Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઓશોએ ૯ મહિના પૂર્વે મૃત્યુના સંકેત આપી દીધો હતો

ઓશોના અંતિમ સમય સુધી સાથે રહેલા 'ઓશો વર્લ્ડ'ના એડિટર સ્વામી ચૈતન્ય કીર્તિજી 'અકિલા'ની મુલાકાતે : ઓશોનું શરીર છુટ્યું ત્યારે હવા ભારે થઇ ગઇ હતીઃ નિધનનો સંકેત આપ્યા બાદ પ્રવચનો કર્યા ન હતાઃ ઓશોના શરીર છુટ્યાના સમાચાર મારે મીડિયાને આપવાના હતા, પણ હું એક જ કોલ કરી શકયો : ભાવુક બનીને સ્મરણો તાજા કરતા ચેૈતન્ય કીર્તિજી

સ્વામી ચૈતન્ય કીર્તીજી સાથે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, સ્વામી સત્યપ્રકાશજી, સંજય સરસ્વતીજી, માં પ્રેમક્રાંતિજી, ધ્યાન રસીલીજી, પ્રેમ સ્વામીજી  વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૪ :  આધ્યાત્મિક જગતમાં ક્રાંતિ સર્જનાર આચાર્ય રજનીશ 'ઓશો' એ ખુદના મૃત્યુ અંગે ૯ મહિના પૂર્વે સંકેત આપી દીધો હતો. આ સંકેત આપ્યા બાદ તેઓએ પ્રવચનો બંધ કરી દીધા હતા. આ શબ્દો સ્વામી ચૈતન્ય કીર્તીજીના છે. તેઓ વર્ષો સુધી ઓશો સાથે રહ્યા હતા અને ઓશોએ શરીર છોડયું ત્યારે પણ તેઓ પૂના આશ્રમમાં જ હતા. તેઓ કહે છે કે, ઓશોનું શરીર છુટ્યું ત્યારે હવા ભારે થઇ ગયાનું અનુભવાતુ હતું.

સ્વામી ચૈતન્ય કીર્તિજી લોકપ્રિય 'ઓશો વર્લ્ડ' મેગઝિનના સ્થાપક એડિટર છે. તેઓ, 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. તેઓ મૂળ હરિયાણાના છે. બાળપણમાં ઓશો અંગે કોઇ ખ્યાલ ન હતો. વાચવાનો શોખ હતો. એક વખત ધર્મયુગ મેગેઝિનમાં ઓશોનો લેખ 'મનુષ્ય યંત્ર છે ?' વાચ્યો ઓશોમાં રસ પડયો, ત્યારે નેટ કે તેવું કંઇ ન હતું ઓશો અંગે માહિતી પણ ખૂબ મહેનત બાદ મળી. તેમનું પ્રથમ પુસ્તક ''સમાજવાદીથી સાવધાન'' વાચ્યું. આ પુસ્તકમાં સ્પષ્ટ હતું કે વ્યકિત બદલે તો જ સમાજ બદલે પુસ્તકમાં  સાત ચક્રોની વાત હતી. મોટી સંખ્યામાં ધ્યાનીઓ સર્જવાની હાકલ હતી.

સ્વામીજી કહે છે કે, ર૧ વર્ષની વયે ઓશોની આ વાતોથી ખૂબ પ્રભાવિત થયો રૂા. ૬૦ લઇને ઓશોને મળવા મુંબઇ જવા નીકળી ગયો. ખુબ રઝળપાટ બાદ ઓશોનું ત્યારનું એડ્રેસ વુડલેન્ડ એપા. વાળુ મળ્યું. ત્યાં ગયો.

સ્વામીજી કહે છે કે, ઓશો મળ્યા ત્યારે ખિસ્સામાં માત્ર રૂા. પાંચ વધ્યા હતા. ઓશોની પ્રથમ મુલાકાતે જ કૃપા વરસી મને ત્યારે જ સન્યાસ દીક્ષા આપી અને હું ઓશોમય બની ગયો.

