Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જે.કે.વેલનેસ ફાઉન્ડેશનની સ્થાપના : શુક્રવારે પંચામૃત સેવાયજ્ઞ

મેડીકલના સાધનો એકદમ ટોકનદરે અપાશે : સેવાકીય કાર્યો કાયમી ધોરણે ચાલુ રાખવા સંસ્થાના આગેવાનોનો ધ્યેય : લોઠડામાં રકતદાન કેમ્પ, વિનામૂલ્યે સર્વરોગ નિદાન, વેકસીનેશન કેમ્પ, માસ્ક, ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ, એમ્બ્યુલન્સનું લોકાર્પણ : સંતો - મહંતો, આગેવાનો હાજરી આપશે : જયંતિલાલ સરધારા, સંજય પડારીયા, હરેશ પડારીયા

રાજકોટ, તા. ૨૭ : સેવાકીય કાર્યો કરવાના ઉદ્દેશ સાથે જે.કે. વેલનેસ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ અંતર્ગત આગામી શુક્રવારે પંચામૃત સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

જે.કે. વેલનેસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જયંતિલાલ સરધારા, વાઈસ ચેરમેન શ્રી સંજય પડારીયા, સેક્રેટરી શ્રી હરેશ પડારીયા અને સહયોગી શ્રી રમેશભાઈ અજુડીયાએ જણાવેલ કે તા.૨૯ના શુક્રવારે સવારે ૮ થી ૬ વાગ્યા સુધી આયોજીત પંચામૃત સેવાયજ્ઞ અંતર્ગત રકતદાન કેમ્પ, વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, વેકસીનેશન કેમ્પ, માસ્ક વિતરણ, ચકલીના માળાનું વિતરણ, ચકલીના પાણીના - ચણના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ તકે એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ થનાર છે.

લોઠડા ગામ (સિલ્વર કોમ્પલેક્ષ, રાજકોટ - કોટડાસાંગાણી હાઈવે) ખાતે આયોજીત રકતદાન કેમ્પમાં અંદાજે એક હજાર બોટલ રકત એકત્ર થશે. જેમાં નાથાણી બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવશે.

પંચામૃત સેવાયજ્ઞનું ઉદ્દઘાટન પ.પૂ. પરમાત્માનંદજી સરસ્વતી (આર્ષ વિદ્યા મંદિર - મુંજકા), પ.પૂ.અપૂર્વમુનિ સ્વામી (બીએપીએસ મંદિર, રાજકોટ) પ.પૂ.વશિષ્ટનાથજી બાપુ (મહંત શ્રી ભવનાથ આશ્રમ, ભવનાથ આશ્રમ, ભાયાસર) તેમજ કેબીનેટ મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળાના હસ્તે થનાર છે.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મેયર પ્રદિપભાઈ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આગેવાનોએ વધુમાં જણાવેલ કે મેડીકલ સાધનો એકદમ ટોકનદરે આપવામાં આવશે. આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં એમ્બ્યુલન્સની સેવા પણ અપાશે.

આ અંગે વધુ માહિતી માટે જે.કે. વેલનેસ ફાઉન્ડેશન, સિલ્વર કોમ્પલેક્ષ, લોઠડા ગામ, રાજકોટ - કોટડા સાંગાણી હાઈવે, રાજકોટ. મો. ૯૮૫૨૯ ૮૫૨૦૬ / ૯૮૫૨૯ ૮૫૨૦૭. ઉકત તસ્વીરમાં સંસ્થાના આગેવાનો  સર્વશ્રી જયંતિલાલ સરધારા, સંજય પડારીયા, હરેશ પડારીયા અને રમેશભાઈ અજુડીયા નજરે પડે છે. 

(3:58 pm IST)