Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ખોડલધામ નોર્થઝોનમાં ૬ હજાર ખેલૈયાઓ ગરબે રમશે

ગાયકો યુનુસ શેખ- હીના મીર- જય દવે- આરતી ભટ્ટ- હાર્દિક ડોડીયા- આરીફ ચીના અને એન્કરીંગ તરીકે મીરા દોશી મણીયાર સેવા આપશે : આઠમા નોરતે દીકરીઓ ખોડીયાર માતાજીના વિવિધ રૂપ ધારણ કરશેઃ છાત્રાલયની બાળાઓ દરરોજ વિનામૂલ્યે રાસે રમશેઃ ફાયરડ્રમ, વોટરડ્રમ આકર્ષણ જમાવશેઃ એલઈડી સ્ક્રીન, ચુસ્ત સિકયુરીટી વ્યવસ્થા

રાજકોટ,તા.૨૭: ખોડલધામ નોર્થઝોનમાં ૬ હજારથી વધુ ખેલૈયાઓ એકસાથે રાસે રમશે આ વખતે આઠમાં નોરતે દીકરીઓ ખોડીયાર માતાજીના વિવિધ સ્વરૂપ ધારણ કરશે. લાઈટો બંધ કરી મોબાઈલની લાઈટથી આરતી કરવામાં આવશે. સાથોસાથ બારદાનવાલા અને જામકંડોરણા છાત્રાલયની બાળાઓ માટે નિઃશુલ્ક રાસોત્સવ દરરોજ સાંજે ૭ થી ૯ યોજાશે.

 ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા સતત નવમાં વર્ષે રાજકોટના નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ મેદાનમાં પારિવારિક વાતાવરણમાં ૬ હજારથી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે થનગનાટ કરી  શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા અતિઆધુનિક મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવી છે. આ મ્યુઝિક સિસ્ટમના સથવારે ખ્યાતિ પ્રાપ્ત સિંગરો રાસ- ગરબાની રમઝટ બોલાવશે.

 ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના ખુણાના મેદાનમાં જાજરમાન આયોજન કરાયું છે. નોર્થ ઝોન  આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબાના સ્પેશિયલ સિંગર યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા, આરીફ ચીના, મિલન ગોહિલ ઓરકેસ્ટ્રા મેગાસ્ટાર અને એન્કર તરીકે મીરા દોશી મણીયાર નવે નવ દિવસ ખેલૈયાઓને મનમૂકી ગરબે રમવા મજબૂર કરશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ મેદાન પર નીહાળી શકાય તે માટે વિશાળ એલઈડી સ્ક્રીનની પણ સુવિધા કરાઈ છે. નવરાત્રિના નવે- નવ દિવસ પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલ ડ્રેસ તથા કિડ્સ માટે ઈનામો રાખવામાં આવ્યા છે.

ખોડલધામ નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપીને સુરક્ષા માટે કડક સિકયુરિટી તેમજ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રાખવામાં આવશે. ઉપરાંત સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં અગવડતા ન ઉભી થાય તે માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

(3:58 pm IST)