Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

હવે બીનજરૂરી કોરોના ટેસ્ટ બંધ : આરોગ્ય કેન્દ્રમાં જ તંત્ર ધ્યાન આપશે

૨૧ આરોગ્ય કેન્દ્રો પર પ્રભારી અધિકારીને ફરજ સુપ્રત : ફકત શંકાસ્પદ વ્યકિતના કોરોના ટેસ્ટઃ પોઝિટિવ દર્દીને ૩ હજારની ફેવિપેરાવીર ટીકડીઓનો કોર્ષ વિનામૂલ્યે કરાવી સાજા કરવાનું શરૂ

રાજકોટ તા. ૨૬ : શહેરમાં હવે ધીમેધીમે કોરોના સંક્રમણની અસરકારકતા ઓછી થતી હોઇ અને મોટાભાગના ટેસ્ટમાં માઇલ્ડ કોરોના પોઝિટિવ આવતા હોવાથી મ.ન.પા.ના તંત્રએ હવેથી આડેધડ ગમે તેને કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે અને માત્ર આરોગ્ય કેન્દ્રની સેવાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લેવાયો છે. આથી શહેરનાં તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રમાં ૨૧ પ્રભારી અધિકારીઓને ફરજ સોંપી દેવાઇ છે. હવે આ અધિકારીઓ વોર્ડમાં ફરવાને બદલે માત્ર આરોગ્ય કેન્દ્રમાં જ બેસશે.

મ.ન.પા.ના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ હવે માત્ર શંકાસ્પદ એટલે કે જે વ્યકિતને સતત ત્રણ દિવસથી તાવ ઉતરતો ન હોય, શરદી - ઉધરસ, શ્વાસમાં તકલીફ વગેરે હોય તેવા વ્યકિતઓનો જ કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે અને જે વ્યકિત પોઝિટિવ આવે તેના નજીકના સંપર્કવાળાનો ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ હવે મહત્વની સેવા શરૂ કરી છે. જેમાં કોરોના પોઝિટિવ આવેલ વ્યકિતને રૂ. ૩૦૦૦ની કિંમતની 'ફેવિપેરાવીર' ગોળીઓનો પાંચ દિવસનો કોર્ષ વિનામૂલ્યે કરાવવાનું શરૂ કરી દેવાયું છે. જેના કારણે દર્દીઓ જલ્દીથી ફરી સ્વસ્થતા કેળવી લેશે.

(2:55 pm IST)