Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિવાળીના તહેવારોમાં કર્ફયુ મુકિત આપો

વેપારી-ઉદ્યોગપતિઓને પડી રહેલી મુશ્કેલી, માસ્ક પહેરવાનું પણ સ્વૈચ્છીક રાખોઃ અતુલ રાજાણી-પાર્થ ગણાત્રા

રાજકોટઃ તા.૨૭, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા અને રાજકોટ મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં દિવાળીના તહેવારો સમયે કર્ફયુ મુકિત જાહેર કરવી જોઇએ. વ્યાપાર ઉદ્યોગ જગતે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને લઇને ભારે મંદીનો સામનો કર્યા બાદ હવે અર્થતંત્રની ગાડી પાટે ચઢી છે ત્યારે કર્ફયુના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

 તેમણે ઉમેર્યું છે કે હાલમાં ફકત મહાનગરોમાં જ રાત્રિ કર્ફર્યુ અમલી છે તે હવે દૂર થવો જોઈએ ઉદ્યોગ જગતમાં નાઈટ શિફ્ટમાં કામ કરતાં કર્મચારીઓને કર્ફયુ ના કારણે મુશ્કેલી થઈ રહી છે તેમજ હાલમાં માર્કેટયાર્ડમાં પણ સીઝન હોય રાત્રી દરમિયાન પણ કામકાજ ચાલુ રહેતા હોય છે. એકંદરે તમામ બજારોમાં હાલ તહેવારોને લઈને મોડે સુધી કામ કાજ ચાલુ રહેતું હોય કર્ફયુના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તદઉપરાંત તેમના કર્મચારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે.

 હાલમાં કોરોના ના કેસ તદ્દન ઘટી ગયા છે અને વેકિસનેશન મહાઅભિયાન પણ પૂર્ણ રીતે સફળતા સાથે આગળ ધપી રહયું છે ત્યારે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને હવે માસ્કના દંડમાંથી પણ મુકિત આપવી જોઈએ. માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક કરી નાખવું જોઈએ. તેમશ્રી ગણાત્રા અને શ્રી રાજાણીએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(2:57 pm IST)