Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

દારૂના ગુનામાં ૯ માસથી ફરાર ચોટીલાના ખેરાણાના અજયને આજીડેમ પોલીસે પકડ્યો

ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ અગાઉ રાજકોટ-ચોટીલામાં એટીએમ તોડવાના, વાહનચોરી કરવાના, દારૂ સહિતના ડઝનથી વધુ ગુના નોંધાઇ ચુકયા છે

રાજકોટ તા. ૨૭: નવ મહિના પહેલા આજીડેમ પોલીસ મથક હેઠળના લાપાસરીમાંથી દારૂની પચાસ બોટલ અને બીયરના વીસ ટીન સાથે લાલજી ઓળકીયાને પકડી લેવાયો હતો. ત્યારે આ ગુનામાં ચોટીલાના ખેરાણાના અજય પાંચાભાઇ ખમસાણીનું નામ ખુલ્યું હતું. ત્યારથી સતત આ શખ્સ ફરાર હોઇ તેને આજીડેમ પોલીસની ટીમે પકડી લીધો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાએ ફરાર ગુનેગારોને શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત પી.આઇ. પી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદિપસિંહ સહિતની ટીમ કામે લાગી હતી. દરમિયાન બાતમી મળી હતી કે ફરાર શખ્સ અજય રતનપર ગામના રોડ પર છે. ત્યાંથી તેને સકંજામાં લીધો છે.

આ શખ્સ મોજશોખ માટે ચોરીઓના રવાડે ચડી ગયો છે. અગાઉ રાજકોટમાં એટીએમ તોડવાના અને વાહન ચોરીના તથા ભંગાર ચોરીના ગુનાઓમાં પકડાતાં પાસામાં ધકેલાયો હતો. ચોટીલા પંથકમાં પણ વિદેશી દારૂ, શાળામાંથી કોમ્પ્યુટર ચોરી સહિતના ડઝનેક ગુનામાં સંડોવાઇ ચુકયો છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૭)

 

(11:38 am IST)