Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પેટ્રોલ પંપ પર સળગતી સિગારેટ સાથે આવી છરીના ઘોદા મારવાની ધમકીઃ આમીર અને અરબાઝને દબોચી લેવાયા

દૂધ સાગર રોડ પર આવેલા રીદાન પેટ્રોલ પંપ ખાતે બનાવ : મોડી રાતે ટુવ્‍હીલરમાં ૧૯૯ રૂપિયાનું પેટ્રોલ ફટાફટ પુરી દેવાનું કહી ફિલરમેનને ધમકી દીધીઃ સળગતી સિગારેટ ઠારી નાખવા અથવા પંપની બહાર જવાનું કહેવાતાં છરી કાઢીઃ પંપના સંચાલક યાસીનભાઇ ગાંજાની ફરિયાદઃ થોરાળા પોલીસે ઘાંચીવાડના બંને શખ્‍સને કલાકોમાં ઉઠાવી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું

પેટ્રોલ પંપ પર છરી કાઢનાર શખ્‍સ (પ્રથમ તસ્‍વીર) અને હાથમાં સિગારેટ રાખનાર શખ્‍સ (બીજી તસ્‍વીર)એ પંપ પર ભારે સીન સપાટા કરી ખેલ આદર્યા હતાં. થોરાળા પોલીસે કલાકોમાં બંનેને દબોચી લઇ કાયદાનું ભાન કરાવતાં બંને ટાઢાબોળ થઇ ગયા હતાં અને અદબ વાળીને ઉભા રહી ગયા હતાં.

રાજકોટ તા. ૨૭: દૂધ સાગર રોડ પર માજોઠીનગરના ખુણે આવેલા પેટ્રોલ પંપ ખાતે રવિ-સોમની મોડી રાતે ટુવ્‍હીલર લઇને આવેલા બે શખ્‍સોએ ફિલરમેનને ઝડપથી પેટ્રોલ પુરી દે નહિતર છરીના ઘોદા મારી દઇશું તેવી ધમકી આપતાં અને એક શખ્‍સ સળગતી સિગારેટ લઇને આવ્‍યો હોઇ તેને ફિલરમેને બહાર જવાનું કહેતાં તેણે બહાર નહિ જાવ, સિગારેટ પણ ઠારવાનો નથી તેમ કહી સિગારેટ ન ઠારી આખો પંપ સળગી જાય તેવું જોખમ ઉભુ કરી સીનસપાટા કરી બે ફિલરમેનને ગાળો દઇ ધમકી આપતાં આ મામલે ગઇકાલે પંપ સંચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં થોરાળા પોલીસે ગુનો નોંધી કલાકોમાં ઘાંચીવાડના બંને શખ્‍સને દબોચી લીધા છે.

આ બનાવમાં પોલીસે દૂધ સાગર રોડ માજોઠીનગરના ખુણે  પોરબંદર-અમદાવાદ નેશનલ હાઇવેની સામે રીદાન એન્‍ટરપ્રાઇઝ નામના હિન્‍દુસ્‍તાન પેટ્રોલ પંપના સંચાલક યાસીનભાઇ મહમદભાઇ ગાંજા (ઘાંચી) (ઉ.વ.૫૮-રહે. દિવાનપરા મેઇન રોડ, શેરી નં. ૪, અર્શ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪, ચોથો માળ)ની ફરિયાદને આધારે આમીર જાહીદભાઇ ઉર્ફ સલિમભાઇ ચામડીયા (ઉ.૨૧-રહે. ઘાંચીવાડ-૩) અને અરબાઝ અલ્‍તાફભાઇ દોઢીયા (ઉ.૨૪-રહે. ઘાંચીવાડ ૨/૭નો ખુણો) વિરૂધ્‍ધ આઇપીસી૨૮૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૮૮ મુજબ ગુનો નોંધી બંનેને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

