફરતી વાતો-વેદના-વિડંબણા-વ્યથા-વીતક કે ભાવને શબ્દો થકી જ મોક્ષ આપ્યો.......

કયા કાવ્યની વાત કરીએ અને ના કરીએ? ગઢને હોંકારો કે પછી ગઢ નીમાણો થઇ ગયો.... વરસાદ ભીંજવે કે ઓઢ્ણીનું મહાભિનિષ્ક્રમણ? હસ્તાયણ, પગાયણ, કે મનજી ઓઘડ દાસ કે મન પાચમના મેળામાં કે પછી માં ઝળઝળયાની ગરબી.....?

એમના કુટુંબમાં કયાય સાહિત્યનુ કોઈ વાતાવરણ નહી. મોટાભાઈ કાન્તીભાઈ શામળદાસ કોલેજમાં ભણ્યા એમની આગળ હરીન્દ્ર દવે ભણતા એટલે ભાઈ કયારેક એવું શેરીંગ ઘરમાં કરતા અને કૈક લખવાનો પ્રયાસ પણ કરતા. આ બધું જોઈ જોઇને રમેશભાઈ ને કૈક લખવાનું મન થયું અને એ અક્ષરો પડ્યા એ કૈક આવા હતા- હે પ્રભુ તમને નમું છું હાથ જોડી ને અહી થી એમની કવિતા...ગધેડીનો ઈશ્વર સુધી પહોંચી. રમેશભાઈએ સ્મરણો શેર કરતા કહ્યું હતું કે એમના બહેન-સવિતાબહેન હરિગીત છંદ ગાઈને એમના માથે હાથ ફેરવીને એમને સુવાડતાં અને ત્યારે એ સભાનતા પણ નહોતી કે આ હરિગીત છે. પણ હવે આપણને સમજાય છે કે કાનને પડેલા એ સંસ્કાર અંતરમાંથી કવિતા થઈને પ્રગટ્યા.

મોટાભાઈ રંગોળી કાઢતા એ જોઇને ચિત્રો દોરવાનો પણ શોખ જાગ્યો હતો અને બકરીની પુછડીના વાળ દાતણ સાથે બાંધી પીંછી બનાવી,ચિત્રો દોર્યા. પ્રથમ ચિત્ર દોર્યું ત્યારે શીર્ષક આપવું પડ્યું હતું-લક્ષ્મીજી. કારણ કે કોઈ ઓળખી શકયું નહોતું. પણ પછી તો સર્જકતાએ પીછીમાંય ઘર કર્યું. અને ઇન્ટરમીડિએટ ડ્રોઈંગની પરિક્ષા માટે પુના ના પરિક્ષા બોર્ડ નું ઇનામ પણ મળ્યું.

જે.જે. સ્કુલ ઓફ આર્ટ્સમાં જવાની ઈચ્છા થઇ પણ એ ઈચ્છા પૂરી થાય એ પહેલા ૧૯૫૮માં નોકરી શરૂ થઇ ગઈ. ઈશ્વર પેટલીકરની વાર્તા તરણા ઓથે ડુંગર વાંચી અને વર્ષોથી દબાયેલી કંઇક લખવાની ઈચ્છા અમલમાં મુકાઈ.કાળું ગુલાબ નામની વારતા લખી.ચાંદની મેગેઝીનમાં પ્રેતની દુનિયા વાર્તા સૌ પ્રથમ છપાઈ. અને દુનિયા જેમને કવિ તરીકે ઓળખે છે એ રમેશ મોહનલાલ પારેખે ૧૯૬૨ સુધી તો ૧૦૦ જેટલી વાર્તા લખી-સર્જી હતી. ઉમર વર્ષ હતી ૨૨.

કવિતા લખાતી પણ એમને એમાં કંઇક ખૂટતું જ લાગતું. અને સંયોગવશ અનીલ જોશી નો પરિચય થયો. રમેશ પારેખે ખડિંગ કાવ્ય સંગ્રહને નર્મદ ચંદ્રક મળ્યો એ સમયે આપેલા પ્રવચન-પ્રતિભાવમાં કહ્યું હતું કે અનીલ(જોશી)નો પરિચય ના થયો હોત તો હું કદાચ હજુ ય વાર્તાઓ લખતો હોત..રમેશ પારેખ ગુજરાતી કવિતાના દ્વારે ઉભા ત્યારે અહી ગઝલના ગરમાળા અને ગીતના ગુલમહોર લચેલા હતા-પુર બહારમાં હતા.

