Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વિશ્વભરના સુપ્રસિદ્ધ તબીબોએ ઓપરેશનો નિહાળ્યા : પથરી - પ્રોસ્ટેટના રોગો વિશે માહિતી આદાન પ્રદાન કરી

વેસ્ટ ઝોન યુરોલોજી સોસાયટીના અધિવેશનનો પ્રારંભ : આવતીકાલે સમાપન

રાજકોટ : દેશની અત્યંત મોટી આધુનિક કોન્ફરન્સ રાખવામાં આવેલ છે. જેમાં રાજકોટના સ્પેશ્યાલીસ્ટ યુરોલોજી ડોકટરો ડો.સુશિલ કારીઆ, ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.વિવેક જોષી, ડો.સુધીર શેઠ તથા સર્વે સ્પેશ્યાલીસ્ટોના જણાવ્યા મુજબ આ અધિવેશનના પહેલા દિવસે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાંથી વિવિધ ઓપરેશનો દુનિયાના અત્યંત પ્રસિદ્ધ ડોકટરો દ્વારા કરવામાં આવેલ અને સવારથી સાંજ સુધીમાં કુલ ૧૨ ઓપરેશન કરી, રીજન્સી લગુન રીસોર્ટમાં બેઠેલા અંદાજીત ૪૦૦ ડોકટરોએ નિહાળ્યા તથા તે વિશે વિચાર વિમર્શ કરી પથરી તથા પ્રોસ્ટેટના આધુનિક ઓપરેશનો તથા સાધનો વિશે માહિતીની આપ-લે કરી.

આ ઓપરેશનના પહેલા દિવસે અમેરીકાથી પધારેલ ડો.જહોન ડેનસ્ટેટ, ડો.અસીમ શુકલા તથા ઈન્ડિયાના અત્યંત પ્રસિદ્ધ અને અનુભવી ડોકટરો, ડો.મહેશ દેસાઈ, ડો.મધુ અગ્રવાલ, ડો.રવિન્દ્ર સબનીશ, ડો.સદાશિવ ભોલે, ડો.કંદર્પ પરીખ તથા ડો.જનક દેસાઈએ ઓપરેશનો કરી ચર્ચા કરેલ હતી.

ડો.જોષી, ડો.અમલાણી, ડો.કારીઆ તથા તેમની ટીમના સર્વે ડોકટરો વતી યાદીમાં જણાવવામાં આવેલ છે કે ત્રણેય દિવસના અધિવેશનનું લાઈવ પ્રસારણ યુ ટ્યુબ પર ડોકટરો તથા સર્વે લોકો નિહાળી શકશે.

સમારંભના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના અને વિશ્વભરના પ્રખ્યાત સીનીયર યુરોલોજીસ્ટ ડો. પી. સી. પટેલ તથા ડો.મહેશ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ હતા. તેમજ કી નોટ સ્પીકર તરીકે બોલીવૂડના જાણીતા ડાયરેકટર સિદ્ધાર્થ રોય કપૂર ખાસ હાજર રહેલ હતા.

હજુ આજે શુક્રવારે તથા શનિવારે સવારથી સાંજ સુધી વેસ્ટ ઝોન ઈન્ડિયાના ૪૫૦ જેટલા કિડનીના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો આ અધિવેશનમાં ભાગ લેશે અને કિડની, પ્રોસ્ટેટ તથા પથરીના દર્દ વિશે અત્યંત આધુનિક સારવાર, ખાસ કરીને રોબોટથી થતી સારવાર વિશે ચર્ચા વિચારણા કરશે તથા નવા ડોકટરોને તેમાંથી ઘણુ શીખવાનું પણ મળશે. તેમ યુરોલોજીકલ સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છના ઓર્ગેનાઈઝીંગ ચેરમેન ડો.વિવેક જોષી, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો.જીતેન્દ્ર અમલાણી અને ઓર્ગેનાઈઝીંગ પ્રેસીડેન્ટ ડો.સુશિલ કારીઆએ જણાવ્યુ છે.

(3:58 pm IST)