Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

એક અભિનવ પ્રયોગ : દેશ-વિદેશના સાહિત્‍યકારોને ભારતીય આઝાદી અભિનંદન મેડલ એનાયત કરાશે

બેંગલુરૂમાં ૧ ઓકટોબરે સમારોહ : ગુજરાત સાહિત્‍ય અકાદમીના પૂર્વ અધ્‍યક્ષ વિષ્‍ણુ પંડયાનું અતિથિ વિશેષ સન્‍માન કરાશે

રાજકોટ તા. ૨૭ : ગાંધી જન્‍મજયંતીની પૂર્વ સંધ્‍યાએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક વિશિષ્ટ સાહિત્‍યિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દુનિયાના ૬૦ દેશોમાં સક્રિય મોટીવેશનલ સ્‍ટ્રીપ્‍સ અને તેના સ્‍થાપક શિજુ પલ્લીથાઝેથ અને કર્ણાટકના મુખ્‍ય પ્રતિનિધિ શ્રીકલા વિજયન દ્વારા આગામી પહેલી ઓકટોબરે આ ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના ૧૦૦ લેખકો તેમજ ભારતના વિભિન્ન ભાષાઓના ૧૦૦ લેખકોને આમંત્રિત કરાયા છે.

ભારત તેની સ્‍વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી ચૂક્‍યું છે અને આઝાદીના અમૃત મહોત્‍સવ સાથે વિદેશના લેખકો પણ સહભાગી બને તેવા હેતુ સાથે આ લેખકોને ભારતીય સ્‍વાતંત્ર્યનો ચંદ્રક એનાયત કરવામાં આવશે. વિવિધ દેશો અને પ્રદેશોની ૭૦ જેટલી ભાષામાં સાહિત્‍ય સર્જન કરી રહેલા લેખકો આ પ્રસંગે ઉપસ્‍થિત રહેશે. પેરુ, ફિલિપિન્‍સ, પોલેન્‍ડ, રોમાનિયા, સ્‍પેન, સર્બિયા, શ્રીલંકા, ટાંઝાનિયા, ટ્રિનીદાદ, તુર્કી, ઈંગ્‍લેન્‍ડ, અમેરિકા, દક્ષિણ કોરિયા, વિયેતનામ, બ્રાઝિલ,આર્જેંટીના, ઓસ્‍ટ્રેલીયા, બાંગ્‍લા દેશ, ભૂટાન, બોસ્‍નિયા, કેનેડા, કોંગો, કોસ્‍ટારિકા, ડેન્‍માર્ક અને પાકિસ્‍તાન વગેરે દેશોનો સમાવેશ થાય છે.

ગુજરાત સાહિત્‍ય અકાદમીએ આ વિશિષ્ટ પ્રસંગમાં જૂન-જુલાઈમાં સહયોગ આપવાનો નિર્ણય લીધો હતો. તત્‍કાલિન અધ્‍યક્ષ વિષ્‍ણુ પંડયા (મો.૯૮૨૪૫ ૪૬૪૩૮) ના અતિથિ વિશેષ પદે આ કાર્યક્ર્‌મ યોજાઇ રહ્યો છે. બેંગલુરુના ગુજરાતીઓ પણ તેમનું સ્‍વાગત કરશે. ભારતીય સાહિત્‍યિક સંગઠનોમાં આવો પ્રસંગ પ્રથમ વારનો છે.

(3:52 pm IST)