ઉમાશંકર અને સુન્દરમ જેવી કાવ્યપ્રતિભાનો દબદબો હતો, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત નીરુદ્દેશે –અને-બસ ફરવા જ આવ્યા હતા તો ય... સાહિત્યના આતમને એમની કવિતાનો રંગ તો લાગી ગયો હતો...રાવજી પટેલ, પ્રિયકાન્ત મણીયાર પણ સબળ સર્જકોની યાદીમાં અને શૂન્ય, ઘાયલ, મરીઝ ની સવારી બા અદબ-બા મુલાયઝા મુશાયરાના મંચ પર થતી.

નરસિંહની મશાલ કે બાલાશંકરે પ્રગટાવેલી શમા-બન્નેનું અજવાળું હતું અને એમાં રમેશ પારેખ નહિ છાલક, નહિ છાટા રે....આ તો દરિયા ઉભા ફાટ્યા રે...ની જેમ આવ્યા અને બધાને ભીંજવી દીધા. રમેશ પારેખ વિષે ની વાતો મારે અધુરી જ મુકવી પડે. મારા કેટલાક અંગત સ્મરણ સાથે. કેમ કે આ કવિનો નાતો દરેક ગુજરાતી કવિતા ભાવક સાથે. નીતિન વડગામા,મનોહર ત્રિવેદી,સંજુ વાળા, હરિશ્ચંદ્ર જોશી, વિનોદ જોશી,મહેન્દ્ર જોશી, શૈલેશ ટેવાણી, હર્ષદ ચંદારાણા, છેલભાઈ વ્યાસ કે એવા કેટલા મિત્રો ગુણવંત વ્યાસ કે મિત્ર મનોજ જોશી સાથેની એમની વાતો શેર કરીએ તો પુસ્તક થાય અને કૌશિકભાઈ મેહતાએ એવું એક પુસ્તક કર્યું જ છે-જેમાં હું મારા સ્વભાવગત ડેડલાઈન ચુકી ગયો હતો.

રમેશભાઈના વનપ્રવેશની ઉજવણીમાં ૨ દિવસ અમરેલી મોજ કરી હતી.અને ૬૦ વર્ષ તો અહી રાજકોટમાં જ ઉજવ્યા હતા. એમની સાથે ચા પીવાનો અવસર ઘણીવાર મળ્યો અને દીવાન પરાના એમના સાસરાના ઘરે થી લ્યુના પર પાછળ બેસાડીને મારા ઘરે લાવવાની પણ તક મળી હતી.

એમના મુખ પરની વ્યાકુળતા અને વ્યગ્રતા જોતા જોતા ય પર્વ નામના એમના મકાનના ફળીએ કે રૂમમાં કયારેક બેસવાનું થયું છે. પણ હવે એમના વિષે લખતા લખતા હાથ જડભરત બની જાય એમ છે. રમેશ પારેખે કહ્યું હતું કે મને મારી જાતને દોરા સાથે બાંધીને ઉડાડવાનું મન થાય છે.કાવ્ય સર્જન એ જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવાની મથામણ છે કદાચ.

જો આ વાત સાચી હોય તો રમેશ પારેખ નામનો બહુરંગી પતંગ અવિચળ ચગી રહ્યો છે હજી ય. ગુજરાતી કવિતાના આકાશમાં આ પતંગે હવે નક્ષત્ર નું સ્થાન લઇ લીધું છે.........પણ, મને રમેશ પારેખ વિષે લખતા ના આવડે. છેલ્લે એક શેર કહી દઉં?- મેં જે લખ્યું એના માટે...

અમને ઉગતા આવડતું તું એમ અમે અહી ઉગ્યા કાંઈ મને ના જાણ કે મારા મૂળ હશે કયાં પૂગ્યા.

લેખન : જવલંત છાયા

(મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭ - ચિત્રલેખા)

(1:08 pm IST)