Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કવિ કરસનદાસ લુહારે શબ્દલિલા સંકેલી

તારી ઉંચાઈ કોઈ દિ'માપી શકયો નથી, ને એટલે હું તુજ મહિં વ્યાપી શકયો નથી

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !

અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;

મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-

ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-

મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;

ગઈ ડાળી સુકાઈ તે છતાંય કયાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;

ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

- કરસનદાસ લુહાર

પોતાના વિશે પ્રમાણમાં ઓછું બોલનારા, પરંતુ કવિતાના પંડમાં રહીને મર્મીલું બોલનારા કવિ એટલે કવિ શ્રી કરસનદાસ લુહાર. તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ને સોમવારે ૮૦ વર્ષે ટુંકી બીમારી બાદ તેમણે દુનિયાને અલવિદા કહી. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે તેમના મહુવાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઇચ્છા હતી તે મુજબ પરિવારજનો દ્વારા દેહદાન કરાયું હતું. ગુજરાતી ગઝલના છેલ્લા સાંઇઠેક વરસથી ઉપાસી રહેલા કવિ કરસનદાસ લુહાર 'નિરંકુશ' હવે આપણી વચ્ચે નથી. કરસનદાસ લુહાર નો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૪૨ ના રાણીવાડા, જિ. ભાવનગર માં થયો હતો. ઉપનામ એમનું 'નિરંકુશ', પરંતુ કાવ્યકલાના અંકુશ બહાર જવાનું પસંદ ન કરે એવી અદબવાળા કવિ તેઓ હતા.

શાંતિ અને અહિંસાનો ગાંધીમાર્ગ એ જીવનનો રાજમાર્ગ છે અને તેનાથી જ મારી સાહિત્યયાત્રા પ્રાથમિક શિક્ષક તરીકે નિવૃત્ત્। થયા બાદ અવિરત ચાલતી રહી છે.. આ શબ્દો છે એક એવા શિક્ષકના કે જે પી.એચ.ડી., એમ.ફિલમાં એક વિષય બન્યા હતા. મહુવા તાલુકાના રાણીવાવ ગામના કરસનદાસ લુહારને ગાંધી જીવને એક અનોખા શિક્ષક બનાવ્યા હતા. આ કવિએ પી.ટી.સી. કરીને શિક્ષણ ક્ષેત્રને અપનાવ્યું સાથો સાથ શબ્દની સાધના કરતા રહ્યા. કરસનદાસે ૩૮ વર્ષ સુધી શૈક્ષણિક કાર્ય કર્યું. ૯ કાવ્ય સંગ્રહો અને ૫૫ પુસ્તકોનાં સર્જક તરીકે તેઓ સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકોથી સન્માનીત થયા હતા. તેમના સાહિત્યસર્જનમાં શાંતિ, અહિંસા, ગાંધીજીવનની હંમેશા છાંટ રહી છે. જીવનભર ગાંધીમાર્ગે ચાલીને કોઈ શિક્ષક પીએચડી, એમફિલનો વિષય બન્યા હોય તે વિરલ ઘટના છે અને તેના માટે તેઓ પોતાના સંપૂર્ણ કર્તૃત્વને શાંતિ, અહિંસાને કેન્દ્રબિંદુ બનાવ્યાને શ્રેય આપતા.

