Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આરોગ્ય કર્મીઓનો સમય ૯ થી ૫નો રાખોઃ મ.ન.પા.ના ડે. કમિશ્નરને રજૂઆત

૧૦૦ ટકા રસીકરણ થઈ ગયું: હવે તો અમારૂ સાંભળો : અન્ય મહાપાલિકાઓમાં આ મુજબનો સમય થઈ ગયો છે ત્યારે રાજકોટવાળાનો શું વાંક ?

રાજકોટ, તા. ૨૭ :. શહેરમાં કોરોના સંક્રમણ ઘટયુ છે. સાથોસાથ ૧૦૦ ટકા કોરોના રસીકરણ (પ્રથમ ડોઝ) થઈ ગયુ છે, ત્યારે મ.ન.પા.ના આરોગ્ય કર્મચારીઓ તેઓની કામગીરીનો સમય ઘટાડવા વધુ એક વખત રજૂઆત કરી છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ હજુ થોડા દિવસો અગાઉ આરોગ્ય કર્મચારીઓએ તેઓની કામગીરીનો સમય ઘટાડવા રજૂઆત કરી હતી. દરમિયાન હવે બે દિવસ અગાઉ જ શહેરમાં કોરોના વેકસીનના પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ ટકા થઈ છે. કેસ પણ એકલ-દોકલ આવે છે ત્યારે આરોગ્ય કર્મચારીઓનુ પ્રતિનિધિ મંડળ ડે. કમિશ્નરને મળ્યુ હતુ અને રજૂઆત કરી હતી કે સૌરાષ્ટ્રના જામનગર-જૂનાગઢ વગેરે શહેરોમાં આરોગ્ય કર્મચારીઓનો સમય ઓફિસ ટાઈમ એટલે કે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યાનો કરી નંખાયો છે તેથી રાજકોટમાં પણ એ મુજબ આરોગ્ય કર્મચારીઓનો સમય કરવો જોઈએ.

સાંજે ૫ વાગ્યા પછી મેડીકલ ઓફિસરને ફરજ પર બેસાડાય છે. તેથી ૫ વાગ્યા પછી પણ આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ રહે છે માટે આ બાબતે વિચારણા કરી ન્યાયી કાર્યવાહી કરાવવા રજૂઆત કરાઈ છે.

નોંધનીય છે કે ડે. કમિશ્નરે રજૂઆતનો હકારાત્મક જવાબ આપી ઉચ્ચ કક્ષાએ નિર્ણય માટે આ વિષય મૂકવા મૌખીક તૈયારી બતાવી હતી.

(3:19 pm IST)