Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

ર જી ઓકટોબરનાં પ્રભાત ફેરી, નિબંધ તથા ચિત્ર સ્પર્ધા સહીતના વિવિધ કાર્યક્રમો

રાજકોટ, તા., ર૭: મ્યુ. કોર્પોરેશન દ્વારા ૨જી ઓકટોબર  મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે પ્રભાત ફેરી, ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા સંયુકત યાદીમાં જણાવે છે  મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી ૨જી ઓકટોબર પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે પ્રભાત ફેરી, ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધાનુ આયોજન મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.  આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ સંગઠનના હોદેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, ગાંધી વિચાર ધરાવતા આગેવાનો, માધ્યમિક સ્કુલના શિક્ષણગણ, વિદ્યાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.  

પ્રભાત ફેરી

પૂજય ગાંધીજીના જીવન પર, સ્વચ્છતા અંગે પ્લાસ્ટિક મુકત ભારત તથા જળ બચાવો વિગેરે વિષય પર જુદા જુદા સ્લોગન તેમજ ડી.જે.ના સથવારે રાજકોટ મહા નગરપાલિકાની માધ્યમિક તેમજ નગર પ્રથામિક શિક્ષણ સમિતિના સ્કુલના વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાશે.

આ  પ્રભાત ફેરી સવારના ૭ કલાકે બહુમાળી ભવન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી શરૂ કરી કિસાન પરા ચોક, બાલભવન પાસે સમાપન.

ચિત્ર સ્પર્ધા

ચિત્ર નગરી ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા આપણી જવાબદારી તથા પ્લાસ્ટિક મુકત ભારત વિષય ઉપર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ૧૬ વર્ષથી નીચે તેમજ ૧૬ વર્ષથી ઉપરના એમ ૨ ગ્રુપ પાડવામાં આવેલ છે.

ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બન્ને ગ્રુપમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ પર આવનાર સ્પર્ધકોને રૂ.૫,૦૦૦/-. રૂ.,૩,૧૦૦/-, અને રૂ.૨,૧૦૦/- પુરષ્કાર એનાયત કરવામાં આવશે અને ભાગ લેનાર બાકીના ચિત્રકારોને પ્રમાણપત્ર અને ગીફ્ટ આપવામાં આવશે.

નિબંધ સ્પર્ધા

નિબંધ સ્પર્ધામાં ધોરણ ૦૭ અને ૦૮ તેમજ ધોરણ ૦૯ અને ૧૦ એમ ૨ ગ્રુપ પાડવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ૦૧) સ્વચ્છતાએ આપણી જવાબદારી, ૦૨) પ્લાસ્ટિક મુકત ભારત, ૦૩) જળ બચાવો વિષય ઉપર યોજાશે.

નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર બન્ને ગ્રુપમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ પર આવનાર સ્પર્ધકોને રૂ.૫,૦૦૦/-. રૂ.,૩,૧૦૦/-, અને રૂ.૨,૧૦૦/- પુરષ્કાર એનાયત કરવામાં આવશે અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને ગીફ્ટ આપવામાં આવશે.

ચિત્ર અને નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહ તા.૦૨ના રોજ બપોરના ૧ર કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જયુબેલી ચોક, જવાહર રોડ, ખાતે યોજાશે.

સ્પર્ધાની વિશેષ વિગતો તથા રજીસ્ટ્રેશન માટે અધિકારીનો સંપર્ક  એમ.ડી. ખીમસુરીયા મો. ૯૮૨૪૦ ૯૭૧૭૯ તથા  એન.એમ. આરદેશણા મો. ૯૬૨૪૭ ૧૮૫૪૭નો સંપર્ક કરવા મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં  જણાવાયું છે.

(3:56 pm IST)