Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નવા લઘુ ઉદ્યોગો સ્થાપવા યુવાનોને ૨૦૦ વાર જમીન-૧૦ થી ૨૫ લાખની આર્થિક સહાય-લોન આપવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની માંગણી

ગુજરાત સરકારમાં વેપાર અને સેવાક્ષેત્રના વિકાસ માટે વેપાર અને સેવા ખાતુ શરૂ કરીને કેબિનેટ કક્ષાના પ્રધાનની નિમણુંક કરવા હોદ્દેદારોની રજૂઆત

રાજકોટ તા.૨૭: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા હાલ જે રીતે બજારમા આર્થિક મંદીનો માહોલ સર્જાયો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સૂચનો કર્યા છે જે ટૂંકા ગાળાથી લાંબા ગાળે ખૂબજ ફાયદાકારક થઇ શકે તેમ છે.

તેમ પરાગભાઇ તેજુરા, વાઇસ પ્રેસીડેન્ટ મહેશ નગદીયા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ, રાજકોટ પ્રમુખ રાજુભાઇ ગોંડલીયા, લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશન પ્રમુખ મહેશભાઇ મહેતા, પ્રશાંતભાઇ ગોહેલ સહિતનાએ જણાવ્યુ છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા દ્વારા SVUM 2020 International Trade show નું ભવ્ય આયોજન રાજકોટ-સૌરાષ્ટ્રના લગભગ તમામ ઔદ્યોગિક સંગઠનો ના સહયોગથી કરાશે આ વર્ષે યોજાનાર ટ્રેડ શોમાં અમને દેશ વિદેશના અનેક સંગઠનો સહયોગી સંગઠન તરીકે જોડાઇને મદદ કરી રહ્યા છે. આ ટ્રેડ શોમાં સતત પાંચમાં વર્ષે પણ બ્રિટન (યુકે) પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલ છે.

આંતરરાષ્ટ્રીય સંગઠનો સપોર્ટિગ ઓર્ગેનાઇઝેશન તરીકે યુરોપ-ઇન્ડિયા એસએમઇ બિઝનેસ કાઉન્સિલ, ઇન્ડિયા-બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અફઘાનિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઇસરાયેલી ચેમ્બર ઓફ કોમર્સ જોડાયા છે. (૧) સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ અસોશિએશન, (૨)હડમતલા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન (૩)આજી જીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન. ડી.આઇ. (૪)જી (લોધિકા). સી.ડી.આઇ. (૫)ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનધી પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (૬)શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, (૭)ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસીએશન, (૮)ફેડરેશન ઓફ સોલાર મેનુફેકચર્સ એન્ડ ઇન્ટરમીડીઆરએસ, (૯)વાંકાનેર બામણબોર નેશનલ હાઇ વે ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, (૧૦) એસ.એમ.ઇ.ચેમ્બર ઓફ ઇન્ડિયા (૧૧)સૌરાષ્ટ્ર સિકયુરિટી અને સર્વેલન્સ એસોસિએશન (૧૨)ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (૧૩)ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આકિટેકટસ સૌરાષ્ટ્ર સેન્ટરનો સહયોગ મળ્યો છે. લઘુ ઉદ્યોગો ને એમડીએ સ્કીમ હેઠળ જે સબસીડી પ્રદર્શનમાં ભાગ લેવા માટે આપવામાં આવે છે તેના નિયમોમાં સુધારો કરવો ખુબજ જરૂરી છે. હાલના નિયમ મુજબ કોઇપણ ચેમ્બર કે એસોશિએશનના ૫ સભ્યો ભાગ લેતા હોવા જોઇએ અને તે ચેમ્બર કે એસોશિએશનના માધ્યમ થીજ અરજી કરાવી પડે. હાલના આ નિયમોને કારણે નાના શહેરો કે ઔદ્યોગિક વસાહતોમાં કાર્યરત એકમોને આ સ્કીમનો લાભ મળી શકતો નથી.  એકજ સંસ્થામાંથી ૫ સભ્યો ભાગના લ્યે તો જે ભાગ લઇ રહ્યા છે તેનો શું વાંક? આ અંગેની વિધિવત રજુઆત અમે ૨૦૧૭માં કરેલ અને સરકારશ્રીએ તે સ્વીકારેલ પરંતુ તેનો હજુ અમલ થયો નથી.

રાજકોટમાં પ્રદર્શનના આયોજન માટે NSICના ગ્રાઉન્ડમાં એક પ્રદર્શન હોલ બાંધી આપવો જરૂરી છે. વર્ષ દરમ્યાન લગભગ ૫ થી ૧૦ જેટલા પ્રદર્શનો ઘણી બધી અગવડતાવો હોવા છતાં યોજાય છે. વિદેશી પ્રતિનિધિ મંડળો પણ આપણા માટે યોગ્ય છાપ લઇને જઇ સકતા નથી. સરકારશ્રી જો જગ્યા ફાળવે તો અમે રાજકોટ ના સંગઠનો ના સહયોગથી બાંધકામનું ભંડોળ એકત્ર કરવા તૈયાર છીએ. આ બાબત અમે અન્ય સંગઠનો જોડે ચર્ચા પણ કરેલ છે અને સર્વેએ સંમતિ આપેલ છે.

