Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કારોબારી સામેના અપીલ સમિતિનાં સ્ટે.નું પ્રકરણ કાર્યકારી પ્રમુખે 'દફતરે' કર્યુ ! કોંગ્રેસમાં ઉહાપોહ

સભ્યો જેના માટે સંઘર્ષ કરતા હતા તે પ્રકરણનો અચાનક વીટલો : પાર્ટી સુભાષ માંકડિયાનો ખૂલાસો પૂછશેઃ ઉપપ્રમુખ પદેથી રાજીનામું મંગાય તેવી ચર્ચા

રાજકોટ, તા. ૨૬ :. જિલ્લા પંચાયતમાં કાર્યકારી પ્રમુખ સુભાષ માકડીયાએ કારોબારી સમિતીની કામગીરી રોકવા માટેના અપીલ સમિતિના સ્ટેનુ પ્રકરણ બારોબાર દફતરે કરી દેતા (રેકોર્ડ પર પ્રકરણ પુરૂ) જિલ્લા પંચાયતમાં રાજકીય ચકચાર જાગી છે. જે મુદ્દા પર કોંગ્રેસના સભ્યો બાગીઓના પ્રભુત્વવાળી કારોબારી સમિતિ સામે લડી રહ્યા છે તે જ પ્રકરણ સભ્યોની જાણ બહાર બારોબાર પુરૂ થઈ ગયુ છે. સમગ્ર પ્રકરણમાં કાર્યકારી પ્રમુખ સિવાયના એક-બે આગેવાનો પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

જાણવા મળ્યા મુજબ બાગીઓએ કારોબારીની ધૂરા સંભાળ્યા પછી તેના નિર્ણયના અમલીકરણ સામે અપીલ સમિતિના અધ્યક્ષની રૂએ પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયાએ કામચલાઉ સ્ટે આપેલ. બીજી વખત કારોબારી મળી તે વખતે કાર્યકારી પ્રમુખ માકડીયાએ સ્ટે આપેલ. બે દિવસ પહેલા કાગળ પર આ અંગે આગળની કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રે ફાઈલ કાર્યકારી અધ્યક્ષ પાસે મુકી તે વખતે તેમણે ચોક્કસ લોકોની સલાહ મુજબ પ્રકરણ દફતરે કરવાની નોંધ પર સહી કરી આપી હતી. ત્યાર બાદ બે દિવસથી તેઓ જિલ્લા પંચાયત આવતા બંધ થઈ ગયા છે. તા. ૩૦ સુધી પ્રમુખ રજા પર હોવાથી ઉપપ્રમુખ માકડીયા કાર્યકારી પ્રમુખ છે. ચર્ચાસ્પદ પ્રકરણનો સંકેલો કરવામાં કયુ પરિબળ કામ કરી ગયુ ? તે બાબતે જિલ્લા પંચાયતમાં જુદી જુદી વાતો થઈ રહી છે. જુથવાદની દ્રષ્ટિએ આ ઘટના ધ્યાન ખેંચનારી છે. પાર્ટી દ્વારા ઉપપ્રમુખનું રાજીનામુ માંગી લેવા સુધીના પગલા વિચારાયાનું સંભળાય રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે વધુ એક વખત કારોબારી બેઠક મળનાર છે.

આ અંગે સુભાષ માકડીયાના પુછતા તેમણે આવુ પ્રકરણ દફતરે નહી કર્યાનો અને પોતે કામમા રોકાયા હોવાથી બે દિવસથી જિલ્લા પંચાયત નહી આવી શકયાનો બચાવ કર્યો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની જાણ બહાર ઉપપ્રમુખે ઉપરોકત પ્રકરણ દફતરે કર્યાનું પોતાની જાણમાં આવ્યાનું સ્વીકારી આ બાબતે ઉપપ્રમુખનો ખુલાસો પૂછાશે તેમ જણાવ્યુ હતું.(૨-૩૦)

(3:34 pm IST)