Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

રમાએ ખરેખર કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા?...વિગતો ઓકાવવા મથામણ

પોતે કંઇ જાણતી નહિ હોવાનું રટણઃ હવે તેની હોસ્પિટલના ભાગીદાર ઉમેદ ઉર્ફ મુન્નો ગીલાણીને શોધતી પોલીસ

રાજકોટ તા. ૨૭: ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલિકા રમા મુળુભાઇ બડમલીયા (વાળંદ) (ઉ.૪૬) વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ગેરકાયદેસર રીતે મહિલાઓના ગર્ભ પરિક્ષણ કરતી હોવાનો શહેર પોલીસે પર્દાફાશ કરી રમા સહિત ચારને ઝડપી લીધા હતાં. રમા અને એજન્ટ તરીકે કામ કરતાં નિતેન્દ્રસ્િંહ ગજેન્દ્રસિંહ સોલંકી (ઉ.૩૪)ના રિમાન્ડ મંજુર થતાં ક્રાઇમ બ્રાંચે બંનેને સાથે રાખી ચોટીલા હોસ્પિટલમાં તપાસ કરી ત્યાંથી પણ અમુક સાધન સામગ્રી કબ્જે કરી હતી. રમા ચોટીલામાં ઉમેદ પ્યારઅલી ગિલાણી ઉર્ફ મુન્ના સાથે ભાગીદારીમાં હોસ્પિટલ ચલાવતી હતી. તેણીએ ખરેખર કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા? તેની સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પોલીસ હવે ઉમેદ ઉર્ફ મુન્નાને શોધી રહી છે.

ઉલ્લેખનિય છે કે પોલીસે છટકુ ગોઠવી ચોટીલા રાજધાની હોટેલ સામે ઓજીપી બંગ્લોઝમાં આવેલી મણીરત્ન હોસ્પિટલ ખાતે રહેતી અને આ હોસ્પિટલની સંચાલિકા વાળંદ રમાબેન મુળુભાઇ બડમલીયા (ઉ.૪૬), તેના ભાણેજ અને ડ્રાઇવર તરીકે કામ કરતાં રાજકોટ માલધારી સોસાયટીમાં સરકારી શાળા પાછળ રહેતાં મહેશ મનુભાઇ રાઠોડ (ઉ.૩૨), ગર્ભ પરિક્ષણ માટે ગ્રાહક શોધી આપવાનું કામ કરતાં જામનગર રોડ અવંતિકા પાર્ક બી-૧૬૬માં રહેતાં નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી (ઉ.૩૪) તથા રૈયા રોડ દ્વારકેશ પાર્ક પ્રભુ રેસિડેન્સી બ્લોક નં. ૨ 'શ્રીમદ્દ ભગવદ્દ ગિતા' નામના મકાનમાં રહેતાં જમીન મકાનના ધંધાર્થી હરેશ ગોરધનદાસ કારીયા (ઉ.૪૭)ની ધરપકડ કરી હતી.

આ તમામ સામે  પીસી એન્ડ પીએનપીટી એકટ ૧૯૯૪ની કલમ ૩, ૪, ૬, ૪૮ અને નિયમ ૩, ૪, ૬ તથા આઇપીસી ૩૧૫, ૫૧૧, ૧૨૦-બી, ૩૪, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૧૪)  

(3:59 pm IST)