Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગાંધી વિચારક ડો. એસ. એન. સુબ્બારાવનો દેહવિલય

૯૧ વર્ષની વયે શીબીરોનું સફળ સંચાલન કરી જાણનાર સુબ્બારાવજી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા

રાજકોટ તા. ૨૭ : એસ.એમ.એસ. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ રહેલા ગાંધીવાદી વિચારક ડો. એસ. એન. સુબ્બારાવજીનું આજે વહેલી સવારે નિધન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. છેલ્લા છએક દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગેહલોતે પણ તેમની સારવાર દરમિયાન હોસ્પિટલની મુલાકાત લઇ તબીયત અંગે ચિંતા વ્યકત કરી હતી.

સર્વધર્મ પ્રાર્થના દ્વારા માનવતાનો સંદેશો પ્રસરાવતા યુવાનોના રાહબર એવા સુબ્બારાવજી (ભાઇજી)ની જીવનગાથામાં ડોકીયુ કરીએ તો તેમનો જન્મ ૭ ફેબ્રુઆરી ૧૯૨૯ માં થયો હતો.

૧૯૪૨ ની સાલમાં ખાદી પહેરી અંગ્રેજો વિરૂધ્ધ સુત્રોચ્ચાર બદલ પોલીસ ધરપકડ વહોરી હતી. આમ નાની ઉંમરે જ આઝાદીના સંગ્રામમાં કુદી પડેલા સુબ્બારાવજીને તે સમયે ગાંધી શતાબ્દી સમારોહ સમિતિના જનસંપર્ક મંત્રી બનાવાયેલા અને ગાંધી દર્શન રેલગાડીના ડારેકટર તરીકેનો કાર્યભાર સોંપાયો હતો.

૧૯૫૪ માં ચંબલ ઘાટીમાં (ભુદાન યજ્ઞ સમયે) પદયાત્રાએ આવેલા ત્યારે ડાકુઓના ભયંકર આતંકને નિહાળી ચંબલ ઘાટીના યુવાનોને રચનાત્મક માર્ગે વાળવા દ્રઢ નિશ્ચય કરેલો. આ વિસ્તારમાં શ્રમ શિબિર શરૂ કરાવી.૧૯૭૦ માં જૌરા ગામમાં ગાંધી સેવાશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ ડાકુઓના આત્મસમર્પણથી વિશ્વની નજરમાં છવાય ગયો. ૧૯૭૬ માં સુબ્બારાવજીના પ્રયાસોથી બંટેશ્વર (ઉત્તર પ્રદેશ) અને તાલાબ શાહી (રાજસ્થાન) ના ડાબુઓએ આત્મસમર્પણ કરેલ. આત્મસમર્પણ કરનારનાઓના પરિવારો માટે આશ્રમ દ્વારા અનેક કાર્યો હાથ ધરાયા.

૧૯૮૧ મા ૪૭ ગામોમાં સાયકલ યાત્રા કરી ગામડાઓની સમસ્યા નજીકથી  નિહાળી ગ્રામજનોને મદદરૂપ બનવા અનેક આયોજનો હાથ ધરાયા. દરેક રાજયોમાંથી યુવાનો ઉત્સાહ પૂર્વક જોડાતા ગયા. અત્યાર સુધીમાં ૨૨૫ થી વધુ શિબિરોનું આયોજન થઇ ચુકયુ છે. જેમાં મોટાભાગની રાષ્ટ્રીય એકતા શિબિરો તેમજ બાળકોના કેમ્પ, બહેનોના કેમ્પ, અછત રાહત કેમ્પ, ભુકંપ રાહત કેમ્પનો સમાવેશ થાય છે. યુવા મહિલા શિબિરો પણ થઇ.

સુબ્બારાવજી દ્વારા બીજી એક પહેલ કરવામાં આવી. દેશભકિતના ગીતોને પ્રસિધ્ધિ અપાવવા યુવાનો વચ્ચે તેમણે પ્રચાર શરૂ કર્યો. તેમણે ગાયેલા ગીતોની કેસેટો, પુસ્તકો બધે ફરતા થયા. રાષ્ટ્રીય એકતા અખંડીતતા અને ભાઇચારાને મજબુત બનાવવા ઐતિહાસિક ભારત જોડો સાયકલ યાત્રાઓ કાશ્મીરથી કન્યાકુમારી ૭ હજાર કિ.મી. તથા અરૂણાચલથી ઓખા સુધી યોજવામાં આવેલ. તેમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યુ.

વિશ્વશાંતિના સંદેશને પ્રસરાવવા રશિયામાં યુવા શિબિરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ. ગાંધીજીના વિચારો થકી વિશ્વશાંતિ મજબુત બનાવવા યુવાનોને હાકલ કરી હતી. ગાંધીજીની ૧૨૫ મી જયંતિને ધ્યાને લઇ સદ્દભાવના રેલયાત્રા ૧૯૯૩ માં કરેલ. જેમાં દસ હજાર યુવાનોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં યુવાનો સાયકલ દ્વારા જે જગ્યાએ જઇ સદ્દભાવના મજબુત બને તે માટે ખાસ કાર્યક્રમો આપતા.

અત્યંત સેવા અને સાદગીને સમર્પિત સુબ્બારાવજીએ પોતાના પોષાક તરીકે ખાદીના ચડ્ડી અને ઝભ્ભો પહેરવાનું શરૂ કર્યા પછી આજે પણ આ પોષાક જાળવી રાખ્યો છે. હાલ ૯૧ વર્ષની વયે પણ શિબિરોનું સંચાલન કરે છે. શ્રમદાન લે છે અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા માનવતાનો સંદેશ પ્રસરાવે છે. આવા મહામાનવને  કોટી કોટી વંદન.

- રાજેશ જે. ભાતેલીયા (રાજકોટ, મો.૯૪૨૭૨ ૨૦૧૭૨)

(2:56 pm IST)