Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગોકુલનગરમાં જીતેન્દ્રએ પત્નિ-પુત્રને ઘરમાંથી કાઢી મુકી પત્નિના માથામાં તાળુ ફટકારી દીધું

જમવાની થાળી પત્નિને બદલે પુત્ર દેવા આવ્યો તે ન ગમતાં ઉશ્કેરાઇ ગયો

રાજકોટ તા. ૨૭: સામા કાંઠે સંત કબીર રોડ પર ગોકુલનગર-૨માં રહેતાં આરતીબેન જીતેન્દ્ર ભોજક (રાવળદેવ) (ઉ.૨૫)ને રાત્રે તેના પતિ જીતેન્દ્ર હસમુખભાઇ ભોજકે માથામાં તાળુ ફટકારી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

આરતીબેનના કહેવા મુજબ તેનો પતિ જીતેન્દ્ર આઇશરનું ડ્રાઇવીંગ કરે છે અને તેને નશો કરવાની ટેવ છે. ગઇકાલે બપોરે તે પીને ઘરે આવ્યો હતો અને સુઇ ગયો હતો. રાતે ઉઠીને જમવાનું માંગતા તેણીએ થાળી તૈયાર કરી ૮ વર્ષના પુત્ર દિવ્યેશને થાળી આપવા મોકલતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને છોકરાને શું કામ મોકલ્યો? તું કેમ થાળી દેવા ન આવી? કહી ઝઘડો કરી તેણીને અને પુત્રને બહાર કાઢી મુકી દરવાજે તાળુ મારવાનો પ્રયાસ કર્યો હતો. તાળુ તેણીએ ઝુંટવી લેવાનો પ્રયાસ કરતાં માથામં ફટકારી દીધું હતું. અવાર-નવાર પતિ આ રીતે દારૂ પી ખેલ કરતો હોવાનો આક્ષેપ આરતીબેને કર્યો હતો.

મંછાનગરમાં ભાવેશ માલીશ કરવાની દવા પી ગયો

માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતો અને ઇમિટેશનનું કામ કરતો ભાવેશ દેહાભાઇ ડેરવાણીયા (ઉ.૨૦) રાતે માલીશ કરવાની દવા પી જતાં તબિયત બગડતાં સિવિલમાં ખસેડાયો હતો. જો કે રાતે જ રજા લઇ લીધી હતી. આવુ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનોએ પોતે અજાણ હોવાનું કહ્યું હતું.

ક્રિષ્ના અને ચંદ્રીકાએ ફિનાઇલ પીધું

આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે રહેતી ક્રિષ્ના ડાયાભાઇ સાગઠીયા (ઉ.૧૯) ફિનાઇલ પી જતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. જ્યારે બીજા બનાવમાં સોખડાની ચંદ્રીકા રાજેશ ચોૈહાણ (ઉ.૨૨) ફિનાઇલ પી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

(1:06 pm IST)