Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ જિલ્લામાં નવરાત્રી દરમ્યાન શેરી, સોસાયટી, ફ્લેટમાં રાત્રીના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં ગરબા આયોજન કરી શકશે : ગરબીની ઉજવણીમાં ભાગ લેનારે કોરોના વેકસીનના ૨ ડોઝ લીધેલ હોવા જોઈએ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટનસનું અમલ કરવાનું રહેશે

રાજકોટ :  જિલ્લામાં નવરાત્રિ  દરમ્યાન રાત્રીના ૧૨ કલાક સુધી શેરી ગરબા સહિતની માર્ગદશિકા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

રાજકોટ, તા. ૨૭ સપ્ટેમ્બર ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૪/૦૯/૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-Bથી કેટલીક વધુ પ્રકારની છુટછાટો આપવામાં આવેલ હોય કેટલીક પ્રવૃતિઓ કરવા નિયંત્રણો મુકવામાં આવેલ હોય રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ કોરોના સંક્રમણને ધ્યાને લઇ કેટલાક નિયંત્રણ મુકતુ જાહેરનામું તા.૨૪/૦૯/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરેલ છે.

        જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીની પુર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા-સરધસ,સંમેલન કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં. આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં

        કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઇપણ વ્યકિતએ જાહેર સ્થાળોએ- સરકારી કચેરીઓએ કે આસપાસ-જાહેર રોડ રસ્તાઓ પર, શેરી બંધ ગલીઓમાં એવા કોઇપણ સ્થળોએ ઘરણા આંદોલન કરવા નહીં. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇન પાલન કરવાની શરતે નિયમ Sopને આધિન ચાલુ રાખી શકશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ ૪૦૦ વ્યક્તિઓની મંજુરી રહેશે. અંતીમ ક્રિયા માટે મહતમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય-સામાજિક શૈક્ષણિક, સંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો તેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે નિયત sopને આધીન ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યક્તિઓ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના  ૫૦ ટકા મહતમ ૪૦૦ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

        નવરાત્રિ દરમ્યાન રાત્રીના ૧૨ કલાક સુધી શેરી સોસાયટી ફલેટમાં  ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે

        ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેકસીન બે ડોઝ લીધેલ હોવા જોઇએ. આવા આયોજનમાં લાઉડ સ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રિમ  કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે. પરંતુ પાર્ટી પ્લોટ, કલબ,ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જયાં કોમર્શીયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણી પરવાનગી આપવામાં આવશે. નહીં. તમામે  માસ્ક, ફેસ કવર પહેરવા સોશિયલ ડીસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવાનું  રહેશે.

        આ હુકમની અમલવારી તા.૨૫/૦૯/૨૦૨૧ સવારના ૬=૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૬ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામુ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(8:35 pm IST)