Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

હુડકોના જયેશભાઇ ગેસ્‍ટ હાઉસમાંથી અર્ધબેભાન મળ્‍યાઃ ઝેર પીધાનું કહ્યું

ગઇકાલે રાજશ્રી સિનેમા પાસેના ગેસ્‍ટહાઉસમાં રૂમ રાખ્‍યો હતો : લેણદારોથી કંટાળ્‍યાનું રટણઃ આજે રૂમમાંથી બહાર ન આવતાં દરવાજો તોડાતાં ઇજાગ્રસ્‍ત મળતાં સારવાર હેઠળઃ ઝેરી દવા પીધા બાદ તરફડીને પડી જતાં ઇજા થયાની શક્‍યતા

 

 

રાજકોટ તા. ૨૭: શહેરની રાજેશ્રી સિનેમા પાસેની ગલીમાં આવેલા નિર્દીપ ગેસ્‍ટ હાઉસમાં ગઇકાલે ઉતરેલા એક વ્‍યક્‍તિ આજે રૂમમાંથી ઇજાગ્રસ્‍ત હાલતમાં મળતાં અર્ધબેભાન જેવી હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પોતે લેણદારોથી ત્રાસીને ઝેરી દવા પી ગયાનું અને એક સ્‍યુસાઇડ નોટ લખીને રૂમમાં રાખી હોવાનું તેમણે ત્રુટક અવાજે જણાવ્‍યું હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ નિર્દીપ ગેસ્‍ટ હાઉસમાં ગઇકાલે એક વ્‍યકિતએ રૂમ ભાડે રાખ્‍યો હતો. પોતાનું નામ જયેશભાઇ કનૈયાલાલ તન્‍ના (ઉ.૪૫) જણાવ્‍યું હતું અને આધારકાર્ડ રજૂ કર્યુ હતું તેમાં એડ્રેસ રૈયાનું હતું. આજે મોડે સુધી જયેશભાઇએ રૂમનો દરવાજો નહિ ખોલતાં ગેસ્‍ટ હાઉસના કર્મચારીઓએ ખખડાવ્‍યો હતો. આમ છતાં નહિ ખોલાતાં દરવાજો તોડવામાં આવતાં જયેશભાઇ પડી ગયેલી હાલતમાં અને નાક-મોઢામાંથી લોહી નીકળતી હાલતમાં અર્ધબેભાન જેવા મળ્‍યા હતાં. ૧૦૮ બોલાવી તેને સિવિલ હોસ્‍પિટલે ખસેડવામાં આવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જયેશભાઇને મોઢા-નાક પર ઇજા થઇ હોઇ અને સંપુર્ણ ભાનમાં ન હોઇ વધુ બોલી શક્‍યા નહોતાં. ત્રુટક અવાજે કહ્યું હતું કે પોતે કોઠારીયા રોડ હુડકોમાં રહે છે અને ફાયનાન્‍સથી નાણા લીધા હોઇ લેણદારો હેરાન કરે છે. તેમજ ચિઠ્ઠી લખી ગેસ્‍ટહાઉસના રૂમમાં રાખી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ક્‍યાંથી કેટલા નાણા લીધા હતાં? તે જાણવા જયેશભાઇ ભાનમાં આવે તેની રાહમાં પોલીસ છે.

(3:55 pm IST)