Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પતિ સાથે સંતાનને ઠપકો દેવા મામલે કલેશ થતાં હેતલબેને ફિનાઇલ પીધી

કેવડાવાડીના રજપૂત મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૭: કેવડાવાડી-૮માં રહેતાં હેતલબેન મેહુલભાઇ સોલંકી (રજપૂત) (ઉ.વ.૩૫) નામના મહિલાએ સવારે ફિનાઇલ પી લેતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

હેતલબેનના કહેવા મુજબ તેણીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતાના લગ્ન સોળ વર્ષ પહેલા થયા છે. પતિ જારા ખમણીમાં પંચીંગનું કામ કરે છે. પોતે સંતાનોને અમુક મહત્વની બાબતે ઠપકો આપી સમજાવતાં હોઇ પતિ સંતાનોનું ઉપરાણું લેતાં હોઇ આ બાબતે ઘરમાં ચડભડ થઇ હતી. ગત રાતે પણ આવા જ કારણે માથાકુટ થયા બાદ પોતાને ગુસ્સો ચડતાં સવારે ફિનાઇલ પી લીધી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

પેરાલીસીસથી કંટાળી  હસમુખભાઇએ ઝેરી દવા પીધી

બીજા બનાવમાં નાના મવા રોડ પર શ્યામનગર-૨માં રહેતાં હસમુખભાઇ મનુભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૨)ને પેરેલીસીસ એટેક આવ્યો હોઇ તેનાથી કંટાળી જઇ ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

શ્રીરામ સોસાયટીમાં સચીને ફિનાઇલ પીધી

આરટીઓ પાસે શ્રીરામ સોસાયટીમાં રહેતાં સચીન મોહનભાઇ ચાવડા (ઉ.૧૮) નામના યુવાને સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ભગવતીપરાની નયનાબેન ગોહેલે પણ ફિનાઇલ પીધી

ભગવતીપરા-૩/૧૩ના ખુણે રહેતી નયનાબેન જગદીશભાઇ ગોહેલ (ઉ.૩૦) કોઇ કારણે ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(2:58 pm IST)