Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ચેક રિટર્નના બે કેસમાં કૈલાષ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટરને એક વર્ષની સજા ફરમાવી વળતરનો હુકમ કરતી કોર્ટ

રાજકોટ, તા. ૨૭ :. ચેક રીટર્નના બે અલગ અલગ કેસમાં રાજકોટના રહીશ કૈલાશ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર રવિકિરણ વ્રજલાલ કોટકને અદાલતે એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના રહીશ જયંતિભાઈ ધનજીભાઈ રાઠોડ દ્વારા કૈલાશ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર રવિકિરણ વ્રજલાલ કોટકને તેઓની માંગણી મુજબ કટકે-કટકે રકમ રૂ. ૧૨,૦૦,૦૦૦ સંબંધના દાવે આપેલ હતા અને જે લેણી રકમ પેટે રવિકિરણ વ્રજલાલ કોટકએ કૈલાશ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર દરજ્જે સંબંધના દાવે આપેલ લેણી રકમ પરત ચુકવવા માટે અનુક્રમે રૂ. ૪,૦૦,૦૦૦ બે બે અલગ અલગ ચેકો આપેલ હતા. જે ચેકો રીટર્ન થતા ફરીયાદીએ જ્યુડી. મેજી. કોર્ટ, રાજકોટમાં સને-૨૦૨૧ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી, જે કેસ ચાલી જતા મહે. જ્યુડી. મેજી. (સ્પે. નેગોશીએબલ) કોર્ટ, રાજકોટ દ્વારા આરોપી કૈલાશ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર રવિકિરણ વ્રજલાલ કોટક, રાજકોટવાળાને સજા ફટકારેલ હતી.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, આ કામના આરોપીને રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ સિધ્ધી-૫ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાન નં. ૫, મારૂતિ ફલેટની સામે રાજકોટ ખાતે જે દુકાન આવેલ હતી તે દુકાન ખરીદવા માંગતા હોય અને જે અંગે આરોપીને નાણાની જરૂરીયાત હોય જેથી અમો ફરીયાદી પાસે જૂના ભાડુઆત તેમજ સંબંધના દાવે વગર વ્યાજે એક માસ માટે નાણાની માંગણી કરેલ હતી અને નાણાની માંગણી કરતી વખતે આ કામના આરોપીએ પાકુ વચન અને વિશ્વાસ આપેલ કે, 'સદરહું નાણા ૧ માસ પુરો થતા વહેલામાં વહેલી તકે તમોને ચુકવી આપીશ' જેથી અમો ફરીયાદીએ કટકે-કટકે રૂ. ૧૨,૦૦,૦૦૦ આ કામના આરોપીને વગર વ્યાજે રોકડમાં આપેલ હતા અને જે અંગે આરોપીએ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ નોટરાઈઝ લખાણ કરી આપેલ હતું અને લખાણની અંદર આરોપીએ તેઓની પેઢી કૈલાશ કન્સ્ટ્રકશનના નામની ચાલતી હોય જેમાં આરોપી પ્રોપરાઈટર હોય અને તેઓએ પ્રોપરાઈટર દરજ્જે અમો ફરીયાદીને ચેકો આપેલ હતા અને તેમાં જણાવેલ સમજુતી મુજબ 'જો સદરહું રકમ અમો પક્ષકાર નં. ૧નાને કોઈપણ સંજોગોમાં સમય મર્યાદામાં પરત ચુકવી ન શકીએ તો સદરહું ચેક તમો પક્ષકાર નં. ૧, તમારી બેંકમાં રજુ કર્યેથી કલીયરીંગમાં પાસ થઈ જશે અને તેમોને તમારી રકમ મળી જશે.' તેવી સ્પષ્ટ સમજુતીથી આ કામના આરોપીએ અમો ફરીયાદીને અલગ અલગ બેંક ઓફ બરોડા, ઢેબર રોડ, રાજકોટ શાખાના ચેક નં. ૦૦૦૧૧૧, ૦૦૦૧૧૨ તથા ૦૦૦૧૧૩ આપેલ હતા.

આ ચેકોની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં સને-૨૦૧૯ની સાલમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદના અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર રહેલ હતા. આ સમય દરમિયાન અદાલતે આરોપીની વર્તણુક તેમજ ફરીયાદી દ્વારા રજુ થયેલ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આગળની કાર્યવાહી ચાલુ રાખતા ફરીયાદપક્ષ દ્વારા અલગ અલગ હાઈકોર્ટોના જજમેન્ટો રજુ કરેલ હતા અને કાયદેસરનું લેણુ છે તે અંગેના પુરાવાઓ રજુ કરતા કૈલાશ કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર રવિકિરણ વ્રજલાલ કોટકને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને અલગથી વળતરની રકમ ચૂકવવાનો હુકમ કરેલ છે અને જો સમય મર્યાદાની અંદર વળતર ન ચુકવે તો વધુ સજા ભોગવવાનો આદેશ કરેલ છે.

આ કેસમાં મૂળ ફરીયાદી તરફે રાજકોટ શહેરના ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, તુષાર એન. ધ્રોલીયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.

(3:05 pm IST)