Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બાપુની જન્મજયંતિએ ૧૫૦ ભુલકાઓ ગાંધીજીનો વેશ ધારણ કરશે

૨ ઓકટોબરે રાજકોટના રાજમાર્ગો ઉપર નીકળશે ગાંધી વિચારયાત્રા : જ્યુબેલી ચોક ખાતેથી M.K.150 ગાંધી કૂચનું થશે પ્રસ્થાન, પંચનાથ મંદિરે વિરામ : ગાંધીજી હેલ્મેટ પહેરી સ્કુટર ચલાવશે, વિશ્વની સૌથી મોટી ટોપી આકર્ષણ જમાવશે : ફ્રિડમ યુવા ગ્રુપની ૧૬મી ગાંધી વિચારયાત્રા રાજમાર્ગો ઉપર ગાંધી વિચાર ફેલાવશે

રાજકોટ, તા. ૨૭ : રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીનાં સત્ય, અહિંસાનાં આદર્શો ફકત ભાષણ પુરતા મર્યાદીત થઈ ગયા છે ત્યારે પણ રાજકોટનાં ફ્રિડમ યુવા ગ્રુપનાં યુવાનો ગાંધી વિચારનું જીવની જેમ જતન કરી રહયા છે. તેના ભાગરૂપે વર્ષ ૨૦૦૫ થી આજ સુધી અર્થાત ૧૮ વર્ષથી પ્રતિ વર્ષ બીજી ઓકટોબર ગાંધીજયંતિ દિને ગાંધીજીનાં જીવન-કવન આધારીત ભવ્ય વિચાર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તા. રજી ઓકટોબર સવારે ૯ કલાકે જયુબેલી ચોકથી પ્રસ્થાન થઈ વિવિધ માર્ગો પર ફરી પંચનાથ મંદિર ખાતે વિરામ પામશે.

આ અંગેની વિગતો આપતા ફ્રિડમ યુવા ગ્રુપનાં સંસ્થાપક અને ગાંધી વિચાર યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરાએ જણાવ્યુ કે સમગ્ર ભારતમાં અનેકવિધ કાર્યક્રમો ગાંધી જયંતિએ થાય છે. પરંતુ સાંપ્રત સમસ્યાઓ અને તેનો ગાંધીમય ઉકેલ સાથે ગાંધી વિચાર યાત્રાની સર્વપ્રથમ પહેલ રાજકોટથી ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી. જેમાં ચાલુ વર્ષે “M.K. 150” ગાંધીકૂચ યોજાશે.

સંસ્થાનાં ચેરમેન મનોજ ડોડીયા, પ્રમુખ સંજય પારેખ, પ્રવિણ ચાવડા તથા કિરીટ ગોહેલ જણાવેલ છે કે અમારા આયોજનનું દેખીતુ સ્વરૂપ ફકત શોભાયાત્રા છે પરંતુ તેમાં શહેરની સંસ્થાબંધ શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો દ્વારા ગરીબી, બેકારી, સામાજીક વિસંગતતા, પ્રાંતવાદ-જ્ઞાતિવાદ, આતંકવાદ વિગેરે સમસ્યાઓનો ગાંધીજી પ્રેરીત ઉકેલ શું છે તે દર્શાવે છે.

પ્રતિવર્ષ યાત્રાની થીમ અને થીકીંગ અલગ અલગ હોય છે આ વર્ષની યાત્રા અંગે જણાવતા રમાબેન હેરભા, એચ. એ. નકાણી જણાવે છે કે આ વર્ષ પૂ. બાપૂ (૨-૧૦-૧૮૬૯ થી ૨-૧૦-૨૦૧૯) ની જન્મ જયંતિનાં સાર્ધ શતાબ્દી મહોત્સવનાં સમાપન નીમીતે રાજકોટમાં કયારેય પણ નથી બન્યું તેવુ ૧૫૦ મી જન્મ જયંતિએ ૧૫૦ વિદ્યાર્થીઓ ગાંધીજીનાં પરીવેશમાં 'એમ.કે. ૧૫૦' ગાંધીકૂચ યોજશે અને કાયદાઓનું ચુસ્ત પાલન કરવાની સમજણ આપશે. તેમજ પંચશીલ સ્કુલનાં સંચાલક અને ગાંધી વિચારના પ્રખર હિમાયતી ડો. ડી. કે. વડોદરીયા દ્વારા વિશ્વની સૌથી વિશાળ ગાંધી ટોપી જે ગીનીશ બુકમાં સ્થાન પામેલ તે પણ આ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે.

