Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું

નવીન ભવનના પ્રારંભથી બેંકના ગ્રાહકને લોકર સહિત વધુ સારી-ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે

રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ગાંધીનગર શાખાનો સ્વામિનારાયણ સંપ્રદાય-અક્ષરધામના પૂજ્ય સંતોના હસ્તે પોતાના નવીન ભવનનો સેક્ટર-૨૧ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
પૂજ્ય સંતગણશ્રીએ આશિર્વચન આપતા કહ્યુ હતું કે,બેંક એટલે માત્ર નાણાકીય લેવડ-દેવડ જ નહીં પણ લાગણી-સંબંધોના પણ જમા-ઉધાર પાસા હોય છે અને તેને પણ જાળવી રાખીને ગ્રાહકો સાથેના સંબંધો સાચવવા જરુરી હોય છે. આ નવીન ભવનના પ્રારંભથી ગ્રાહકોને નાના-મોટા સુરક્ષિત લોકર સહિતની વધુ સારી અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. જેનાથી બેંક અને ગ્રાહક વચ્ચેના સંબંધો વધુ વિશ્વસનીય અને મજબૂત બનશે.
  વિશ્વકર્મા શોપિંગ સેન્ટર સેકટર-૨૧ ખાતેના આ નવીન ભવનના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગરના અગ્રણી ઉદ્યોગપતિ કમલ જૈન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક હર્ષદભાઇ પટેલ અને નગર સંઘચાલક શંકરભાઇ ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર શાખાના પ્રભારી ડિરેક્ટર પ્રદિપભાઇ જૈન, અમદાવાદ શાખાના સુરેન્દ્ર કાકા, રાજકોટથી ડાહ્યાભાઇ ડેલાવાળા તથા ટપુભાઇ લીંબાસીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર પૈકી અર્જુનભાઇ શીંગાળા, બીન અનામત આયોગના ચેરમેન  હંસરાજભાઇ ગજેરા, ગાંધીનગર શાખાના કન્વીનર ડૉ. ભરતભાઇ જૈન, સહ કન્વીનર નીતિનભાઇ પટેલ, શાખા વિકાસ સમિતિના સભ્યો, શાખા અધિકારી વિમલભાઇ રૂપારેલીયા, વસંતભાઇ પટેલ તથા કર્મચારીગણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન ભરતભાઇ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.

(6:47 pm IST)