Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

તંત્રની નિંભરતાના કારણે રેલનગર અંડરબ્રિજમાં અકસ્માતનો ભય

આ બ્રિજમાં સેવાળની સફાઈ તથા મીટર તાકિદે રીપેર કરવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની રજૂઆત

રાજકોટ, તા. ૨૭ :. શહેરના વોર્ડ નં. ૩ના રેલનગર વિસ્તારમાં આવેલ અન્ડરબ્રિજમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેતા સેવાળ જમા થવાથી તથા તેના પેકસના અરીસા તૂટી જવાથી અનેક અકસ્માતની ઘટના બને છે ત્યારે અહીં તાકિદે સફાઈ કરાવવા તથા મીટર રીપેર કરવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે શ્રી ગાયત્રીબાએ મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, શહેરના વોર્ડ નં. ૩ માં આવેલ અંડરબ્રીજ આ વિસ્તારમાં વસવાટ કરતા પચાસ હજાર લોકોની અવરજવર માટેનો મુખ્ય રસ્તો છે પરંતુ પ્રથમથી ઈજનેરી ક્ષતિઓ અને કામગીરીમાં લાપરવાહી ના કારણે ચોમાસા દરમ્યાન કરોડો રૂપિયા ખર્ચી લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ અંડરબ્રીજ બીનઉપયોગી બની જવાનો આક્ષેપ કર્યો હતો અને સમયસર વરસાદી પાણી ન ઉલેચવાના કારણે અને જમીનમાંથી સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેવાથી સિમેન્ટના રોડ ઉપર સેવાળ તેમજ રેતીના થર જામી જાય છે. નિયમીત સફાઈની જવાબદારીની ફેંકાફેંકીના કારણે અંડરબ્રીજમાં કચરાના અને રેતીના ઢગલાઓ તેમજ ગંદકી ફેલાઈ રહી છે. જેથી રસ્તે નિકળતા લોકો ત્રસ્ત છે. તેમજ સેવાળ જામી જવાના કારણે તેમજ રેતી અને કાંકરાના ઢગલાના કારણે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાથી અનેક અકસ્માતની ઘટનાઓ બને છે તેમજ અંડરબ્રીજના વળાંક પાસે અકસ્માત નિવારવા માટે મુકવામાં આવેલ મટીર તૂટી - કટકા થઈ નીચે પડી ગયેલ છે છતા પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ જ પગલાઓ ભરવામાં આવતા નથી અને પ્રજાના વ્યાપક જનહિત-સલામતિ પ્રત્યે ઉદાસીનતા અને ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે આ અંગે યોગ્ય કરવા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ હતું.

(3:49 pm IST)