Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

બપોરે વાહન સામ સામે આવી જતાં ડખ્ખો થયો સાંજે સમાધાનમાં ભેગા થયા ને હુમલો

અટિકા આહિર ચોકમાં વિજયસિંહ જાડેજા અને મિત્ર કિશન ડવ પર સનીયો ભરવાડ સહિત ત્રણ જણા છરી ધોકાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૭: બાબરીયા કોલોની પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં દરબાર યુવાનને બપોરે તે બાઇક લઇને જતાં હતાં ત્યારે સામે છોટા હાથી લઇને ભરવાડ શખ્સ આવી જતાં ચડભડ થઇ હતી. એ પછી સાંજે આહિર ચોક પાસે બધા સમાધાન માટે ભેગા થયા ત્યારે ફરી માથાકુટ થતાં  દરબાર યુવાન અને તેના મિત્ર આહિર યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ભકિતનગર પોલીસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અને ઘરઘંટીની દૂકાન ચલાવતાં વિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી સનીયો ડાભી (ભરવાડ), ગોધીયો ભરવાડ અને એક અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

વિજયસિંહના કહેવા મુજબ પોતે રવિવારે બપોરે હરિ ધવા માર્ગ ડી માર્ટ પાસે બાઇક લઇને જતાં હતાં ત્યારે  સનીયો છોટાહાથી વાહન લઇને માથે આવી જતાં તેને ધ્યાન રાખી ચલાવવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. એ પછી સાંજે બધા આહિર ચોકમાં સમાધાન માટે ભેગા થયા હતાં. આ વખતે સનીયો સહિત ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ છરી-ધોકાથી હુમલો કરતાં વિજયસિંહને અને તેના મિત્ર કિશન ઘનશ્યામભાઇ ડવને ઇજા થઇ હતી. હેડકોન્સ. એન. એલ. ચાવડા અને તરૂણભાઇએ ગુનો નોંધ્યો હતો. આગળની તપાસ પીએસઆઇ એસ. એન. જાડેજા તથા રણછોડભાઇ ચલાવી રહ્યા છે.

(3:29 pm IST)