Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગોંડલ રોડ ચોકડીએ નમકીનના ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં મવડી પટેલનગરના મુકેશભાઇ પટેલનું મોત

દિકરીની બહેનપણી હર્મીશા બુસાને તાલાલા જવું હોઇ તેને ગોંડલ રોડ ચોકડીએ મુકવા ગયા ત્યારે બનાવઃ હર્મિશાને ઇજાઃ મૃત્યુ પામનાર મુકેશભાઇ બે બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધાર હતાં: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

તસ્વીરમાં કાળમુખો ટ્રક, પટેલ મુકેશભાઇ જેસરીયાનું બાઇક અને તેનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૭: મોડી રાતે ત્રણેક વાગ્યે ગોંડલ રોડ ચોકડીએ નમકીનના ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક ચાલક મવડી ૧૫૦ રીંગ રોડ પર પટેલનગરમાં રહેતાં પટેલ યુવાનને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે બાઇકમાં બેઠેલી તેની દિકરીની તાલાલા રહેતી બહેનપણીને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. દિકરીને બહેનપણીને વતન જવું હોઇ તેણીને તે ગોંડલ રોડ ચોકડીએ મુકવા ગયા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર યુવાન પરિવારનો આધારસ્તંભ અને બે બહેનના એકના એક ભાઇ હતાં. બનાવથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે

જાણવા મળ્યા મુજબ મવડી દોઢસો ફુટ રીંગ રોડ પર પટેલનગર-૭માં રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં મુકેશભાઇ મોહનભાઇ જેસરીયા (લેઉવા પટેલ) (ઉ.વ.૩૭)ના ઘરે તેની દિકરી પ્રિન્સીની બહેનપણી હર્મિશા ચમનભાઇ બુસા (ઉ.૧૮) તાલાલાથી આવી હતી અને રોકાઇ હતી. તેણીને પરત વતન જવું હોઇ ગોંડલ રોડ ચોકડીએથી વાહનમાં બેસવાનું હોવાથી મોડી રાતે મુકેશભાઇ પોતાના બાઇકમાં તેણીને બેસાડી ગોંડલ રોડ ચોકડીએ મુકવા જવા નીકળ્યા હતાં.

બંને ચોકડીએ પહોંચ્યા ત્યારે નમકીના ટ્રક જીજે૦૩એટી-૨૨૭૯ની ઠોકરે બાઇક ચડી જતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં મુકેશભાઇના એક પગ પર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળતાં પગનો છૂંદો નીકળી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ને જાણ કરી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મુકેશભાઇએ સવારે દમ તોડી દેતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ, કિરીટભાઇ રામાવત સહિતે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મુકેશભાઇ જેસરીયા કારખાનામાં કામ કરતાં હતાં. તે બે બહેનના એકના એક ભાઇ હતાં. તેના પિતા હયાત નથી. વૃધ્ધ માતા, પત્નિ જયશ્રીબેન, પુત્રી પ્રિન્સી, પુત્ર ભાર્ગવ સહિતના પરિવારજનોની તેમના પર જવાબદારી હતી.  દિકરી પ્રિન્સીની બહેનપણી હર્મિશા રાજકોટ કામ સબબ આવી હોઇ તેમના ઘરે રોકાઇ હતી. તેણીને આજે જ તાલાલા પરત પહોંચવાનું હોઇ વહેલી સવારે ગોંડલ રોડ ચોકડીએથી વાહન પકડવું હોઇ તેણીને ત્યાં સુધી મુકવા જવા મુકેશભાઇ બાઇક લઇને નીકળ્યા હતાં અને આ ઘટના બની હતી.

(11:41 am IST)