Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

૨૮ અર્વાચીન રાસ-૫૭૨ પ્રાચીન ગરબીઃ ૧૦૦૦ પોલીસ તૈનાત

દાંડીયારાસના કોમર્શિયલ આયોજનમાં આવક-જાવક માટે વધુમાં વધુ ગેઇટ રાખવા અને ખાનગી સિકયુરીટી તૈનાત કરવા પોલીસ કમિશનર સંદિપસિંહનો આદેશ : મહિલા અને પુરૂષોના પ્રવેશ ગેઇટ અલગ રાખવા પડશેઃ ડોર મેટલ ડિટેકટર અથવા હેન્ડ મેટલ ડિટેકટરનો ફરજીયાત ઉપયોગ કરવો પડશેઃ ૩૦ દિવસ સુધીના બેકઅપ સાચવી શકાય તેવા સીસીટીવી કેમેરા ફીટ કરાવવા ફરજીયાત

રાજકોટ તા. ૨૭: રવિવાર તારીખ-૨૯મીથી તારીખ ૭ ઓકટોબર સુધી દેશભરમાં મા શકિતની ભકિતના પર્વ નવરાત્રીની ઉજવણી થશે. આ અંતર્ગત રાજકોટ શહેરમાં યોજાનાર અર્વાચીન-પ્રાચીન રાસ ગરબાઓના સંચાલકો માટે શહેર પોલીસ કમિશનર સંદિપ સિંહે ફરજીયાતપણે અમલમાં આવે તેવી ગાઇડ લાઇન આપી છે. આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં ૨૮ સ્થળે અર્વાચીન દાંડીયા રાસનું અને ૧૦૩ મોટી અને ૪૬૯ નાની પ્રાચીન ગરબીઓના આયોજન થયા છે. ઉપરોકત તમામ ગરબીઓ ઉપર એક હજાર જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટની સુચના મુજબ રાત્રે ૧૨ વાગ્યા સુધીની મંજુરી આપવામાં આવી છે.

અર્વાચીન અને પ્રાચીન સ્થળે ગોઠવાયેલા બંદોબસ્તમાં ૨-ડીસીપી, ૪-એસીપી, ૧૨-પોલીસ ઇન્સ્પેકટર, ૪૩-સબ ઇન્સ્પેકટર, ૩૪૩-પોલીસમેન, ૩૦ મહિલા પોલીસ, ૨૩૭-હોમગાર્ડ સાથે ૬૬૯નું દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે ૧-એસીપી, ૨-પોલીસ ઇન્સ્પેકટર, ૧૨-સબ ઇન્સ્પેકટર, ૬૧-ટ્રાફિક પોલીસમેન, ૧૩૪-ટ્રાફિક બ્રિગેડ સહિત ૨૧૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ખડા કરવામાં આવશે.

આ બંદોબસ્ત સાંજે ૭ થી રાત્રીના ૧૨:૦૦ સુધી રહેશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન અનઇચ્છનીય બનાવ ન બને એ માટે ૫૯ પેટ્રોલીંગ ટીમો તેમજ ૩૦ સ્ટ્રેટેજીક  પોઇન્ટ કાર્યરત કરવામાં આવશે. દારૂડીયાઓ-નશાખોરોને ઝડપી લેવા માટે બ્રેથ એનલાઇઝરનો પોલીસ મહત્તમ ઉપયોગ કરશે. તેવું શ્રી સંદિપસિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત આવારા-રોમિયો તત્વોને પકડવા માટે ખાસ એન્ટી રોમિયો ટીમો મુખ્ય ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવના સ્થળે ખાનગીમાં વોચ રાખશે.

પોલીસ કમિશનર દ્વારા અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવ માટે કેટલાક નિયમો લાદવામાં આવ્યા છે. ખાનગી ગરબીઓના આયોજકોએ ખેલૈયાઓના અને જોવા આવનારા લોકોના પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે વધારેમાં વધારેમાં વધારે દરવાજાની વ્યવસ્થા ઉભી કરવી પડશે. મહિલાઓ અને પુરૂષોની એન્ટ્રી અલગ-અલગ રાખવી પડશે. મુખ્ય દ્વાર અને અન્ય દ્વારો પર બેરીકેડ લગાવવી ફરજીયાત રહેશે.  આ ઉપરાંત ખાનગી સિકયુરીટી મેટલ ડિટેકટર સાથે ઉપલબ્ધ બનાવવા તાકીદ કરવામાં આવી છે.

૩૦ દિવસ સુધી સાચવી શકાય તેવા બેકઅપ સુવિધા સાથેના સીસીટીવી કેમેરા ગોઠવવા પણ ફરજીયાત બનાવાયા છે. આગના સંદર્ભમાં લેવી જોઇતી તમામ તકેદારીઓ સંચાલકોએ લેવી પડશે અને તે માટેનું એનઓસી સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત રહેશે. ખાનગી ગરબીઓના સંચાલકોએ પાર્કિંગની વ્યવસ્થા, પાર્કિંગમાં સીસીટીવી અને સિકયુરીટીની પણ વ્યવસ્થા રાખવી પડશે.

ઉપરોકત નિયમોનું પાલન નહિ કરનારા આયોજકો સામે કડક કાયદાકીય કાર્યવાહીનો નિર્દેશ પણ શ્રી સંદિપસિંહે આપ્યો હતો. પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ.ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:57 pm IST)