Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

નવરાત્રીમાં રાત્રે ૧ર સુધી શેરી-સોસાયટી-ફલેટમાં ગરબા યોજી શકાશેઃ ૪૦૦ની મર્યાદા

રસીનાં બંન્ને ડોઝ લેનારા જ ગરબામાં ભાગ લઇ શકશેઃ લાઉડ સ્પીકર માટે ધ્વની નિયંત્રણનાં નિયમો પાળવાનાં રહેશેઃ કલેકટરનું જાહેરનામુ

રાજકોટ તા. ર૭ :... કોવિડ-૧૯ નાં નિયમોમાં છૂટછાટ અંગેનું જાહેરનામુ જીલ્લા કલેકટરશ્રીએ પ્રસિધ્ધ કર્યુ છે. જેમાં નવરાત્રી મહોત્સવની છૂટછાટ અંગે જણાવાયુ છે કે રાત્રે ૧ર સુધી ગરબા યોજી શકાશે. પરંતુ ૪૦૦ વ્યકિતની મર્યાદામાં અને રસીનાં બે ડોઝ લેનારા માટે જ આ છૂટછાટ છે.

જાહેરનામા મુજબ નવરાત્રી દરમિયાન રાત્રીના ૧ર કલાક સુધી શેરી, સોસાયટી ફલેટમાં ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પુજા, શરદપૂર્ણીમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેકસીનનાં બે ડોઝ લીધેલ હોવા જોઇશે. આવા આયોજનમાં લાઉડ-સ્પીકર-ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જયાં કોમર્શીયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

ઉપરાંત અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.

આ જાહેરનામુ ૧૦ ઓકટોબર સુધી અમલમાં રહેશે. રાત્રી કર્ફયુ યથાવત રખાયો છે.

(4:37 pm IST)