Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બંધ મકાનોની રેકી કરાવી ચોરીઓ કરતાં ચોકીદાર સંજય નેપાળીની ૬સભ્યોની ગેંગને ક્રાઇમ બ્રાંચે દબોચી

એરપોર્ટ રોડ પર અધિક કલેકટરના બંગલોમાં અને વૈશાલીનગરમાં ડોકટરના ઘરમાં થયેલી ચોરીના ભેદ ખુલ્યા : ચોરી કરી નેપાળ ભાગી જાય એ પહેલા કાલાવડ રોડ સાંઝા ચુલ્હા પાસેના અશીમા એપાર્ટમેન્ટમાંથી પકડી લઇ ચોરીનો રૂ.૪,૬૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે : એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. જેબલીયાની ટીમને સફળતાઃ હેડકોન્સ. ક્રિપાલસિંહ, મૈસુરભાઇ અને પ્રતાપસિંહ મોયાની બાતમી : સુત્રધાર સંજય ઉર્ફ બહાદૂર વતનમાંથી પરીચીત યુવાનોને રાજકોટ કામ અપાવવાના બહાને લાવતો : વેઇટર કે વોચમેનની નોકરી અપાવતો : આજુબાજુના બંધ મકાનોની રેકી કરાવતો અને બાદમાં ગેંગના : સભ્યો સાથે મળી ચોરી કરી નેપાળ ભાગી જતોઃ થોડા સમય પછી ફરી આવી નવી નોકરી શોધતો

ડિટેકશનઃ બંધ બંગલો અને ઘરની રેકી કરી ચોરી કરનાર નેપાળી ગેંગના છને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાએ વિગતો આપી હતી. સાથે પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમ તથા કબ્જે થયેલો મુદ્દામાલ અને ઝડપાયેલા છ નેપાળી શખ્સો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરમાં ચોકીદાર તરીકે નોકરી કરી પોતાના વતન નેપાળથી બીજા સગા સંબંધીઓના અને પરિચીતોના છોકરાઓને રાજકોટ લાવી તેને વેઇટર તરીકે કે વોચમેન તરીકે અલગ અલગ વિસ્તારોમાં નોકરીએ રખાવી બાદમાં એ છોકરાઓ પાસે તેઓ જ્યાં નોકરી કરતાં હોય એ વિસ્તારના બંધ મકાનોની રેકી કરાવી ચોરી કરવાની આદત ધરાવતાં નેપાળી શખ્સ અને તેના પાંચ સાગ્રીતોની ગેંગને ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ પર સાંઝા ચુલ્હા પાસેના એપાર્ટમેન્ટમાંથી દબોચી લઇ ચાર દિવસ પહેલા એરપોર્ટ રોડ પર એસડીએમના બંગલોમાં અને વૈશાલીનગરમાં ડોકટરના ઘરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલી રૂ. ૪,૬૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેંગ નેપાળ ભાગી જાય એ પહેલા જ પકડી લેવામાં આવતાં પોલીસ કમિશનરે કામગીરી કરનાર ટીમને રોકડ પુરષ્કાર આપ્યો છે.

વિગત એવી છે કે એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સીના બંગલો નં. ૯૩માં રહેતાં રાજકોટના પુર્વ અધિક કલેકટરશ્રી પરિમલભાઇ પંડ્યાના બંધ બંગલોમાં ઘુસી તસ્કરો ચાર દિવસ પહેલા રૂ. ૩,૧૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતાં. તેમજ એ રાતે જ રૈયા રોડ વૈશાલીનગર-૫માં રહેતાં ડોકટર નિરવ નિતીનભાઇ લખતરીયાના ઘરમાંથી રૂ. ૧,૫૩,૦૦૦ની ઘરફોડ ચોરી થઇ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમોએ આ બંને ચોરી એક જ રાતે થઇ હોઇ એક જ ટોળકી સંડોવાઇ હોવાની શંકાને આધારે સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી તેમજ હ્યુમન સોર્ર્સિસનો ઉપયોગ કરી તપાસ કરતાં નેપાળી જેવા લાગતાં શખ્સો ચોરીમાં સામેલ હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે શહેરની હોટેલોમાં નોકરી કરતાં અને સોસાયટીઓમાં ચોકીદારી કરતાં નેપાળી શખ્સોની પુછતાછ શરૂ કરી હતી.

અમુક ફોટા મેળવી અલગ અલગ સ્થળે બતાવી નામોની ખરાઇ કરી હતી. ચોરી કર્યા બાદ નેપાળી શખ્સો તેના વતન ભાગી જવાની આદત ધરાવતાં હોઇ રાજકોટથી નેપાળ બોર્ડર તરફ જતી બસો ઉપર પણ વોચ રખાઇ હતી. આ મથામણ વચ્ચે ડીસીબીના હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને પ્રતાપસિંહ મોયાને મળેલી બાતમી પરથી કાલાવડ રોડ સાંઝા ચુલ્હા પાસે અશીમા એપાર્ટમેન્ટમાં ત્રાટકી સુત્રધાર સહિત છ નેપાળી શખ્સોની ગેંગને દબોચી લેવાઇ હતી.

