Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કોંગ્રેસના વિરોધની ઐસીતૈસીઃ કોમ્યુનિટી હોલના 'લકઝરી ભાડા'ને મંજુરી

શાસકોનો વિચિત્ર બચાવઃ જેને તગડુ ભાડુ પોસાય તેના માટે જ હોલ બનાવાયો છેઃ પ્રજાનો સવાલ... તગડુ ભાડુ પોસાય તેવા લોકો કેટલા ? : યુનિ. રોડનાં 'કવિ અમૃત ઘાયલ હોલ'નાં ૧પ૦૦૦ થી ૭પ૦૦૦નું ભાડુ સ્ટેન્ડીંગમાં મંજૂરઃ હોલની સુવિધા મુજબ ભાડુ હોવુ જોઇએ પરંતુ બેસણા જેવા દુઃખદ પ્રસંગોમાં પણ તંત્રએ વેપલો માંડયોઃ સ્ટેન્ડીંગનાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વસવસો

રાજકોટ તા. ર૭ :.. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીમાં આજે યુનિવર્સિટી રોડ ઉપર રૂ. ૧પ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલ 'કવિ અમૃત ઘાયલ' કોમ્યુનિટી હોલનાં રૂ. ૧પ૦૦૦ થી રૂ. ૭પ૦૦૦ હજાર સુધીનાં લકઝરી ભાડાને મંજૂરી આપી દેવાઇ છે. આ વધુ પડતાં ભાડા બાબતે ઉહાપોહ થવા છતાંય શાસક પક્ષે પ્રજાહીતને બાજૂએ રાખીને વ્યાપારિકરણને મહત્વ આપી. લકઝરી ભાડાની મંજૂરી આપવાની મક્કમતા દાખવ્યાનાં આક્ષેપો સાથે સ્ટેન્ડીંગ કમીટીમાં  વિપક્ષ કોંગ્રેસનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ દરખાસ્તનો વિરોધ  કર્યો હતો.

જેમાં લગ્ન, સગાઇ, જનોઇ, ધાર્મિક પ્રસંગો, લૌકિક વિ. પ્રસંગો માટે પ્રતિ યુનિટ રૂ. ૩પ,૦૦૦, ત્થા પ૦,૦૦૦ ડીપોઝીટ, બેસણુ અને ઉઠમણું (જેમાં જમણવાર ન હોય) (૪ કલાક માટે સવારે ૮ થી ૧ર અથવા બપોરે ર થી ૬ માટે) પ્રતિ યુનિટ ૧પ,૦૦૦ ત્થા ૧પ,૦૦૦ ડીપોઝીટ, કોમર્શીયલ હેતુ માટે તેમજ ઉપરોકત ક્રમ નં. ૧ અને ર સિવાયના પ્રસંગો માટે પ્રતિ યુનિટ  ૭પ, ત્થા પ૦,૦૦૦ ડીપોઝીટ છે.

આ ઉપરાંત ડોરમેટરી માટેનો ચાર્જ રૂ. ૧૦,૦૦૦ પ્રતિ દિવસ પ્રતિ ડોરમેટરી અને રૂમ ચાર્જ રૂ. ૧પ૦૦ પ્રતિ દિવસ પ્રતિ રૂમ મુજબ અલગથી રહેશે. ડોરમેટરી તથા રૂમ ઉકત પ્રસંગે હોલ સાથે ફાળવવામાં આવશે. પરંતુ ફકત ડોરમેટરી તથા રૂમનું અલગથી બુકીંગ કરી શકાશે નહીં. વીજ વપરાશ અને પી. એન. જી. ચાર્જ રાજકોટ મહાનગરપાલિકા  દ્વારા વખતો-વખત નિયત કરવામાં આવે તે મુજબનો ચુકવવાનો રહેશે તેમજ ભાડે રાખનાર દ્વારા કોમ્યુનીટી હોલમાં કોઇ નુકશાની કરવામાં આવે તો નુકશાનીની રકમ પેટે જે તે સમયે પ્રવર્તમાન ભાવ ત્થા ૧ર.પ ટકા સુપર વિઝન ચાર્જ મુજબની રકમ વસુલવામાં આવશે.

આમ ઉકત વિગતે યુનિવર્સિટી રોડ પર, એસ. એન. કે. સ્કુલ પાછળ નવનિર્મિત કોમ્યુનીટી હોલ સંદર્ભે (૧) ના ઠરાવથી નિયત થયેલ નિયમોનુસાર ભાડેથી આપવા તેમજ સદરહુ કોમ્યુનિટી હોલ માટે ડીપોઝીટ અને ભાડાના દર ઉકત સુચવ્યા મુજબનાં દર નિયત કરવાનું મંજૂર થવા અંગેની આ દરખાસ્ત અરજન્ટ બિઝનેસ તરીકે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાયેલ જેને લીલીઝંડી અપાઇ હતી.

દરમિયાન વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ દરખાસ્તમાં વિરોધ દર્શાવી સુચવ્યુ હતું કે આ કોમ્યુનીટી હોલની એર કન્ડીશન્ડ સહિતની સુવિધાઓ મુજબ ભાડુ બેસણા જેવા દુઃખદ પ્રસંગોમાં'ય ૧પ૦૦૦ જેટલુ ભાડુ રાખવુ તે અયોગ્ય છે.  તેનાં બદલે ૧૦ હજાર ભાડુ રાખવુ જોઇએ અને જો તંત્રને નુકશાન થતુ હોય તો વ્યાપારી હેતુનુ ભાડુ ૭પ હજારમાંથી ૧લાખ સુધીનું કરવુ જોઇએ.

પરંતુ આટલુ વધારે ભાડુ અયોગ્ય છે. તેમાં મહદ અંશે રાહત જરૂરી છે. પરંતુ શાસકોએ ભાડામાં રાહત આપ્યા વગર - તમામ લકઝરી ભાડા મંજૂર કરી દીધા હતા.

ભાજપના ૪૦ માંથી માત્ર એકજ કોર્પોરેટરે હોલનાં ભાડા વધારાની ચિંતા કરી

રાજકોટ : યુનિ. રોડનાં નવ નિર્મીત કોમ્યુનીટી હોલનાં વધારે પડતાં ભાડા સામે ઉહાપોહ થયો હતો. ત્યારે શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં ૪૦ પૈકી માત્ર એક સીનીયર કોર્પોરેટરે જ ચિંતા વ્યકત કરી અને પ૦ હજારની ડીપોઝીટમાં રાહત આપવા ત્થા બેસણાનાં ભાડામાં રાહત આપવા સુચવેલ.

(3:45 pm IST)