યાસીનભાઇ ગાંજાએ પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. પેટ્રોલ પંપ મારા પુત્રવધૂના નામનો છે જે હું સંભાળુ છુ. તા. ૨૫/૯ના રાતે નવેક વાગ્‍યે હું પંપેથી હિસાબ કરી ઘરે જવા નીકળ્‍યો હતો. એ પછી પંપ પર તોૈફિકભાઇ ઓસમાણભાઇ સકરીયાણી અને શાહરૂખ મહેમુદભાઇ બેલીમનોકરી પર હતાં. ૨૬ના રાતે પોણા બે વાગ્‍યા આસપાસ ફિલરમેન તોૈફિકભાઇએ મને ફોન કરી જણાવ્‍યું હતું કે રાતે દોઢ વાગ્‍યે સુઝુકી ટુવ્‍હીલર પર બે શખ્‍સો પેટ્રોલ પુરાવવા આવ્‍યા છે અને છરી બતાવી ધમકી આપી ઝઘડો કરે છે તમે તાત્‍કાલીક આવો. જેથી હું અને મારા સાઢુ હુશેનભાઇ પંપ ખાતે પહોંચ્‍યા હતાં.

ત્‍યાં તોૈફિકભાઇએ મને કહ્યું હતું કે બે શખ્‍સે આવી મને રૂા. ૧૯૯નું પેટ્રોલ પુર ુ આપવા કહ્યું હતું. હું પંપમાં ફિગર સેટ કરી પેટ્રોલ પુરવા ગયો ત્‍યારે એક શખ્‍સે જલ્‍દી પેટ્રોલ ભરી દે નહિતર ઘોદા મારી દઇશ તેમ કહી ગાળો દીધી હતી. તેના હાથમાં સળગતી સિગારેટ હોઇ મેં તેને તાત્‍કાલીક પેટ્રોલ પંપની હદની બહાર જતા રહેવા અને જ્‍વલનશીલ પદાર્થથી પેટ્રોલ પંપ સળગી જાય તેવું સમજાવતાંતેણે મોઢામાં સિગારેટ નાખી હું સિગારેટ ઠારવાનો નથી અને બહાર પણ જવાનો નથી તેમ કહી ઝઘડો કરેલો અને બીજા શખ્‍સે છરી કાઢી પેટ્રોલ પુરી દે નહિતર મારી નાંખશુ કહી મારી સામે છરી ગામી હતી. હું દૂર થઇ ગયો હતો.

એ પછી તેણે રૂા. ૫૦૦ની નોટ આપી હતી અને હું બાકીના પૈસા લેવા ઓફિસમાં ગયો હતો અને સહકર્મચારી શાહરૂખને વાત કરી હતી. ત્‍યારે છરી હાથમાં રાખી એક શખ્‍સ પાછળ આવ્‍યો હતો. તે વખતે શાહરૂખે તેને સળગતી સિગારેટ લઇને પેટ્રોલ પંપમાં ન અવાય તેમ કહેતાં તેને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. એ પછી બંને જણા સુઝુકી એક્‍સેસ પર ભાગી ગયા હતાં. સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં સમગ્ર ઘટના દેખાઇ હતી. મેં આ બને શખ્‍સો કોણ છે તે અંગે તપાસ કરતાં તેમાંનો એક આમીર મેમણ અને બીજો અરબાઝ દોઢીયા હોવાનું અને બંને ઘાંચીવાડ રામનાથપરા લાઇન પાસે રહતાં હોઇ હું તેને જોયે ઓળખી ગયો હતો. ફિલરમેનને મેં ફરિયાદ કરવા કહ્યું હતું પરંતુ તે બંને ગભરાઇ ગયા હોઇ જેથી મેં ફરિયદ નોંધાવી હતી.

યાસીનભાઇની ફરિયાદ પરથી હેડકોન્‍સ. સી. સી. મકવાણાએ ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. વિમલભાઇ ધાણજા, કોન્‍સ. નરસંગભાઇ ગઢવી, વિક્રમભાઇ લોખીલ, કિરણભાઇ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, પ્રદ્યુમનસિંહ ઝાલા અને રમેશભાઇ માલકીયાએ તુરત તપાસ હાથ ધરી રાતોરાત બંને શખ્‍સ આમીર ચામડીયા અને અરબાઝ દોઢીયાને દબોચી લઇ છરી-વાહન કબ્‍જે કરવા તજવીજ કરી હતી અને બંનેને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

(5:00 pm IST)