ડીસીબીએ છ નેપાળી શખ્સો સુત્રધાર સંજય ઉર્ફ બહાદુર અમરસિંગ મહાવીર પરીયાર (ઉ.૩૨-ધંધો વોચમેન તરીકે નોકરી, મુળ ગામ લાલુ તા. ઠાટીકોટ જી. કાલીકોટ-નેપાળ) તથા તેની સાથેના નમરાજ સરફ લુતે ઢોલી (ઉ.૩૦-ધંધો-વોચમેન, રહે. ગામ સુખડ તા. ઘોડાઘોડી જી. કૈલાલી નેપાળ), વિક્કીસિંગ જયસિંગ લક્ષમણસિંગ ઓૈજે (ઉ.૩૦-ધંધો પગીપણુ, હાલ ઇન્દ્રપ્રસ્થ બી-વીંગ, રૈયા રોડ, મુળ ગામ જગડપુર તા. વરદ જી. કૈલાલી નેપાળ), અભી દલ મહાવીર પરીયાર (ઉ.૨૩-ધંધો હોટેલમાં વેઇટર, રહે. મુળ લાલુ તા. ઠાટીકોટ જી. કાલીકોટ નેપાળ), રોહન સરફ લુતે ઢોલી (ઉ.૧૯-ધંધો વોચમેન રહે. ગામ સુખડ તા. ધોડાઘોડી જી. કૈલાલી નેપાળ) તથા મનોજ ખુસમ નાને પરીયાર (ઉ.૩૧-ખેતીકામ, રહે. લાલુ તા. ઠાટીકોટ જી. કાલીકોટ નેપાળ)ને પકડી લઇ તેની પાસેથી રૂ. ૪,૬૩,૦૦૦નો બંને બંગલો-મકાનમાં કરેલી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે છએયની પુછતાછ કરતાં સંજય ઉર્ફ બહાદૂર સુત્રધાર હોવાનું ખુલ્યું હતું. સંજય અગાઉ રાજકોટમાં ૨૦૦૯માં અને ૨૦૧૯માં તાલુકા પોલીસના ચોરીના બે ગુનામાં અને કર્ણાટક બેંગ્લોરમાં ચોરીના એક ગુનામાં પકડાયો હતો. તે રાજકોટમાં દસ વર્ષથી રહે છે. અહિ અલગ અલગ બિલ્ડીંગમાં વોચમેન તરીકે નોકરી કરી ચુકયો હોઇ શહેરની ભોૈગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. આથી તે નેપાળ રહેતાં પોતાના સગા સંબંધીઓના છોકરાઓ (યુવાનો)ને ચોરી કરવા પ્રેરીત કરતો હતો અને નેપાળથી રાજકોટ લાવી તેને અલગ અલગ વિસ્તારના બિલ્ડીંગમાં વોચમેનની નોકરીમાં તેમજ હોટેલોમાં વેઇટરની નોકરીમાં રખાવી દેતો હતો. એ પછી આ યુવાનો પાસે તે જ્યાં કામ કરતાં હોય એ વિસ્તારના બંધ મકાનોની રેકી કરાવી ત્યાં ચોરીઓ કરતો હતો. આ રીતે જ બે મકાનોની રેકી વીક્કીસિંગ પાસે કરાવી છએયએ સાથે મળી ચોરીઓ કરી હતી.  ચોરી બાદ આ બધા નેપાળ ભાગી જવાની પેરવીમાં હતાં. પરંતુ એ પહેલા જ તેને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. અન્ય કોઇ ચોરીઓમાં સંડોવાયા છે કે કેમ? તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા અને ટીમે હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. અંશુમનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી. આ ટીમને પોલીસ કમિશનરશ્રીએ રૂ. ૧૫ હજારનો રોકડ પુરષ્કાર આપી અભિનંદન આપ્યા હતાં. (૧૪.૯)

રહેણાંક કે ધંધાના સ્થળે પરપ્રાંતિય કે નેપાળીને કામે રાખો તો પુરતી માહિતી મેળવોઃ પોલીસને જાણ કરો

દિવાળીના તહેવાર પર બહારગામ જતાં હોવ તો પણ પોલીસને જાણ કરવીઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જાહેર જનતાને અપીલ કરી છે કે આપના ઘર તથા ધંધાકીય સ્થળોમાં જયારે પણ કોઇ પરપ્રાંતીય કે નેપાળના માણસો કે વ્યકિતઓને કોઇ પણ કામ માટે રાખો ત્યારે તેના ફોટા, જરૂરી ઓળખ પત્રોની નકલ, મોબાઇલ નંબર, રહેઠાણની સંપુર્ણ વિગતો તથા તેના સગા-સબંધીઓની માહિતી વિગેરે લઇ તેની એક નકલ પોતાની પાસે રાખવી. તેમજ એક નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં વેરીફીકેશન માટે જમા કરાવવી. તેમજ આગામી દિવાળીના તહેવારો નિમિતે રાજકોટ શહેરના નાગરીકો બહારગામ ફરવા જાય મિલ્કત વિરોધી ગુના અટકાવી શકાય એ માટે સ્થાનિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.

(3:11 pm IST)