બાદમાં સતત ઓશો સાથે રહેવાનું થયું. ચૈતન્ય કીર્તિજી કહે છે કે, ઓશોના અંતિમ સમય પૂર્વે તેઓએ ઉપસ્થિત તમામ સામે જોઇને હાથ જોડીને નમસ્કાર કર્યા, ઉર્જા વરસતી હોય તેવો માહોલ હતો. સાંજે શરીર છૂટ્યું ત્યારે હવા ભારે થઇ ગઇ હતી.

મા આનંદો સતત ઓશો સાથે રહેતા હતા. તેઓએ આ વિષય પર પુસ્તક ''ઇન્ટીમેન્ટ કિલ્મસીસ'' નામક પુસ્તક લખ્યુ છે ચૈતન્ય કીર્તિજી કહે છે કે અમે બધાં ઓશો સાથે ભાવથી જોડાયેલા હતા.

સ્વામીજીએ જણાવ્યું હતું કે, ઓશોએ દેહ  છોડ્યો ત્યારે મારે મીડિયા જગતને જાણ કરવાની હતી, પણ હું માત્ર એક જ ફોન ઇન્ડિયન એકસપ્રેસના પ્રકાશ કરગલેને કરી શકયો. મન પર ઓશો આભાર છવાઇ ગઇ હતી. બાદમાં મારા પર દેશ-દુનિયામાંથી મીડિયાના ફોન સતત આવતા રહ્યા.

ચૈતન્ય કીર્તિજી કહે છે કે, ઓશોએ દેહ છોડયા બાદ અને આશ્રમમાં ભાવાત્મક રૂપે સક્રિય હતા. વિશ્વાસના પાયા પર આ નાતો રચાયો હતો, પણ અમુક લોકોએ આ માહોલના ખુબ ગેરલાભ લીધો ઓશો બુધ્ધત્વને વરેલી વિભૂતિ હતી. જેને વ્યવસાયમાં ઢાળીને ઓશોને સામાન્ય વકતા જેવી આભા બનાવી રહ્યા છે. જો કે ઓશોની બૌધ્ધિક સંપદાનો મામલો હાઇકોર્ટ સ્વીકાર કર્યો છે, તેના નિર્ણય પર અમારી મીટ છે.

