Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

રૂ. ૪૦ લાખના જુદા જુદા ચેકો પાછા ફરવા અંગે આરોપીને એક વર્ષની સજા

કોર્ટ દ્વારા રૂ. ૩૭.૩૦ લાખનું વળતર ચુકવવા પણ આદેશ

રાજકોટ તા. ર૭: રાજકોટના વી. પી. મશીન ટુલ્સના પ્રોપરાઇટર વિજયભાઇ પ્રભુદાસભાઇ ધાંગધરીયાને રૂ. ૪૦ લાખના જુદા જુદા આઠ ચેક પરત ફરવાના ગુના સબબ રાજકોટના એડી. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સુશ્રી વસવેલીયા મેડમએ એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ૩૦ દિવસમાં રૂ. ૩૭.૩૦ લાખનું વળતર ચુકવવા માટે તહોમતદારને આદેશ ફરમાવેલ છે.

ક્રિશ્ના એલોય ઇન્ડીયા, રાજકોટ પાસેથી ઉપરોકત તહોમતદારએ જુદા જુદા પ્રકારનો એલોય બાર્સેનો માલ ખરીદ કરેલ અને તે માલની ચુકવણી પેટે એચડીએફસી બેન્ક લી.ના જુદા જુદા કુલ ૪૦ લાખની રકમના આઠ ચેક આપેલ હતાં. સદરહું તમામ ચેક ફરીયાદીએ ચુકવણી માટે પોતાની બેન્કમાં જમા કરાવતાં, સદરહું તમામ ચેક ફંડસ ઇનસફીશીયન્ટના કારણથી પરત ફરેલ. ફરીયાદીએ નોટીસ આપતાં, તહોમતદારએ કાયદેસરના દેણાની જવાબદારી તરીકે ફરીયાદીને રૂ. ર.૭૦ લાખનું પેમેન્ટ પણ કરેલ, પરંતુ બાકીની રકમ વસુલ આપેલ નહીં. સમયમર્યાદામાં રકમ વસુલ ન આવતાં, ફરીયાદી પેઢીના ભાગીદાર દીલીપભાઇ ધીરજલાલ પનારા દ્વારા ના. અદાલત સમક્ષ જુદા જુદા દસ્તાવેજો પુરાવાઓ સાથે ફરીયાદ રજુ કરવામાં આવેલ. તહોમતદાર તરફથી ફરીયાદીની લંબાણભરી ઉલટ તપાસ કરવામાં આવેલ. સદરહું ફરીયાદના અનુસંધાને, ના. અદાલતએ બન્ને પક્ષકારોને સાંભળીને, પુરાવાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને તથા ના. વડી અદાલતોના ચુકાદાઓનું અર્થઘટન કરીને ફરીયાદી તરફથી રજુ કરેલ કેસને સાબિત માનીને તહોમતદારને ઉપરોકત સજા ફરમાવતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી ક્રિશ્ના એલોય ઇન્ડીયા વતી આશિષ શાહ, ચંદ્રેશેખર ધ્રુવ, યતિન જોષી અને મિલન માટલીયાએ એડવોકેટ તરીકે ના. અદાલત સમક્ષ રજુઆતો કરી હતી.

(3:42 pm IST)