આ યાત્રાના સમય અને સ્થળની વિગત આપતા ગાંધી વિચારયાત્રાની માર્ગદર્શક સમીતીનાં અધ્યક્ષ બીપીનભાઈ પલાણ તથા સંસ્થાના ઉપપ્રમુખ અલ્પેશભાઈ પલાણે જણાવ્યું હતુ કે તા. ૨-૧૦ બુધવાર સાવરે ૯ વાગ્યે જયુબેલી ચોક, ખાતેથી 'એમ.કે. ૧૫૦' ગાંધીકૂચનું પ્રસ્થાન થશે જે એસબીએસ ચોકથી શાસ્ત્રી મેદાન, લીમડા ચોક થી રાજેન્દ્ર પ્રસાદ રોડ થઈ પંચનાથ મેઈન રોડથી પંચનાથ મહાદેવ મંદિરમાં વિરામ પામશે.

આ સમગ્ર આયોજન ગાંધી વિચાર યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરા (મો.૯૪૨૭૭ ૩૦૪૬૨)ની રાહબરીમાં ચેરમેન મનોજ ડોડીયા, પ્રમુખ સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કીરીટ ગોહેલ, રમાબેન હરેભા, એચ. એ. નકાણી, અલ્પેશભાઈ પલાણ, ચંદ્દેશ પરમાર, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહીત, નીમેશ કસરીયા, અલ્પેશ ગોહેલ, જે. પી. ફુલારા, રસીકભાઈ મોરઘરા, રોહીત નીમાવત, રાજન સુરૂ, ધવલ પડીઆ, ધ્રુમીલ પારેખ, મીલન વોરા, પારસ વાણીયા, રાજ ચાવડા, પુનીત બુંદેલા, જય દુધીયા, સંજય ચૌહાણ, જય આહીર, વિશાલ અનડકટ, અજીત ડોડીયા, જીતેશ સંઘાણી સહીતનાઓ જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા વર્ષ ૨૦૦૫થી ૨૦૧૯ સુધીની યાત્રાની થીમ

૨૦૦૫

ચાલો મોહનમય થઇએ...

૨૦૦૮

આતંકવાદ અને ગાંધીજી

૨૦૦૭

મોહનથી મહાત્મા સુધી...

૨૦૦૮

ગ્લોબલ મહાત્મા... નોબલ મહાત્મા

૨૦૦૯

ચક્રથી ચરખા સુધી

૨૦૧૦

જીવંત ગાંધી... મૂતિમાન ગાંધી

૨૦૧૧

આચરણથી ઉપવાસ સુધી.. મહાત્મા ગાંધી

૨૦૧૨

બહુઆયામી ગાંધી... શાશ્વત ગાંધી

૨૦૧૩

અનંત ગાંધી... ગાંધી વિચાર અનંતા

૨૦૧૪

સ્વચ્છતા અને ગાંધીજી

ર૦૧૫

અહિંસક ક્રાંતિ - શાંતિનું સહઅસ્તિત્વ એટલે મહાત્મા ગાંધી

ર૦૧૬

સેલ્ફી વીથ બાપૂ

ર૦૧૭

યુગપુરૂષ - ગાંધી

૨૦૧૮

સત્યાગ્રહ થી સ્વચ્છાગૃહ સુધી

૨૦૧૯

એમ. કે. ૧૫૦

(3:47 pm IST)