Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કોરોના સામે ૧૦૦% વેકિસનેશનની ઉજવણીરૂપે રાજકોટ સાયકલ કલબ દ્વારા શનિવારે ૧૦૦ કિ.મી. સાયકલ રેલી

૧૦૦ સાયકલ રાઇડર જોડાશે : 'સાઇકલો માઇલ્સ' માટે નામ નોંધણી શરૂ : નવી ટીમની રચના થયા બાદ પ્રથમ કાર્યક્રમ : કલબના પ્રેસિડેન્ટ તરીકે દિવ્યેશ જસાણી, સેક્રેટરી તરીકે ઉર્વી સોલંકી સહિતનાની નિમણૂક

રાજકોટ તા. ૨૭ : કોરોના સામે રક્ષણ આપતી વેકિસન મુકાવવામાં રાજકોટીયન્સે અદ્દભુત રસ દાખવતાં શહેરના ૧૦૦% લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ વેકિસનેશનના લક્ષ્યાંકને પૂર્ણ કરી બતાવ્યાની ઉજવણીરૂપેતંત્રની કામગીરીને વધાવવા રાજકોટ સાયકલ કલબ દ્વારા શનિવારે 'સાઈકલો માઈલ્સ' નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે મુજબ ૧૦૦ જેટલા સાયકલીસ્ટો ૧૦૦ કિલોમીટર સાયકલ ચલાવીને વેકિસનેશનની આ ઉપલબ્ધીને ચાર ચાંદ લગાવી દેશે. દરમિયાન તાજેતરમાં જ રાજકોટ સાયકલ કલબના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. નવી ટીમની રચના થયા બાદ સાયકલ કલબ દ્વારા આ પહેલો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

શનિવારે ૧૦૦ કિલોમીટરની સાયકલ રાઈડમાં ૧૦૦ જેટલા સાયકલીસ્ટો ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ રોટરી મીડટાઉન લાયબ્રેરીનો સંપર્ક સાધીને પોતાનું નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સાયકલ કલબની મળેલી વાર્ષિક બેઠકમાં ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ દરમિયાન કલબનું સુકાન સંભાળનાર પ્રતીક સોનેજી અને ભાવિન ડેડકીયાને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આવતાં વર્ષના કાર્યક્રમનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતુ. શહેરને પ્રદૂષણમુકત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં રોટરી કલબના પ્રેસિડેન્ટ સંદીપ બાવીશી, સેક્રેટરી સંજય મણિયાર સહિતનાએ હાજરી આપી હતી અને તેમની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવતા વર્ષ ૨૦૨૧-૨૨ માટે કલબના પ્રેસિડેન્ટ તરીકે દિવ્યેશ જસાણી, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પ્રશાંત કક્કડ, સેક્રેટરી તરીકે ઉર્વી સોલંકી, જોઈન્ટ સેક્રેટરી તરીકે નિકેતા માટલિયા, હેડ ઓફ વુમન વિંગ્સ તરીકે નીતાબેન મોટલા અને ખજાનચી તરીકે વિરજીભાઈ સતાણીના નામની પસંદગી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ ખાસ ઉપસ્થિત રહી નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રાજકોટ સાયકલ કલબના સ્થાપક દિવ્યેશ અઘરાએ કર્યું હતું. 

(4:10 pm IST)