Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સમરસ કોવિડમાં સ્વચ્છતા જળવાય એ માટે રાતના ૧૨ સુધી સફાઇ કર્મીઓ ફરજ પર

કોરોના મુકત દર્દીઓનો સુરઃ સારવાર તો સિવિલ અને સમરસમાં જ લેવાય

રાજકોટ : સમરસ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાને રાખીને આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ એકજુટ બનીને કામગીરી કરી રહ્યા છે. કોરોનાની સારવાર સાથે દર્દીઓને આરોગ્યલક્ષી કોઈ અન્ય તકલીફ હોય તો એનું નિદાન કરી દર્દીઓના હમદર્દ બનીને આરોગ્ય કર્મીઓ પારિવારીક હુંફ આપી રહ્યા છે.

વાત છે ૪૯ વર્ષીય ગીતાબેન વ્યાસની. શારીરિક નબળાઈને કારણે પડી જવાથી ગીતાબેનના ગોઠણમાં દુખાવો શરૂ થયો હતો. સરખી રીતે ચાલી ન શકવાને કારણે ગીતાબેન ડોકટરને બતાવવા ગયા હતા. આરોગ્યની તપાસ કરતાં ખબર પડી કે તેઓ કોરોના પોઝીટીવ છે. પરિવારનો કોઈપણ સભ્ય સંક્રમિત ન થાય તે માટે ગીતાબેન સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા. સમરસ કોવીડ કેર સેન્ટરને ઘર જેવું કહીને ત્યાં મળેલી સારવાર અંગે વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે, 'આજે હું સ્વસ્થ થઈને ફરી બેઠી થઈ છું તો ત્યાંના આરોગ્ય કર્મીઓને કારણે. કોરોનાની સારવાર તો મળી પરંતુ સાથો સાથ મારા ગોઠણના દુખાવાનું નિદાન કરીને આરોગ્ય કર્મીઓએ મને ફરીથી ચાલતી કરી દીધી છે.'આમ ગીતાબેનની જેમ અનેક લોકો આરોગ્ય કર્મીઓની સંવેદનાસભર સારવારનો અનુભવ લઈને સુખરૂપે પોતાના ઘરે પરત ફર્યા છે.

(1:03 pm IST)