Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આફ્રિકામાં કૃષિ અંગે ફેબ્રુઆરીમાં રાજકોટમાં સંમેલન

સૌરાષ્ટ્ર વેપાર મહામંડળને નિમંત્રણ : આફ્રિકા અને સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપારિક સંબંધો મજબુત બનાવવા પ્રયાસ

રાજકોટ તા. ૨૬ : આફ્રિકામાં રહેલ કૃષિ ક્ષેત્રની વિશાળ તકોનો મહતમ લાભ કેમ લઇ શકાય? તે માટે આગામી તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ના આંતરરાષ્ટ્રીય મેળાનું રાજકોટ ખાતે આયોજન કરાયુ છે. તેના ભાગરૂપે મળનાર ખેડુત સંમેલનમાં ભાગ લેવા સોરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને પણ નિમંત્રણ મળેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એવીયુએમના આગેવાનોએ જણાવેલ કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોપોૈરેશના મેનેજીંગ ડીરેકટર એસ. કે. રંધાવાએ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને પત્ર લખી સ્નેહસભર નિમંત્રણ પાઠવેલ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એક જાહેર ક્ષેત્રની કંપની છે. ગુજરાત તેમજ ભારત સરકારની  સ્ટેટ નોડલ સંસ્થાન છે. સોરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પણ ભારતીય કૃષિ વેપારીઓ નિષ્ણાંતોને આફ્રિકાના દેશો સાથે જોડવાનું મંચ પુરૂ પાડે છે.

ર૦૧૫ થી એસવીયુએમ દ્વારા આફ્રિકન દેશોના પ્રતિનિધિ મંડળો, ડીપ્લોમેન્ટસ અને મીનીસ્ટર્સને બોલાવી સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપારિક અને આર્થિક સંબંધોને મજબુત અને વ્યાપક બનાવવા પ્રયાસો થઇ રહ્યા છે. તેના ભાગરૂપ ૪૦ દેશોમાંથી ૮૦૦ થી વધુ પ્રતિનિધિઓ રાજકોટની મુલાકાત લઇ ચુકયા છે.

ગાંધીનગર ખાતે યોજાયેલ મીટ દરમિયાન અને ૨૦૧૯ ના વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન કૃષિ ક્ષેત્રના એમ.ઓ.યુ. કરવા માટે આફ્રિકન દેશોના ડેલિગેટસને લાવવા માટે પણ સોરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને જવાબદારી સોંપવામાં આવી છે.

આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન રાજકોટ ખાતે સારાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ૨૦૨૦ ઇન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે. જેમાં આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્રના કરારો કરાશે. તા. ૧૨ ના ખેડુતોનું વિશા ખેડુત સંમેલન યોજી આફ્રિકામાં રહેલ કૃષિની તકોની માહીતી અપાશે.

સોરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહમંડળ દ્વારા આયોજીત સાતમા આંતર રાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા પરાગભાઇ તેજુરા, મહેશ નગદીયા, જીવણલાલ પટેલ, ગૌતમભાઇ ધમસાણીયા, મૌતિકભાઇ ત્રિવેદી, ધીમંત મહેતા, દિનેશભાઇ વસાણી, મહેશભાઇ મહેતા, કેતનભાઇ વેકરીયા, મયુર ખોખર, રોનકભાઇ વખારીયા, દિનેશભાઇ તોગડીયા, શરદ વિઠ્ઠલાણી, હાર્દીકભા પોપટ, મનીષભાઇ નાકરાણી, પ્રશાંતભાઇ ગોહેલ, રમેશભાઇ (વેન્ટો સીરામીક મોરબી), રીતેશભાઇ તન્ના, ભુપતભાઇ વસરા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે કૃષિ સંમેલનની વિગતો વર્ણવતા એસ.વી.યુ.એમ.ના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:26 pm IST)