Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટમાં ૧૮ ડિગ્રી, પરંતુ આજે સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ

આવતા મહિનાની શરૂઆતના દિવસોથી જ ઠંડીનો મહારાઉન્ડ આવશે?: વેધરની એક સંસ્થા જણાવે છે કે હજુ પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે

રાજકોટ, તા. ૨૭ : આ મહિનો એટલે કે નવેમ્બર મહિનો પૂર્ણ થવામાં છે આમ છતાં ઠંડીના કોઈ એંધાણ નથી. આ વર્ષે ચોમાસામાં બેફામ વરસાદ પડ્યો. પરંતુ ચોમાસાની વિદાય બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે કમોસમી વરસાદ પડ્યો અને પાકને નુકશાન પહોંચ્યુ. દરમિયાન વેધરની એક ખાનગી સંસ્થાએ આગોતરી ચેતવણી આપતા જણાવ્યુ છે કે આવતા મહિને પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જાવાની શકયતા છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં હાલમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વ્હેલી સવારે અને મોડી રાત્રીના ઠંડક અનુભવાઈ રહી છે. ઘર, ઓફીસ, દુકાનોમાં પંખા, એસીની સ્પીડ ધીમી થઈ ગઈ છે. જો કે બપોરના સમયે ઉનાળા જેવો માહોલ જોવા મળે છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયેલ છે. પરંતુ પવન સાથે ઠારનો અનુભવ થઈ રહ્યો હતો. સામાન્ય કરતા આજે ઠંડી વધુ પ્રવર્તતી જોવા મળેલ. હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ હતું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતના દિવસોથી ઠંડીનું જોર વધશે પણ સાથોસાથ આવતા મહિને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યાનું જણાવ્યુ હતું

 

(11:40 am IST)