વિદેશોમાં મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ શરૂ કરવા જોઇએ. અલ્પ વિકસિત કે વિકાશશીલ દેશો કે જે આયાત પર નિર્ભર છે ત્યાં કોઇ એક મોટી આયાતકાર કંપની સાથે કરાર કરીને ત્યાં એક વિશાલ જગ્યામાં આ પ્રકારના મોલ શરૂ કરી શકાય જેમાં ભારતીય કંપનીઓ પોતાનો માલ નિયત કરેલ વાર્ષિક ભાડું ચૂકવી ડિસપ્લે કરી શકે અને ત્યાંની આયાતકાર કંપની તેનું સંચાલન કરે, ત્યાંથી સ્થાનિક ગ્રાહકો માટે ઓર્ડર બુક કરી ભારતના ઉત્પાદકો પાસેથી માલ મંગાવીને પૂરો પાડે. આ સંચાલન વ્યવસ્થા માટે તે ભારતીય ઉત્પાદક કંપનીના માલ વેચાણ ઉપર પોતાનું કમિશન ચાર્જ કરી શકે. આનાથી ભારતીય ઉત્પાદકને નજીવા ખર્ચે પોતાના ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેચાણ કરી શકશે.૧૦૦ થી ૧૫૦ જેટલા આવા દેશો નક્કી કરી ત્યાંના ભારતીય દૂતાવાસને કામગીરી સોપીને દરેક દેશમાં ૫ થી ૧૦ જેટલા મોલ શરૂ કરવામાં આવે તો લગભગ ૧૦૦૦ મોલ શરૂ થઇ શકે તેમાં દેશના આશરે ૫૦૦૦૦નાના મોટા ઉત્પાદકોનો લગભગ ૧ લાખ કરોડનો માલ વેચાણનો લક્ષ્યાંક રાખી શકાય.

વિશ્વના અનેક દેશોમાંથી આપણે ખાદ્ય પદાર્થો આયાત કરીયે છીએ જેમાં કઠોળ મુખ્ય છે. આફ્રિકાના દેશોમાં ત્યાંની સરકાર કોર્પોરેટ ફાર્મિગ માટે ખુબજ નજીવા દરે ભાડા ભટ્ટા ઉપર જમીન આપે છે અમુક સરકારો ભાગીદારીમાં પણ કરવા તૈયાર છે તેવા સંજોગોમાં આપણાં લોકો ત્યાં ખેતી કરીને જે અનાજ ઉગે તે ભારતને નિકાસ કરે તો આપણું વિદેશી હુંડિયામણ બચી જાય અને આપણા લોકોને રોજગારી મળે અને તેની સમૃદ્ધિ પણ વધે. આફ્રિકાના ૫૪ દેશોમાં કરોડો એકર જમીન વણ વપરાયેલ પડી છે તેનો લાભ આપણે લઇ શકીયે અને આપણી જરૂરીયાતો પુરી પાડી શકીયે તેમ છીએ. આનાથી ત્યાંના લોકો સાથેના નિકાસ વેપારમાં પણ મોટો લાભ આપણા દેશને મળી શકે. આ બાબત ગુજરાત સરકારનું ખેતીવાડી ખાતું અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ખુબજ સક્રિય છે અને તાજેતરમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયેલ જેમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ શ્રી પરાગ તેજૂરા, ઉપ પ્રમુખ શ્રી મહેશ નગદીયા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટરશ્રી કે એસ રંધાવા, જનરલ મેનેજરશ્રી અભય જૈન જોડાયેલ અને આફ્રિકાના ૫ દેશઓ લીસોથો, સાઉથ સુદાન, મોરેશિયસ, ગીની અને સેનેગલના હાઇ કમિશ્નર સાથે વ્યકિતગત મીટીંગ કરેલ અને આગામી રાજકોટ ખાતે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી-ર૦ર૦ના રોજ રાજકોટ ખાતે યોજાનાર SVUM 2020 International Trade show માં આ દેશ સાથે કોર્પોરેટર ફાર્મિંગ માટે કરાર થશે.

આ કરાર થવાથી કૃષિ ક્ષેત્રના ઓજારો, ખતરો, દવાઓ અને ટેકનોલોજીના ક્ષેત્રને પણ મોટો લાભ મળશે.

