Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વડીલ માવતરોના દીકરા બનીને શ્રવણ જેવું કાર્ય કરતા ''દીકરાનું ઘર'' વૃધ્ધાશ્રમનો ર૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ર૭: ઢોલરા ગામ સ્થિત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ આજે તેના વડીલ વંદના અને શ્રવણરૂપી અવિરત સેવાયાત્રાના ર૩ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની આ સેવા બે દાયકાની સફરની આછેરી માહિતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, નિદતભાઇ બારોટ અને અનુપમ દોશીએ જણાવ્યું કે બરાબર આજથી ર૩ વર્ષ પહેલા ભેગા થયેલા અમારા જેવા આંગણીના વેઢે ગણી શકાય તેવા ચુનંદા તરવરીયા અને સમાજ માટે કાંઇક કરી છૂટવાની ભાવના સાથે સમાજને અર્પણ કરવાના એકમાત્ર આશયથી ભેગા થયેલા નવયુવાનોએ ધરતીપુત્રોના ઐતિહાસિક ગામ ઢોલરા ખાતે ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી. આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ કળીયુગી સંતાનોથી દુભાયેલા, તરછોડાયેલા વડીલ માવતરો તેમજ જેમને સંતાન નથી અથવા તો સંતાનમાં માત્ર પુત્રીઓ છે અને જેમની પાછોતરી જિંદગી નિરાધાર અને નિઃસહાય બની શકે તેમ હતી તેવા માતા-પિતાઓ આજે છેલ્લા ર૩ વર્ષથી આનંદ કિલ્લોલથી એક સાથે અનેક સંતાનો અને શહેરી શ્રેષ્ઠીઓ, દાતાઓની હૂંફ અને લાગણી સાથે જિંદગીનો આ સ્વાદ માણી રહ્યા છે.

વૃદ્ધાશ્રમની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપતા સંસ્થાના સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા તથા ઉપેનભાઇ મોખદીએ જણાવ્યું હતું કે આજે રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત અને સમગ્ર ભારત સહિત દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની છેલ્લા ર૩ વર્ષમાં સાત લાખથી વધુ લોકોએ સહર્ષ મુલાકાત લીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રીઓ, વિવિધ રાજયના ગવર્નરો, સાધુ-સંતો, મહાસતીજીઓ, સાધ્વીજીઓ, વિદેશી પર્યટકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સંસ્થાની મુલાકાતે પધારી ચુકયા છે.

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા વડીલ માવતરોની ભાવવંદના સાથે પશુ-પક્ષીઓ માટેનું હરતું ફરતું અન્ન ક્ષેત્ર કલરવ દર વર્ષે શહેરની વિશિષ્ટ પ્રતિભાઓને ગારડી એવોર્ડથી સન્માન, ગરીબ નિરાધાર બાળકો માટે શૈક્ષણિક શિષ્યવૃતિ, થેલેસેમિક બાળકો માટે રકતદાન કેમ્પ, સાયકલ વિતરણ, આનંદ મેળો, પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ નિરાધાર અને અનાથ દીકરીઓનો છેલ્લા બે વર્ષથી અતિભવ્ય લગ્નોત્સવ ''વહાલુડીના વિવાહ''નું આયોજન, ગરીબ વિધવા બહેનોને સિલાઇ મશીન વિતરણ, વિવિધ તહેવારોમાં મીઠાઇ તથા અનાજની કીટનું વિતરણ, ચક્ષુદાન, દેહદાન, રકતદાન અને થેલેસેમિયા જનજાગૃતિનો વ્યાપક પ્રચાર પ્રસાર, મેડીકલ સાધન સહાય સહીત અનેક પ્રવૃતિઓ છેલ્લા ર૩ વર્ષથી દાતાઓના દાનથી અવિરત ચલાવવામાં આવી રહી છે.

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની વિશેષ માહિતી આપતા હરેશભાઇ પરસાણા, અશ્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, સુનિલ મહેતા, કિરીટભાઇ, પટેલ, પ્રજ્ઞેશભાઇ પટેલ, રાકેશ ભાલાળાએ જણાવ્યું કે સંસ્થામાં રહેતા વડીલ માવતરોને પોતાના ઘર કરતા વિશેષ સુખ-સુવિધા મળી રહે તે માટે સંસ્થા પરિવાર સમર્પણ ટીમ-દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ માવતરોની બે દાયકાથી નિઃસ્વાર્થ સેવા કરી રહેલ છે.

વધુમાં માહિતી આપતા વસંતભાઇ ગાદેશા, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, જયેશ સોરઠીયા, દિપકભાઇ જલુ, ધર્મેશ જીવાણી, હરેનભાઇ મહેતા, શૈલેષ જાની, ઘનશ્યામભાઇ રાચ્છ સહિતના આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે ''દીકરાનું ઘર'' ની અનેક સેવા પ્રવૃતિઓમાંની સમાજમાં સ્વીકૃત પ્રવૃતિ એટલે ગરીબ નિરાધાર માતા-પિતાના છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરાઓના વહાલુડીના વિવાહ શિર્ષક હેઠળ ધામધુમથી લગ્ન... આવી દીકરીઓને સમૃદ્ધ કરીયાવર અર્પણ કરી તેમનાં જીવનમાં ખુશી લાવવાનો પ્રયત્ન થાય છે. ''દીકરાનું ઘર'' દ્વારા સતત ચોથા વર્ષે આ લગ્ન યોજાનાર છે. અત્યાર સુધીમાં ૬૬ દીકરીઓના લગ્ન ધામધુમથી યોજાયા છે. ચાલુ વર્ષે વધુ રર દીકરીઓના લગ્ન યોજાશે.

(3:37 pm IST)