Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

રૈયા રોડ પર ટાઉન પ્લાનીંગ શાખા ત્રાટકીઃ ૫૧ છાપરા-ઓટલાનો કડુસલો

આમ્રપાલી રેલ્વે ફાટકથી બાપા સીતારામ ચોક સુધીના વિસ્તારમાં કોમ્પ્લેક્ષ, બિલ્ડીંગમાં માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામોના દબાણો હટાવાયાઃ દબાણ હટાવ શાખા દ્વારા રેંકડી-કેબીન જપ્તઃ ૨૮ હજારનો દંડ

રૈયા રોડ પર છાપરા-ઓટલાનું ડીમોલીશન કરાયુ તે વખતની તસ્વીર (તસ્વીરઃ જયદેવસિંહ આર. ઝાલા)

રાજકોટ, તા. ૨૭  :. શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું.જે અંતર્ગત રૈયા રોડ પર આમ્રપાલી રેલ્વે ફાટકથી બાપા સીતારામ ચોક સુધી  વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૫૧ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. 

આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનિગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ પર વન ડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે કુલ ૫૧ સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવેલ. જેમાં હનુમાન મેડીસીન, ડીલકસ, ડેલ્ટા સ્કૂલ, જાગૃતિ દીપ, અતુલ્યમ, સન સીટી હેવન, એ-વન હાઈટ, ડીલકસ, વિનાયક હેર આર્ટ, શકિત ફુટવેર, શ્રી રામ ઓટો, ચંદ્રપ્રભુ, કે.કે. બેટરી, સન પ્લાઝા, પ્રમુખ હાર્ડવેર, જય નકલંક હોટલ, સંદીપ ઈલેકટ્રોનીક, ગીરીરાજ કોલ્ડ્રીંકસ, મારૂતિ હાર્ડવેર, ગાંધી સોડા, શ્રીનાથજી ઝેરોક્ષ, રઘુવીર સિલેકશન, સુપર હેર આર્ટ, મયુર પાન, ચામુંડા ઓટો, શ્રીરામ સીંગ, રામદેવ દુધ, ભરત કોટન, મુસ્કાન કટપીસ, યાશ્મીન કટપીસ, એકટીવ શુઝ, જીલ મોબાઈલ, રીયલ ચોઈસ, એન. કુમાર હેર આર્ટ પાસે, શ્રી શકિત ઓટો, અજમેરી કોટન, અંબે પ્રોવિઝન, પુરૂષાર્થ બેગ, વહિદા ડ્રેસ, ડાભી ટેઈલર, ડેનીમ, ફેશન, ઝીલ ફેશન, ચેતન પાન, પુર્ણીમા સીઝન, શ્રીનાથજી ટ્રેડર્સ, જય સીઝન સ્ટોર, વિનોદ પોપટ એડવોકેટ, સદગુરૂ કોમ્પલેક્ષ, અંજલી ફાસ્ટ ફુડ, અનમોલ ફુડ સહિત ૫૧ સ્થળોએથી છાપરા-ઓટલા દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, એ. જે. પરસાણા,  આર. એન. મકવાણા, તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી તથા તેમનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી ચુડાસમા તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

રેંકડી-કેબીન જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં આજે રૈયા રોડના વિવિધ સ્થળોએથી દબાણરૂપ માલસામાન તથા રેંકડી-કેબીન જેવો સામાન જપ્ત કરવાની કામગીરી કરાવવામાં આવી હતી. તેમજ આજ રોજ કરવામાં આવેલ ડીમોલીશન દરમ્યાન જુદા જુદા આસામીઓ પાસેથી રૂ. ૨૮,૦૦૦ જેવો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવેલ હતો.

આ કામગીરી એસ્ટેટ શાખાના આસિ. મેનેજર બી.બી. જાડેજા  અને ટીમ અને ડીવાયએસપી આર.બી. ઝાલા અને તેમની વિજિલન્સ ટીમ તથા ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

(3:34 pm IST)