Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વાગુદળ ગામે પુત્રની હત્‍યા કરવા અંગે પકડાયેલ આરોપી પિતાનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૨૭: ધ્રોલ તાલુકાના મોટાા વાગુદળ ગામે પુત્રની હત્‍યાના ગુન્‍હામાં પકડાયેલ પિતાને નિર્દોષ છોડી મુકવા જામનગરની અદાલતે હુકમ કર્યો હતો.

આ કેઇસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામમાં મુળ ફરીયાદી અવિરાજસિંહના ભાઇ મરણ જનાર ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા જાડેજા દારૂ પીને પોતાના ઘરે અવારનવાર ઘરના સભ્‍યો સાથે ઝગડા કરી મારકુટ કરતો હોય ગત તા.૯-૪-૨૦૨૦ના સાંજના આ કામે મરણ જનાર ક્રિપાલસિંહ પોતાના પિતા ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા કલભા જાડેજા સાથે વાડીએ ગયેલ હોય અને વાડીએ બંને વચ્‍ચે ઝગડો થતા આ ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા કલભાને ક્રોધ આવતા આ કામે મરણ જનાર ક્રિપાલસિંહને જમીન પર પાડી દઇ પોતાના હાથ વડે ગળો ટુંપો આપી ખંભા ઉપર તથા મોઢા ઉપર ઢીકા પાટુનો માર મારી મોત નીપજાવેલ હતું.

આ અંગે પોલીસ ફરીયાદ ફરીયાદી શ્રી અવિરાજ સિંહ ધ્રોલ પો.સ્‍ટે તા.૧૦-૪-૨૦૨૦ના રોજ નોંધાવેલ હતી જે ફરીયાદ અન્‍વયે તપાશનીશ અધિકારીએ આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા કલુભા જાડેજા વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોય ચાર્જશીટ કરેલ હતું.

આ કેઇસ ધ્રોલ કોર્ટને ચલાવવાની સત્તા ન હોય ધ્રોલ કોર્ટ દ્વારા સદરહું કેઇસ જામનગરની સેશન્‍સ અદાલત સમક્ષ ચાલવા ઉપર આવેલ હતો જે કેઇસ ચાલી જતા ૧૫ સાહેદોની જુબાની તથા ૩૩ દસ્‍તાવેજી પુરાવાઓ લેવામાં આવેલ હતા. ત્‍યારબાદ સદરહું કામમાં આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભાના એડવોકેટ વિમલ એચ. ભટ્ટ દ્વારા કરાયેલ દલીલો તથા હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્‍ટ રજુ કરાતા જામનગરના સેશન્‍સ જજ શ્રી ચૌધરી દ્વારા આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા કલુભા જાડેજાને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા કલુભા જાડેજા વતી રાજકોટના એડવોકેટ તરીકે વિમલ એચ.ભટ્ટ, ડો.રાજેન્‍દ્રસિંહ સી.જાડેજા, પંકજ જી.મુલીયા, પારસ જે. પારેખ, રૂષીલ આર. દવે, અંકીત એન. દુધાગરા તથા મદદમાં વિવેક પી.પારેખ, એ.એચ.કપાસી, રોકાયેલ હતા.

(1:39 pm IST)