કરસનદાસ લુહાર ની અટક આમતો ચિત્રોડા છે પરંતુ લુહાર જ્ઞાતિ માં જન્મ થયો હોવાનો તેમને સદાય ગર્વ રહેતો. આ કારણોસર તેઓએ અભ્યાસકાળ દરમિયાન સાહિત્ય સર્જન શરૂ કર્યું ત્યારથી પોતાના નામ પાછળ 'લુહાર'  લગાડી જ્ઞાતિ ગરિમા વ્યકત કરી હતી. તેમણે મોટેરાં ને બાળકો ય માણી શકે એવાં અનેક સુંદર કાવ્યો આપ્યાં છે. 'જય જવાન' (૧૯૬૮), 'લીલો અભાવ'(૧૯૭૪), 'જળકફન' (૨૦૦૦), 'ધૂપિયુ' (ગઝલ ગીત સંગ્રહ), 'એક મુઠ્ઠી આકાશ'(સંપાદિત કાવ્ય સંગ્રહ), 'ચાંદ તારા સૂરજ', 'મજા પડી ભાઇ મજા પડી!', 'ચાલો રમીએ એન ઘેન','સસલાભાઇએ ખાધી છીંક' (કથાગીત અને પાત્ર ગીત સંગ્રહ), 'ચાલો અંતાક્ષરી રમીએ', 'અમે બધાય એક છીએ', વગેરે બાર જેટલા પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકથી વિભૂષિત થયા છે. કરસનદાસ લુહારનું વિશેષ કાવ્ય સર્જન, કાવ્યગ્રંથો, ગઝલો અને બાળ સાહિત્યમાં અદભૂત યોગદાન રહ્યું છે. એમણે ગઝલમાં પણ કલમ ચલાવી છે. સુંદર ગઝલ, કાવ્યો અને મુકતકો એમના ભાથામાં છે.

જીવનને પામવાની - સમજવાની મથામણ તેમના સર્જનોમાં દ્રશ્યમાન થતી. નમ્રતા, વિનમ્રતા અને સહિષ્ણુતા એમના જીવનના પરમ ગુણધર્મો હતા. તેઓ વિશાળ ચાહકવર્ગ ધરાવતા હતા. તેઓએ મહુવા તાલુકાના સાવ છેવાડાના તદન પછાત ગામડાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવેલી. પરિણામે ૧૯૮૦ માં ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે તેઓનું  સન્માન થયેલું. ૧૯૯૮ માં પૂ. મોટા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ૧૯૯૯માં શેર એન્ડ કેર ફાઉન્ડેશનનો સિસ્ટર નિવેદિતા એવોર્ડ અને વિશ્વકર્મા પંચાલ સમાજ તેમજ ગાંધીનગરનાં સી.બી.પંચાલ શ્રેષ્ઠ એવોર્ડથી તેઓ વિભૂષિત થયેલા.

કરસનદાસ લુહાર ૧૦૦થી વધુ પુસ્તકોના લેખક, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અનેકવિધ એવોર્ડઝ અને પુરસ્કારોથી સન્માનિત, રેડીઓ - ટીવી આર્ટિસ્ટ, કોલમિસ્ટ, પત્રકાર, આજીવન કેળવણીકાર અને વિશેષ કાવ્ય સર્જન તથા બાલ સાહિત્યમાં તેઓનું વિશેષ યોગદાન રહ્યું છે. ભાવનગરના સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકમાં તેમની કોલમ 'અંતિમ ઉદ્દગાર' અને નાના માણસની મોટી વાતો લાંબો સમય ચાલેલી અને લોકપ્રિય પણ બનેલી. નવોન્મેષપૂર્ણ અભિવ્યકિત, સરળ વાણીમાંય ઊંડાણ અને ઊંચાઈ તેમજ બળકટ ભાવ-સંવેદનો, તાજગીસભર કલ્પન/પ્રતીકોનો વિનિયોગ અને માનવ-નિયતિનું ચિંતનસભર આલેખન એ આ કવિના કેટલાક આગવા વિશેષણો રહ્યા. શિક્ષક તરીકે નિવૃતિ બાદ કરસનદાસ લુહારે પ્રાથમિક શિક્ષકોના તાલિમ વર્ગમાં ભાષાતજજ્ઞ તરીકે સેવા આપી હતી. ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં પરામર્શક તરીકે સેવા આપી. આકાશવાણી, દુરદર્શનમાં અનેક કાર્યક્રમો પણ આપ્યા, અનેક કવિ સંમેલનો-સેમિનારોમાં ભાગ લઇ પોતાનું આગવું યોગદાન પણ આપ્યું છે. સાહિત્ય-કાવ્ય સર્જન વિશેષ પ્રમાણમાં છતાં તમામ પ્રકાશનો પર કલમ ચલાવી હતી. તેઓની કૃતિઓના હિન્દી, ઉર્દુ અને અંગ્રેજીમાં પણ અનુંવાદ થયા છે. મહુવા ખાતે કૈલાશગુરૂકૂળમાં પ્રતિવર્ષ આયોજીત થતા અસ્મિતા પર્વમાં બે વખત કરસનદાસ લુહાર દ્વારા કાવ્યપઠન કરાયું છે. પૂજય મોરારિબાપુના પ્રીતિપત્ર સાહિત્યકાર માના એક કરસનદાસ લુહારને ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતેષ ૨૦૧૩ (વિધ્યાથીં વાર્તાકુંજ માટે), ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતેષ ૨૦૧૭ (સસલાભાઈએ ખાધી છીંક માટે) અને અંજુ નરસિંહ લાઈફ ટાઈમ  એવોડ્ ૨૦૧૯થી નવાજવામાં આવ્યા હતા.

