Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ભાવાંતર યોજના મુદ્દે ૧ નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધની ચીમકી

ખેડૂતોના હિતમાં તાકિદે નિર્ણય લેવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ની માંગણી

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનએ ખેડૂતોના હિતમાં તાકીદે ભાવાંતર યોજના લાગુ ન કરાય તો ૧ નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધની ચીમકી આપેલ છે.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતુ કે, એસોસીએશન દ્વારા અગાઉ ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવા સરકારશ્રીને લેખીત રજૂઆત કરાઈ હતી પરંતુ તેની કોઈ નોંધ લેવાય નથી. બીજી બાજુ સરકાર દ્વારા ૧૫ નવેમ્બરથી ૧૨૨ કેન્દ્રો પર મગફળી ખરીદ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદીથી ખેડૂતોને લાભ મળે છે તેનાથી વધારે લાભ ભ્રષ્ટાચારીઓને થાય છે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબ ખેડૂતો માટે લાભદાયી ભાવાંતર યોજના તાકીદે લાગુ કરવામાં નહી આવે તો સૌરાષ્ટ્ર એપીએમસીના નેજા હેઠળ સૌરાષ્ટ્રના તમામ યાર્ડના વેપારીઓ દ્વારા ૧ લી નવેમ્બરથી ખરીદ-વેચાણ બંધ કરી દેવામાં આવશે. તમામ યાર્ડો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવશે તેવી ચિમકી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણી (રાજકોટ યાર્ડ) તથા ઉપપ્રમુખ મુકેશ સતાસીયા (ગોંડલ યાર્ડ)એ ચીમકી આપેલ છે.(૨-૨૬)

(3:51 pm IST)