ચૈતન્ય કીર્તિજીના વિચારો જાણીએ  અઢી અક્ષર એટલે પ્રેમ. પ્રેમના અક્ષર અઢી છે પરંતુ કબીરનો અર્થ ઉંડો છે. જયારે પણ એક વ્યકિત બીજી વ્યકિતના પ્રેમમાં પડે છે ત્યારે ત્યાં પ્રેમના અઢી અક્ષર પુરા થાય છે. પ્રેમ કરનાર એક, એ જેને પ્રેમ કરે છે એ બીજું અને બન્નેની વચ્ચે કંઇક અજ્ઞાત  છે એ અડધુ અને એમ થાય છે. અઢી પેલું જે અજ્ઞાત છ એને કબીર અડધું કેમ કહે છે? ત્રણ કેમ નહીં? અઢી જ શા માટે? એ તત્વને અડધું કહેવાનું કારણ ખૂબ મધુર છે. કબીર કહે છે કે પ્રેમ કદી પુરો નથી થતો પ્રેમથી કોઇ કયારેય પૂર્ણપણે ધરાઇ હતું નથી. કયારેય એવું નથી લાગતુ કે બસ થઇ ગઇ તૃપ્તિ સંતુષ્ટ થઇ ગયા, પ્રેમ ગમે તેટલો અપાય અને મેળવાય, એ અધૂરો જ રહે છે. એ પરમાત્મા જેવો છે - ગમે તેટલો વિકસે, પૂર્ણથી પૂર્ણતર થતો જાય છતાં વિકાસ જારી રહે છે. જાણે કે પ્રેમનું જે અધૂરાંપણું જ એની શાશ્વતતા છે. એ ઘ્યાનમાં રાખવાનું છે કે જે ચીજ પૂરી થઈ જાય છે, એ મરી જાય છે. પૂર્ણતા મૃત્યુ છે, કેમકે પછી શેષ કંઈ કરવાનું-થવાનું બાકી રહેતું નથી. આગળ કોઈ ગતિ ન રહી. જે ચીજ પૂર્ણ થઈ મરી જ જશે, કેમકે પછી શું થશે? એ જ જીવી શકે છે, જે શાશ્વતરૂપે અપૂર્ણ છે, અધૂરું છે, અડધું છે. તમે એને ગમે તેટલું ભરો, એ અધૂરું જ રહેશે. અડધા હોવું એની પ્રકૃતિ છે. તમે ગમે તેટલા તૃપ્ત થતા જાઓ છતાં તમે અનુભવશો કે દરેક તૃપ્તિ છેવટે તો તમને અતૃપ્ત જ કરી જાય છે. તમે જેટલું પીશો એટલી તરસ વધતી જશે. આ એવું જળ નથી કે તમને પીધાં પછી સંતોષનો અનુભવ કરાવે. આ એવું જળ છે જે તમારી તરસને વધુ ભટકાવશે. એટલે જ પ્રેમી ક્યારેય તૃપ્ત નથી થતો. અને એટલે જ એના આનંદનો કોઈ અંત નથી, કેમકે ચીજ પૂરી થાય છે ત્યાં આનંદનો પણ અંત આવી જાય છે. તો કબીર કહે છે ૅં ઢાઈ અક્ષર પ્રેમ કા... તેઓ પ્રેમના અઢી અક્ષર પ્રત્યે ઈશારો તો કરે જ છે, ઊંડો ઈશારો છે પ્રેમના અડધાપણા પ્રતિ. પ્રેમી અને પ્રેયસી વચ્ચે એક અદ્રશ્ય આંદોલન છે, એક સેતુ છે - જેનાથી એ બન્ને જોડાઈ ગયાં છે, એક થઈ ગયાં છે.

ઓશો વાટિકામાં સન્યાસ મહોત્સવ

રાજકોટ,તા. ૨૪ : ઓશોએ બાવન વર્ષ પૂર્વે ૨૬ સપ્ટેમ્બરે સન્યાસ આપવાનું શરૂ કર્યું હતું. આ પ્રસંગ અન્વયે દેશભરમાં સન્યાસ ઉત્સવ આયોજિત થાય છે. મા ધ્યાન રસીલીએ જણાવ્યું હતું કે, વાગુદડ ખાતે ઓશો વાટિકામાં સ્વામી ચૈતન્ય કીર્તિજીના સાનિધ્યમાં સન્યાસ મહોત્સવ -શિબિર ચાલી રહી છે. સોમવારે શિબિરની પૂર્ણાહુતિ થશે.

 

રશિયામાં ઓશોએ પોતાના પુસ્તકો ચોરાવા દીધા!

રાજકોટ,તા. ૨૪: ઓશો સંન્યાસી ચૈતન્ય કીર્તિજીએ જણાવ્યું હતુ કે, એક વખત રશિયામાં ઓશો સાહિત્ય પ્રદર્શન આયોજિત થઇ હતી. ઘણા ગરીબ લોકો ઓશોના પુસ્તકો ચોરી જતા હતા.આ અંગે ઓશોને જાણ કરતા ઓશોએ કહ્યુ કે, પુસ્તકો ચોરતા હોય ત્યારે તમારૃં ધ્યાન નથી તેવો વર્તાવ કરો. જે ચોરતા હોય તેમને પ્રેમથી ચોરવા દો. આ પુસ્તકોએ બહાને પણ વંચાતા થવા જોઇએ. આ ઘટનાનું પરિણામ આજે જોવા મળે છે. રશિયામાં ઓશો વિચાર છવાયેલો છે. ત્યાં ઓશોના ૧૦૦ પુસ્તકો છપાયા છે.

