Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

હૃદયરોગ, પેરેલિસિ, થાઇરોઇડ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશરની બિમારી અને ઉમર ૯૦: છતાં કોરોનાને હરાવતાં નિર્મળાબા

ભયને ભસ્મીભૂત કરી જૈફ વયે કોરોનાને મ્હાત આપતાં વૃધ્ધાનો અનોખો કિસ્સોઃ ર્નિમળાબાના પોૈત્રી ડો. હાર્દવી સિવિલ કોવિડમાં બજાવે છે ફરજ

રાજકોટ :'હૌસલે ભી કિસી હકીમ સે કમ નહી હોતે, હર તકલિફ મેં તાકાત કી દવા દેતે હૈ 'આ વિધાનને ચરિતાર્થ કરતા કોરોના વોરિયર્સ ડોકટર્સની કોરોનાગ્રસ્ત દર્દીઓ પ્રત્યેની કર્તવ્યપરાયણતા અને પ્રતિબદ્ઘ સેવા-સારવારને પ્રતાપે રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ કોરોના મુકત થઇ રહ્યા છે, તેવા સમયમાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર મેળવી શતાયુના આરે પહોંચેલા અને એક નહી પરંતુ અનેક બિમારી હોવા છતાં બુલંદ હૌસલાના પરિણામે કોરોનાને હરાવી ૯૦ વર્ષીય નિર્મળાબા અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા નિર્મળાબાએ ૧૪ દિવસની સઘન સારવાર મેળવી કોરોનામુકત બની મોતને મ્હાત આપી જિંદગી ગળે લગાડી છે.

બે વખત હૃદયરોગ અને એક વખત પેરેલિસિસના ઘાતક હુમલાને મક્કમ મનોબળથી ઝીલીને નવજીવન પામેલા નિર્મળાબા પોતાના કોરોનામુકત થવાના અનુભવને વર્ણવતા જણાવે છે કે,'શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મે મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુકત બનવું જ છે. ભલે મને હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી હોય.., હોસ્પિટલમાં મને ૧૦ દિવસ સુધી ઓકિસજન પર રાખવામાં આવી હતી. એ વખતે ડોકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી ગંભીર બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા.હું મારી ઉંમરના દરેક લોકોને એક જ વિનંતી કરીશ કે કોરોનાથી ડરો નહીં તમે મનોબળ મક્કમ કરો. પરેજી અને સાવચેતી રાખશો તો જ કોરોનાના સંક્રમણથી બચી શકશો'.

(1:01 pm IST)