ગુજરાતી સાહિત્ય જગતમાં કરસનદાસ લુહારની વિદાયથી મોટી ખોટ પડી છે. તેઓના પરિવારમાં પત્નિ પુષ્પા બહેન, ચાર પુત્ર પીયૂષભાઇ, સંજયભાઇ, વિસ્મયભાઇ તેમજ વિપ્લવભાઇ છે. સાહિત્ય પ્રત્યે કરસનદાસ લુહારનું અદકેરૂ યોદાન સદાય આપણા સંસ્મરણોમાં જીવંત બની ધબકતું રહેશે. પંચત્વમાં ભળી ગયેલ એ કલમચેતનાને વિનમ્ર નમન. (પીયૂષભાઇ લુહાર  - ૭૦૪૮૪૩૨૧૬૫) (૩૦.૧૦)

કવિશ્રી કરસનદાસ લુહારના કેટલાક સશકત શેર

 ચોપાસ તાપણાંની ટોળે વળે શિયાળો,

તડકાના કામળાઓમાં સળવળે શિયાળો

ન્હાતી કપાસ કેરાં કાલાં તણી ધવલતા,

ખેતરમાં દૂધ જેવો આ ખળખળે શિયાળો

 મારા સ્મરણપ્રદેશની લીલાશ છો તમે,

ને શુષ્ક શ્વાસમાં ભળી ભીનાશ છો તમે.

માળાની ઝંખના નથી મારાં વિહંગને,

મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે.

 મોસમ વગરની માટીમાં જે વાવવું પડે,

ઊગે પછી, એ મન વગર નિંદાવવું પડે.

યત્નો છતાંય પણ જે લખાતું નથી હજી,

યત્નો પછી એ કોઈને વંચાવવું પડે.

 વાત ભીંતોને જ પથ્થર વાગવા જેવી હતી,

એક ઘટના ઘર તજીને ભાગવા જેવી હતી.

હાથ હમેશા રહ્યો ઉપર છતાં વિવશ રહ્યો,

આપવાની એષણા પણ માગવા જેવી હતી.

 એક સંશય આપણી વચ્ચે રહે છે,

ભય વગર ભય આપણી વચ્ચે રહે છે

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,

એ પરાજય આપણી વચ્ચે રહે છે.

 લીરેલીરાં થઈ ગયો છે આજકાલ એ,

વૃક્ષોના હાથમાં હતો લીલો રૂમાલ જે.

 પંખીનું ટોળું થઈ અને બેઠું હશે ગગન,

આ વૃક્ષ જુઓ, કેટલું નીચું નમી ગયું?

 વસંતી સાંજ વેળા બાગમાંથી બા'ર નીકળતાં -

કહે 'સુસ્વાગતમ્' જો રણ, સહન કરજે ભલા માણસ !

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

 

મહુવામાં બહેનો માટે સાહિત્ય સભાનું પ્રદાન

કરસનદાસ લુહારે વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા પણ પ્રદાન આપ્યું છે. દર મહિનાના પ્રથમ શનિવારે ગ્રામનિર્માણ સમાજની પ્રેરણાથી બહેનો માટે સાહિત્યસભા શરૂ કરી હતી. જેની અત્યાર સુધીમાં ૨૦૬ થી વધુ બેઠકો થઈ ચૂકી હતી. તેમાં કવિતાઓ લખવાની તાલીમથી માંડી પ્રોત્સાહનનું કામ તેઓએ કર્યું હતું.

(3:27 pm IST)