ચીનના અનેક ઉત્પાદનોના ભાવ આપણા ઉત્પાદનો કરતા ઓછા હોવાને કારણે આપણે નિકાસમાં પાછળ છીએ પરંતુ જો ઉત્પાદનનો માટેની મશીનરીઓ, રો-મટીરીયલ, ટેકનોલોજી અને તે માટેના કુશળ કારીગરો આપણે પુરા પાડીને અલ્પવિકસિત કે વિકાસશીલ દેશમાં આવા પ્રકારના ઉત્પાદનો શરૂ કરાવીએ તો તેના અનેક ફાયદાઓ દેશને મળી શકે જેમકે મશીનરીની નિકાસ, ટેકનોલોજીની નિકાસ, આપણા કારીગરોને ત્યાં રોજગાર, ચીનના ઉત્પાદનોનું દેશોમાં વેચાણ ઘટે, આપણી જે તે દેશમાં રાજકીય અને આર્થિક વગ વધે, આપણી નિકાસમાં વૃદ્ધિ થાય વગેરે વગેરે.

રાજકોટમાં SVUM 2020 International Trade show વેપાર મેળાનું આયોજન કરીએ છીએ જેમાં ખાસ કરીને વિદેશ વેપાર વધારવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળો ને બોલાવવામાં આવે છે. આ મેળામાંૈ આવનારા વિદેશી પ્રતિનિધિ મંડળો પોતાના ખર્ચે આવે છે પરંતુ અમે તેના પ દિવસ રહેવા જમવા ના ખર્ચાઓ સંસ્થા ભોગવે છે જે લગભગ પ્રતિ વ્યકિત ૧૦ થી ૧પ હજાર રૂપિયા થાય છે. ગુજરાત અને સમગ્ર ભારતમાં જો આવા પ્રકારના આયોજનને પ્રોત્સાહન આપવામાં આવે તો નિકાલ વેપારને ખુબ જ વેગવાન બનાવી શકાય.

પ્રથમ તબક્કામાં વાપી, સુરત, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, રાજકોટ ભાવનગર, હિંમતગર, ગોધરા, જામનગર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી જેવા શહેરોમાં આયોજન કરી શકાય.

નવા લઘુ ઉદ્યોગ સ્થાપવા યુવાનોને ર૦૦ વાર જમીન અને ૧૦ થી રપ લાખની આર્થિક સહાય/ લોન આપવી જોઇએ. હાલનાં સંજોગોમાં માર્કેટમાં કેપિટલ ગુડસની ખરીદીને વેગ મળે અને નવી રોજગારીનું સર્જન થાય તે માટે નવા લઘુ ઉદ્યોગ સ્થપાય તે ખુબ જ જરૂરી છે. નવા ઉદ્યોગ શરૂ થતા તેમાં જરૂરી બાંધકામ અને મશીનરીઓ માટે બજાર ખુલશે અને રોજગારીનું સર્જન થઇ શકાશે.

ગુજરાત  વેપારીઓનું રાજય ગણાય છે પરંતુ વેપાર અને સેવા ક્ષેત્રના પ્રશ્નો સાંભળવા માટે કોઇ ખાતુ જ નથી કે જે વેપારના પ્રશ્નોનું સંકલન કરી એના નિરારણ માટે કાર્ય કરે એ સંજોગોમાં ગુજરાત સરકારમાં વેપાર અને સેવા ક્ષેત્રના વિકાસ માટે વેપાર અને સેવા ખાતું શરૂ કરી તેના કેબિનેટ કક્ષાના પ્રધાનની નિમણુંક કરવી અને વેપાર નીતિની પણ જાહેરાત થવી જોઇએ.

આ માટે સરકારના મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે ટેલિફોનિક ચર્ચા કરેલ અને તેમના સૂચન મુજબ આ અંગેની વિસ્તૃત ચર્ચાઓ શ્રી એમ. કે. દાશ-સચિવ શ્રી ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રીમતી મમતા વર્મા- ઉદ્યોગ કમિશ્નરશ્રી, શ્રી રાજકુમાર બેનીવાલ-મેનેજીંગ ડિરેકટર ઇન્ડેકસ બી., શ્રી યોગેશ નિરગુડે એમએસઅમઇ કમિશ્નર તથા હાલ માં જ નવા નિયુકત ઉદ્યોગ કમિશ્નર શ્ર રાહુલ ગુપ્તા જોડે કરેલ હતી.

આ તમામ મુદ્દાઓના અસરકારક અમલ માટે આફ્રિકા એશિયા ગુજરાત કોપોરેશન સમિટનું આયોજન પણ કરી શકાય., એમ આ આયોજનની સંપૂર્ણ જવાબદારીઓ સ્વીકારવા તૈયારી છીએ. તેમ પરાગતભાઇ તેજુરા વાઇસ પ્રેસીડેન્ટ, મહેશ નગદીવા, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ, રાજકોટ પ્રમુખ રાજુભાઇ ગોંડલીયા, લાખાજી રાજ રોડ વેપારી એશોસીએશન પ્રમુખ મહેશભાઇ મહેતા, પ્રશાંતભાઇ ગોહેલએ જણાવ્યું છે.

(4:00 pm IST)