Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આરોગ્‍ય સાથે ચેડા : કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરી જૂની મીઠાઇ રીફ્રેશ કરી ફરી માર્કેટમાં વેંચાણ કરતા હોવાનું ખુલ્‍યું : ૧૮૦ કિલો સ્‍વીટનો નાશ

જામનગર રોડ પર ફુડ શાખાનું મીઠાઇ ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ : જય ખોડીયાર ડેરી ફાર્મ અને જલારામ જાંબુને ત્‍યાંથી ઓરેન્‍જ ચમચમ, બંગાળી મીઠાઇ તથા મોતીચૂર લાડુના નમુના લેવાયા : ૩ કિલો એક્‍સપાયર ફુડ કલર પણ મળ્‍યો

રાજકોટ,તા.૨ ૭ : શહેરમાં નવરાત્રી તહેવારોને ધ્‍યાનમાં રાખી મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં મીઠાઇ ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્‍વયે કુલ ૧૮૦ કિલો અખાદ્ય મીઠાઇ અને ૩ કિલો એક્‍સપાયર થયેલ કુડ કલરનો જામનગર રોડ પરની બે પેઢીને ત્‍યાં સ્‍થળ ઉપર જ નાશ કરવામાં આવેલ અને અન્‍ય મીઠાઇના નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્‍યાપક પ્રમાણમાં વેંચાણ  થતુ હોય જેને અનુલક્ષીને   મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્‍પાદન કરાતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેના અનુસંધાને ‘‘જય ખોડિયાર ડેરી ફાર્મ'', (ઉત્‍પાદન યુનિટ -જે. કે. સ્‍વીટ) સ્‍થળ -નંદનવન સોસાયટી માધાપર, જામનગર રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ. ત્‍યાં સ્‍થળ પર કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરેલ જૂની વણવાપરાયેલી મીઠાઇનો જથ્‍થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ રાખવામા આવેલ હોવાનું જણાતા સ્‍થળ પર વાસી અખાદ્ય અંજીર બરફી, ચોકલેટ બરફી તેમજ અન્‍ય મીઠાઇ અનહાયજિનિક રીતે સ્‍ટોરેજ કરેલ કુલ  ૧૧૦ કિલો જથ્‍થો ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ FSS Act -2006 હેઠળ લાયસન્‍સિંગ કન્‍ડિશન મુજબ સ્‍થળ પર હાયજિનિક સ્‍ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્‍થળ પરથી ઓરેન્‍જ ચમચમ -બંગાળી મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

 તેમજ અનુસંધાને શ્રી જલારામ જાંબુવાળા , સ્‍થળ -ભવનાથ પાર્ક,  માધાપર ગેઇટ પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્‍થળ પર ફ્રીઝમાં સંગ્રહ કરેલ મીઠાઇનો જથ્‍થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ સ્‍ટોરેજ કર્યા હોવાનું જણાતા સ્‍થળ પર વાસી અખાદ્ય પેંડા, કેસર પેંડા, થાબડી, બરફી, અંગુરી પનીર તેમજ અન્‍ય મીઠાઇ અનહાયજિનિક રીતે સ્‍ટોરેજ કરેલ કુલ ૭૦ કિલો જથ્‍થો તથા ૩ કિલો એક્‍સપાયરી થયેલ ફૂડ કલર ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્‍થળ પર નાશ કરવામાં આવેલ.

તેમજ FSS Act -2006 હેઠળ લાયસન્‍સિંગ કન્‍ડિશન મુજબ સ્‍થળ પર હાયજિનિક સ્‍ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્‍થળ પરથી મોતીચૂર લાડુ- મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

નમુનાની કામગીરી

     ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ.  (૧) ઓરેન્‍જ ચમચમ -બંગાળી મીઠાઇ (લુઝ) સ્‍થળ - જય ખોડિયાર ડેરી ફાર્મ - નંદનવન સોસાયટી માધાપર, જામનગર રોડ, રાજકોટ.  (૨) મોતીચૂર લાડુ- મીઠાઇ (લુઝ) સ્‍થળ - શ્રી જલારામ જાંબુવાળા ભવનાથ પાર્ક,              માધાપર ગેઇટ પાસે, જામનગર રોડ, રાજકોટ.

  ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે સદર બજાર, ફૂલછાબ ચોક વિસ્‍તારમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૯ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૬ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં ઘી, દૂધ, ઠંડાપીણાં, આઇસક્રીમ, બેકરી પ્રોડક્‍ટ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 જેમાં S N શોપ આઇસક્રીમ, કક્કડ  પ્રોવિઝન સ્‍ટોર, પંજવાણી મેડિકલ સ્‍ટોર -લાઇસન્‍સ બાબતે નોટિસ, તથા ખાન કેટરર્સ, ઓમ ચીકી તથા  મારૂતિ સિઝન સ્‍ટોર -લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

ઉપરોક્‍ત તમામ કામગીરી નાયબ કમિશનર  (હેલ્‍થ) આશિષ કુમારની સૂચના અન્‍વયે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી એ. એન. પંચાલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ.

(4:28 pm IST)