Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આજીડેમ પોલીસનો દરોડોઃ ૪૦૦૦ લિટર વેસ્ટેજ ઓઇલનો જથ્થો પકડ્યો

ફાયર સેફટીના સાધનો નહોતાં: ડેલાના સંચાલક વિજય પાંડે વિરૂધ્ધ કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: થોડા સમય પહેલા પોલીસે બાયો ડિઝલનો ગેરકાયદેસ સંગ્રહ કરનારા અને બાયો ડિઝલ પંપ પર ગેરકાયદે ઇંધણ પુરી આપનારા વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. આ પછી આ ઝુંબેશ રાજ્યભરમાં ચલાવાઇ હતી. દરમિયાન આજીડેમ પોલીસે માંડા ડુંગર નજીક આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એક ડેલામાં કાળા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો આગ સામે સલામતિ વગર ભરી રાખ્યો હોઇ ડેલાના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસે ૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્ક એ-વિંગ પહેલા માળે રૂમ નં. ૧૦૩માં રહેતાં ડેલાના સંચાલક વિજય ક્રિષ્નાગોપાલ પાંડે (ઉ.વ.૩૮) સામે આઇપીસી ૨૮૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વિજય પાંડેએ પોતાના ડેલામાં કાળા રંગનું જ્વલનશીલ પ્રવાહી આશરે ૪૦૦૦ લિટર ભરી રાખ્યું હતું. અહિ ફાયર સેફટીના કોઇ સાધાનોની વ્યવસ્થા રાખી ન હોઇ તેના કારણે લોકોની જિંદગી જોખમમાં મુકાઇ શકે તેમ હોઇ અથવા વ્યથા-હાની થવાનો સંભવ હોઇ બેદરકારી દાખવવા સબબ આ કાર્યવાહી કરવામાં આવી છે.

પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએસઆઇ રવિરાજસિંહ જે. જાડેજા સહિતની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. કાળુ પ્રવાહી એ વેસ્ટેજ ઓઇલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

(11:52 am IST)