 

કીર્ત નથી ઇન્સ્ટન્ટ ચિંતા મુકિત મળે

ચૈતન્ય કીર્તીજી સાથેની ઝલક

- ચૈતન્ય કીર્તીજી કહે છે કે, ઓશો કીર્ત નથી ઇન્સ્ટન્ટ ચિંતા મુકિત મળે. ધ્યાનથી ચિંતા મુકિત મળે. ધ્યાનથી ચિંતામુકત થતા વાર લાગે.

- ચૈતત્ય કીર્તિજીએ ઓશો પાસેથી સન્યાસ લીધા બાદ ૧૯૭૧માં ગુજરાતથી યાત્રા શરૂ કરી હતી.

- મુલાકાતમાં ચૈતન્ય કીર્તિજીએ રાજકોટના દિવ્યા મા, મુકિત મા, મા નિવોદિતા તથા મોરારજી દેસાઇના ભત્રીજી મા આનંદ મધુને યાદ કર્યા હતા. મા આનંદ મધુ પ્રથમ મહિલા સન્યાસી હતા.

- ઓશો મેનેજમેન્ટમાં મહિલાઓને પ્રાધાન્ય આપતા હતા. મેનેજમેન્ટમાં ૬૦ ટકા મહિલાઓ હતી. ચેૈતન્ય કીર્તીજી કહે છે કે, ઓશો ભાવવાહી મેનેજમેન્ટના આગ્રહી હતા. આજે પુના આશ્રમમાં કોઇ મહિલા નથી જે દુઃખદ છે.

- ઓશો કૃષ્ણ જેવા સન્યાસ ઇચ્છતા હતા.સન્યાસી  નાચતા-ગાતા અને કિએટીવ હોવા જોઇએ.

- પૂના આશ્રમ છોડયા બાદ ચૈતન્ય કીર્તિજીએ ઓશો વર્લ્ડ મેગેઝિન શરૂ કર્યુ હતું, જેનું વિમોચન અટલજીએ કર્યુ હતું. આ મેગેઝિનનાં નામ સામે પૂના આશ્રમ પર કબ્જો જમાવનારે કેસ કર્યો હતો. પણ કોર્ટમાં તેમનો પરાજય થયો હતો.

ઓશો બાદ ગુલામ જેવી દશા લાગતા આશ્રમ  છોડયો

ઓશોએ ક્રાંતિ આરંભી હતી, અંગ્રેજ લોકોએ તેના વ્યવસાય બનાવીને પાપ કર્યું છે

ઓશોની બૌધ્ધિક સંપદાનો મામલો હાઇકોર્ટમાં છે

હું વિશ્વાસથી પૂના આશ્રમ સાથે સંકળાયેલો હતોઃ ઓશો બાદ આશ્રમ પર કબ્જો કરનાર મને કર્મચારી જેવો ગણવા લાગ્યા હતા. ઓશોએ કયારેય કોપીરાઇટની વાત કરી ન હતી. આ લોકો કોપીરાઇટ મેળવીને વેચાણ કરે છેઃ ચૈતન્ય કિર્તિજી

રાજકોટ તા. ર૪: ઓશોના અંતિમ સમય સુધી સાથે રહેલા સ્વામી ચૈતન્ય કિર્તિજીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ઓશો-પુના આશ્રમ સાથે સમર્પણ ભાવ અને વિશ્વાસથી સંકળાયેલા હતા.  ઓશોએ શરીર છોડયા બાદ પણ અમારો ભાવ અંકબંધ હતો અમુક લોકોએ આશ્રમ પર કબજો જમાવ્યાનું મહેસુસ થવા લાગ્યું મને પણ ગુલાબ હોઉં તેવું લાગવા માંડયું કબ્જો જમાવનારા મને આશ્રમના કર્મચારી રૂપે જોવા લાગ્યા હતા પ્રેસનોટ મોકલવા માટે પણ પરમીશન જરૂરી બની.

