Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શહેરને પીવાનું પાણી પુરૃં પાડતો ભાદર ડેમ ઓવરફલો થતા પદાધિકારીઓમાં હરખની હેલી

રાજકોટઃ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, તથા વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો આજી-ન્યારી અગાઉ ઓવરફ્લો થઇ ગયેલ. જયારે આજરોજ ભાદર ડેમ ઓવરફ્લો થયેલ હોય પદાધિકારીશ્રીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ છે. ચોમાસાની ઋતુ જુન, જુલાઈ અને ઓગસ્ટની શરૂઆતમાં સંતોષકારક વરસાદ થયેલ નહિ ત્યારે પીવાના પાણી માટે સંકટ ઉભું થયેલ. પરંતુ ચોમાસાની ઋતુના અંતમાં મેઘરાજાની કૃપાથી ત્રણેય ડેમો ઓવરફ્લો થતા પીવાના પાણીનું સંકટ દુર થયેલ છે. હાલમાં બે દરવાજા એક ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે. ૧૯૬૫માં ભાદર ડેમ નિર્માણ પામેલ છે. અત્યાર સુધીમાં ૨૪ વખત ઓવરફ્લો થયેલ છે. ભાદર ડેમ ઓવરફ્લો થતા સિંચાઇ માટે પણ ખેડૂતોને પાણી મળી રહેશે અને રાજકોટ શહેરને આખું વર્ષ પીવાનું પાણી મળી રહેશે તેમ અંતમાં પદાધિકારીશ્રીએ જણાવેલ.

(3:41 pm IST)