સ્વામીજી કહે છે કે પુના આશ્રમનું નિર્માણ થયું  એના ત્રણ વર્ષ પૂર્વે હું ઓશો સાથે જોડાઇ ગયો હતો. સહજ મેનેજમેન્ટ અને અનુકુળ જવાબદારી હતી. ઓશોએ દેહ છોડયા બાદ બધુ જ કંપની જેવું લાગવા માંડયું આ કારણે અમે ઓશો આશ્રમ છોડવા મજબુર થયા.

સ્વામીજીએ જણાવ્યું હતુ કે ઓશો મેગેઝીન કે પુસ્તકની કોસ્ટ પ્રાઇઝના જ આગ્રહી હતા ઓશો બાદ જે લોકોએ આશ્રમ પર કબ્જો કર્યો છે એ  પૈસા બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે ઓશોએ આધ્યાત્મિક ક્રાંતિ સર્જી હતી. જેને આ લોકોએ વ્યવસાય બનાવી દીધો છે. અંગ્રેજ સ્વામીઓએ ઓશો સંપદા પર યેનકેન પ્રકારે અધિકાર મેળવીને પાપ કર્યું છે. આ લોકો વિદેશમાં ઓશો ક્રાંતિનો ફેલાવો ન કરી શકયા વ્યવસાય કરે છે. ઉપરાંત આશ્રમમાં આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. ઓશોએ કયારેય કોપીરાઇટની વાત કરી નથી. આ લોકો ઓશો બૌધ્ધિક સંપદા પર કોપીરાઇટ મેળવીને ધંધો કરે છ.ે ઉપરાંત મુળ સાહિત્યમા પણ ગંભીર ફેરફારો કરે છે. ફકરાડીલીટ કરે છે. એક પુસ્તકમાંથી  અઢી લાખ શબ્દો ઓછા થયાનું અમે તારણ કાઢયું છે પુસ્તકોના ટાઇટલ પણ બદલી નાખે છે.

ઓશો ઉદાર દિલ હતા, પણ પોતાના સાહિત્યમાં ફેરફાર થાય તેવું ઇચ્છતા ન હતા. ઓશોની સહી કરેલા ચિત્રો દોરેલા પુસ્તકો આ લોકોએ ગાયબ કરી નાખ્યા છે.

સ્વામીજી કહે છે કે, પ્રવચન આપતી વખતે ઓશો જે ચેરનો ઉપયોગ ૧૦ વર્ષ કર્યો એ ચેર પણ ગાયબ કરી દેવાઇ છે. આ લોકોએ ઓશો શબ્દનો અર્થ બદલી નાખ્યો છે. આશ્રમને રિસોર્ટરૂપે રજૂ કરીને વલ્ગર જેવો પ્રચાર થાય છે. ચૈતન્ય કિર્તીજી કહે છે કે, ઓશોએ રૂા. ૧ માં ન્યુઝ લેટર શરૂ કર્યું હતું. એ મોટા મેગેઝિન સ્વરૂપ બન્યું ત્યારે પણ માત્ર રૂા. પાંચ કિંમત રાખી હતી. ઓશો સાહિત્યને કમાણીરૂપે જોતા ન હતા. વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેવો ઉદ્દેશ હતો સ્વામીજી કહે છે કે, હાલ ઓશોના નામે વ્યવસાય જ ચાલે છે. જયેશજી મુખ્ય બળવાખોર છે, ઓશોના નામે કમાયેલા પૈસા કયાં વપરાય છે તેની ઘોષણા નથી કરતા.

વિદેશમાં પણ ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન નામ રાખીને આ લોકોએ મોટો ભ્રમ પેદા કર્યો છે. આ લોકોના એડ્રેસના પણ ઠેકાણા નથી. ન્યુયોર્ક બાદ હવે આયરલેન્ડથી હેન્ડલ થાય છે.

(3:12 pm IST)